વડા પ્રધાન મોદીના યુકેપ્રવાસની આતુરતાથી રાહ જોતાં મહારાણી

Saturday 12th August 2017 07:03 EDT
 
 

નવી દિલ્હી, લંડનઃ યુકેના ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ મિનિસ્ટર લોર્ડ તારિક અહેમદે જણાવ્યું છે કે બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય આતુરતાપૂર્વક ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકેની મુલાકાતની રાહ જોઈ રહ્યાં છે. જીવનના નવ દશક પૂર્ણ કરી ચુકેલાં મહારાણીએ તેમની વિદેશ મુલાકાતો ઘટાડી દીધી છે. કોમનવેલ્થ રાષ્ટ્રોના વડાઓની બેઠક આ વખતે એપ્રિલ ૨૦૧૮માં લંડન ખાતે યોજાશે ત્યારે લાંબા સમય પછી ભારતના વડા પ્રધાન તેમાં હાજરી આપે તેવી આશા સેવાય છે.

લોર્ડ તારિક અહેમદે જણાવ્યું હતું કે બ્રિટિશ સરકાર વતી અમે તેમને કોમનવેલ્થ દેશોની બેઠકમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવ્યું છે અને આશા રાખીએ છીએ કે તેઓ યુકે આવશે. અમે આતુરતાથી તેમના આગમનની રાહ જોઈએ છીએ. તેમણે સમગ્ર ભારતીય ઉપખંડમાં પ્રેમના પુરાણા અને મૂળભૂત સંબંધો મજબૂત બને તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

યુકે અને ભારત વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે ત્યારે વિઝા મુદ્દે યુકે દ્વારા નરમાશ કેમ દર્શાવાતી નથી તેવા પ્રશ્નના ઉત્તરમાં લોર્ડ તારિકે જણાવ્યું હતું કે ગત વર્ષે ભારતના પાંચ લાખ લોકોને વિઝા ઈસ્યુ કરવામાં આવ્યા હતા. વર્કિંગ વિઝાની વાત કરીએ તો સમગ્ર દુનિયાના યુકે માટે અડધાથી વધુ વિઝા તો ભારતીયોને જ આપવામાં આવ્યા છે. વિઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓમાંથી ૯૦ ટકાને વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા.

સ્ટુડન્ટ વિઝા માટે કડક વલણ અપનાવાતું હોવાની વાત સાચી નથી. થોડા સમય પહેલા અમારે યુકેની બનાવટી શિક્ષણ સંસ્થાઓ વિરુદ્ધ કડક પગલાં લેવાની ફરજ પડી હતી. આવી સંસ્થાઓના કારણે બંને દેશો અને વિદ્યાર્થીઓને જ નુકસાન જાય છે.

લોર્ડ તારિક ભારતના રાજસ્થાન અને પંજાબ સાથે સંબંધ ધરાવે છે. તેમની માતાના પરિવારનો સંબંધ રાજસ્થાનના જોધપુરના મહારાજાના પરિવાર સાથે રહ્યો હતો. લોર્ડ તારિકની પત્ની મૂળ પાકિસ્તાનની છે પરંતુ, તેમનો ઉછેર અને અભ્યાસ ઓસ્ટ્રેલિયામાં થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter