અંતિમધામોની સુવિધાઓ સુધારવા બ્રિટિશ હિન્દુઓ સરકારની વહારે

રુપાંજના દત્તા Wednesday 10th April 2019 03:10 EDT
 
 

લંડનઃ આધુનિક બ્રિટનમાં વિવિધ સંસ્કૃતિ અને ધર્મના લોકોની જરૂરિયાતો અનુસાર ક્રીમેટોરિયમ્સની સુવિધા સુધારવાના પગલાં સાથેના પેકેજની જાહેરાત આઠ એપ્રિલ, સોમવારે કરી દેવાઈ છે. હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રી દ્વારા ક્રીમેટોરિયમ્સની ડિઝાઈન, બેઠક વ્યવસ્થા અને સુવિધાઓ માટે રાષ્ટ્રીય માર્ગદર્શન મગાવાયું હતું, જેમાં પોતાની કોમ્યુનિટી માટે અંતિમધામો અથવા સંકળાયેલી સુવિધાના સંચાલનને ટેકો આપવાની વાત પણ હતી. ફેઈથ મિનિસ્ટર લોર્ડ બોર્ને લોકલ ઓથોરિટીઝને જાહેર ઈમારતોમાં વિવિધ ધર્મોની જરુરિયાતો પાર પાડવા, પ્રોવાઈડર્સ તેમની સેવાઓ અંગે વધુ પારદર્શક બને તેમજ વિવિધ ધર્મોની જરુરિયાતોને સમજવા સ્ટાફને યોગ્ય તાલીમ આપવા મુદ્દે લખ્યું હતું

ક્રીમેટોરિયમ્સની જોગવાઈ અને સુવિધાની સમીક્ષાની જાહેરાતના પગલે સરકારને મુખ્યત્વે હિન્દુ કોમ્યુનિટી તેમજ અન્ય ધર્મો તરફથી ૧૫૦ જેટલા પ્રતિભાવ મળ્યા હતા. અંતિમધામોની જોગવાઈ અને કદ વિશે સમીક્ષાની જાહેરાત ૨૦૧૫ના ઓટમમાં કરાઈ અને સત્તાવાર રીવ્યુ ૨૦૧૬ના માર્ચ બજેટની સાથે જ પ્રસિદ્ધ કરાયો હતો. સરકારને પ્રાપ્ત ૧૫૦ પ્રતિભાવમાંથી ૧૧૦ દ્વારા ઓનલાઈન માહિતી અપાઈ હતી. ૪૩ પ્રતિભાવ હિન્દુ કોમ્યુનિટીના હતા, જેમાંથી મુખ્યત્વે નોર્થ અને વેસ્ટ લંડન અને લેસ્ટરના હતા. આ ઉપરાંત, પાંચ શીખ અને બે જૈન ધર્મી તેમજ નો-ફેઈથના પ્રતિભાવ પણ હતાં.

પરામર્શ દરમિયાન ઉઠાવાયેલા મુદ્દાઓ

પરામર્શના પ્રતિભાવોમાં શોકગ્રસ્તોના મોટા સમૂહને સમાવી શકે તેવી ક્ષમતા સાથેની જગ્યા, કાર પાર્કિંગની સમસ્યા, પ્રાર્થનાખંડ સહિત ચોક્કસ વિધિઓ કરવાની સુવિધાઓનો અભાવ, હાથ-પગ ધોવાની વ્યવસ્થા, અંતિમવિધિ માટે ઓછાં સમયની ફાળવણી, બુકિંગ સ્લોટ્સની મુશ્કેલી, વીકેન્ડ્સમાં ઊંચી કિંમતો, નવા ક્રીમેટોરિયમ્સની જરૂરિયાતો તેમજ દૂરના ચોક્કસ વિસ્તારોમાં ક્રીમેટોરિયમ્સ જવા ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા તેમજ પ્રાર્થનાના પુસ્તકો અને સંગીત સહિતની આનુષાંગિક સેવા સહિતના મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યાં હતાં. હિન્દુ, જૈન અને શીખ વસ્તી સાથેના લેસ્ટરશાયર, નોર્થ-વેસ્ટ લંડન જેવા સ્થળોએ દિવસો સુધી અંતિમવિધિની રાહ જોવી પડે તેવા સ્લોટ્સની મુશ્કેલી દર્શાવાઈ હતી.

પરામર્શ અંગે કોમ્યુનિટીના પ્રત્યાઘાતો

હિન્દુ કાઉન્સિલ યુકેના સ્થાપક સભ્ય અનિલ ભાનોટે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં ક્રીમેટોરિયમ્સ જોગવાઈઓ અપગ્રેડ કરવાના સરકારના નિર્ણયને વધાવવા સાથે લોર્ડ બોર્નના નેતૃત્વ હેઠળના ફેઈથ્સ યુનિટનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘હિન્દુઓ, જૈન અને શીખો માટે શરીરના અંતિમસંસ્કાર યોગ્યપણે અને રૂઢિગત પ્રાર્થના સાથે કરાય તે મહત્ત્વપૂર્ણ છે. તેનાથી આત્માની સ્વર્ગ પ્રતિ પ્રયાણ અને તે પછી યોગ્ય સમયે અન્ય શરીરમાં અવતરણની માન્યતા સંતોષાય છે. પુનર્જન્મ માટે મૃત શરીરને અગ્નિદાહ દેવાય અને તેની રાખ પાણીમાં ધોવાઈ પૃથ્વીમાં પાછી ફરે તે આવશ્યક છે, જેથી આત્માનો તેના પૂર્વ શરીર સાથે કોઈ સંબંધ રહે નહિ. હિન્દુઓ તરીકે નાના બાળક કે સાધુના શરીરને જ દફન કરવામાં આવે છે. હિન્દુ અંતિમસંસ્કાર આખરી હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. લાંબી વિધિઓ માટે વધુ સમય ફાળવવો જોઈએ, લોકો માટે વધુ બેઠકો હોવી જોઈએ તેમજ નહાવાં-ધોવાં માટે જળસુવિધા હોવી જોઈએ.’

ગુજરાત હિન્દુ સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ ઈશ્વર ટેલરે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘મારા મતે ચંદુ ટેલર જેવા એક કેબે એશિયન ફ્યુનરલ ડિરેક્ટર્સ બધે ન મળતી હોય તેવી સેવાઓ આપે છે. અંતરિયાળ વિસ્તારોમાં નિશ્ચિત ધોરણો હોવાં જોઈએ. પ્રેસ્ટનમાં ઈંગ્લિશ ફ્યુનરલ ડિરેક્ટર્સે હિન્દુ વિધિઓ કેવી રીતે કરાય છે તે સમજવાની જરૂર છે. તેઓ કોમ્યુનિટી પાસેથી માર્ગદર્શન મેળવે છે. આમ છતાં, દરેક શહેરમાં એકસરખી સુવિધા મળતી નથી. એશિયન ફ્યુનરલ ડિરેક્ટર્સ ન હોય ત્યાં હિન્દુ સમુદાયના જૂથોએ સ્થાનિક પ્રોવાઈડર્સને રાખ-ભસ્મ ભારત લઈ જવામાં કેવી રીતે મદદ કરવી તેમાં સહાય કરવી જોઈએ. આ કન્સલ્ટેશનથી સમગ્ર યુકેમાં ફ્યુનરલ ડિરેક્ટર્સની સમાનતા અંગે જાગૃતિ કેળવાશે.’

જોકે, બધાને આ સરકારી પરામર્શ વિશે જાણકારી નથી અને કેટલાંકને કોરાણે મૂકી દેવાયાની પણ લાગણી છે. લેસ્ટરશાયરમાં શાંતિધામના ટ્રસ્ટી અને હિન્દુ અંતિમધામ માટે અભિયાન ચલાવનારા વિનોદ પોપટે અખબારને જણાવ્યું હતું કે,‘સરકારે આ મુદ્દે શાંતિધામ સાથે પરામર્શ કરેલ નથી. અમે શું કામ કરીએ છીએ તેની જાણ હોવાં છતાં કોઈએ અમને અથવા તો મારી જાણ મુજબ લેસ્ટરમાં કોઈને પણ પૂછ્યું નથી.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter