આઠ મિલિયન લોકો એકલાં જ રહે છે! ઃ બ્રિટનમાં સામાજિક પરિવર્તનનો વાયરો

૪૦થી વધુ વયની સ્ત્રીઓ અને ૬૫-૭૪ વયજૂથના પુરુષોમાં એકલા રહેવાનું પ્રમાણ વધ્યું ઃપરીણિત દંપતીની સંખ્યા ૬૯ ટકાથી ઘટી ૬૬ ટકા થઈઃ લગ્ન વિના સાથે રહેતા યુગલોમાં વધારો

Wednesday 14th August 2019 02:52 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં ‘એકલા રહેજો રે’ જેવું સામાજિક પરિવર્તન આવી રહ્યું છે. હાઉસિંગ કટોકટીના કારણે યુવાન લોકો માતાપિતા સાથે રહેવા લાગ્યાં છે ત્યારે નવા આંકડા અનુસાર બ્રિટનની વસ્તીનો લગભગ ત્રીજો હિસ્સો અથવા તો વિક્રમજનક આઠ મિલિયન લોકો એકલાં જ રહે છે. સ્ત્રીઓ ૪૦થી વધુ વય પછી એકલી રહેતી થઈ છે અને ૬૫-૭૪ વયજૂથના પુરુષોમાં એકલા રહેવાનું પ્રમાણ વધ્યું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ બોરિસ જ્હોન્સન અને તેમની ગર્લફ્રેન્ડ કેરી સિમોન્ડ્સ જેવાં સાથે રહેતાં યુગલોનું પ્રમાણ ગત દાયકામાં ૨૫ ટકાથી વધુ વધ્યું છે.

યુકેમાં ઘર મેળવવું મુશ્કેલ બન્યું છે ત્યારે પેરન્ટ્સ સાથે રહેનારા યુવાન લોકોની સંખ્યામાં ૧૫ વર્ષ અગાઉની સરખામણીએ એક મિલિયનનો વધારો થયો છે. ૨૦-૩૪ વયજૂથના આશરે ૩.૪ મિલિયન લોકો પારિવારિક ઘરમાં સાથે રહે છે, જે સંખ્યા ૨૦૦૮માં ૨.૭ મિલિયન હતી. જોકે, એકલાં રહેતાં લોકોની સંખ્યા વિક્રમી ૮,૦૦૭,૦૦૦ સુધી પહોંચી છે જેમાં, ૬૫થી વધુ વયના આશરે ૩.૯ મિલિયન પેન્શનર્સ એકલા રહે છે. આ સંખ્યા ૨૦૦૮ કરતાં ૫૦૦,૦૦૦ વધુ છે. એક વ્યક્તિનો પરિવાર હોય તેવા લોકોની સંખ્યા ૨૦૧૭માં ૭.૭ મિલિયન હતી.

સામાજિક પરિવર્તન એટલે સુધી છે કે ગત ૧૦ વર્ષમાં તમામ પરિવારમાં પરીણિત દંપતીની સંખ્યા ૬૯ ટકાથી ઘટી ૬૬ ટકા થઈ છે. સમલિંગી યુગલની સંખ્યા ૨૦૧૫માં ૧૫૨,૦૦૦ હતી તે ૨૦૧૮માં વધીને ૨૩૨,૦૦૦ થઈ છે. મોટા ભાગના એકલા રહેતાં ૪.૧ મિલિયન લોકો ૬૫ વર્ષની પરંપરાગત નિવૃત્તિવય હેઠળના હતા. લગ્ન વિના સાથે રહેવામાં વધારો તેમજ ડાઈવોર્સની અસરના લીધે મધ્યમ વયના લોકો એકલા રહે તેવી શક્યતા વધી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૭માં માત્ર ૧૦૦,૦૦૦થી વધુ ડાઈવોર્સ થયા હતા, જેમાંથી ચોથો હિસ્સો ૫૦થી વધુ વયની મહિલાઓનો હતો. હવે સ્ત્રીઓની નાણાકીય સ્વતંત્રતા વધી હોવાથી ૪૦થી વધુની કે મોટી વયે ડાઈવોર્સ લેવાનું સામાન્ય બન્યું છે.

યુકેમાં ગયા વર્ષે બાળકો સિવાયના દંપતી સહિતના પરિવારોની સંખ્યા૧૯.૧ મિલિયન હતી, જે ૨૦૦૮માં ૧૭.૭ મિલિયન કરતાં આઠ ટકા વધુ છે. પરીણિત યુગલોના પરિવાર સામાન્ય છે પરંતુ, ૨૦૦૮ પછી તેમનું પ્રમાણ ૬૯.૧ ટકાથી ઘટીને ૬૭.૧નું થયું છે. યુકેમાં વર્તમાન ૬૬ મિલિયનની વસ્તી સાથે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૬માં ૨૪૩,૦૦૦ લગ્નો થયાં હતાં. તેની સરખામણીએ ૧૯૪૦માં ૪૬ મિલિયનની ઘણી ઓછી વસ્તી હતી ત્યારે ૪૭૧,૦૦૦ લગ્નો થયાં હતા. બીજી તરફ, બોરિસ જ્હોન્સન અને તેમની ગર્લફ્રેન્ડ કેરી સિમોન્ડ્સ જેવાં લગ્ન વિના કે લગ્ન અગાઉ સાથે રહેતાં યુગલોની સંખ્યા ગત દાયકામાં ૨૫ ટકાથી વધુ અથવા તો ૨.૭ મિલિયનથી વધી ૩.૪ મિલિયન થઈ છે. જોકે, સાથે રહેવાથી જ સંબંધોમાં સ્થિરતા આવે તેવું નથી. પરીણિત યુગલોની સરખામણીએ આવા યુગલોમાં બ્રેક-અપનું પ્રમાણ પણ ત્રણ ગણું વધ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter