એન્જિન વિનાના બેરલમાં આટલાન્ટિક મહાસાગરની સહેલ

૭૨ વર્ષના ફ્રેન્ચમેનનું અકલ્પનીય સાહસઃકેનારી આઈલેન્ડ્સથી કેરેબિયન કાંઠા સુધી ૨,૯૩૦ માઈલનો અકલ્પનીય પ્રવાસ ૧૩૦ દિવસમાં પૂર્ણ કર્યો

Wednesday 15th May 2019 03:07 EDT
 
 

લંડનઃ સાહસ ખેડવા માટે વયનો અવરોધ કદી નડતો નથી. આ માટે તો પ્રબળ ઈચ્છાશક્તિ જ આવશ્યક હોવાનું ૭૨ વર્ષીય ફ્રેન્ચ પેન્શનર જીન-જેક્વિસ સાવિને પુરવાર કર્યું છે. પૂર્વ મિલિટરી પેરાટ્રૂપર સાવિને આટલાન્ટિક મહાસાગરમાં કેનારી આઈલેન્ડ્સથી કેરેબિયન કાંઠા સુધી ૨,૯૩૦ માઈલનો અકલ્પનીય પ્રવાસ ૧૩૦ દિવસમાં પૂર્ણ કર્યો છે. તેમણે ૨૦૧૮ની ૨૬ ડિસેમ્બરે ૧૦ ફીટ લંબાઈ અને સાત ફીટની પહોળાઈ ધરાવતાં હાથબનાવટના બેરલમાં પ્રવાસનો આરંભ કર્યો હતો. બેરલમાં કિચન અને સૂવા-બેસવાની જગા પણ રખાઈ હતી. સાવિનના સાહસની વિશેષતા એ હતી કે રેઝિન- કોટેડ પ્લાયવૂડના આ બેરલમાં કોઈ એન્જિન લગાવાયું ન હતું અને સમુદ્રની લહેરોની થપાટે જ તે આગળ વધતું રહ્યું હતું. સાવિનને ખરેખર તો ૯૦ દિવસમાં પ્રવાસ પૂરો કરવો હતો પરંતુ, પવન ધીમો રહેવાથી તે શક્ય બન્યું ન હતું. સાવિનના સાહસોમાં સેઈલબોટમાં ચાર વખત આટલાન્ટિક મહાસાગર પાર કરવા ઉપરાંત, ૨૦૧૫માં મોં બ્લાંક પર્વતનું આરોહણ અને ચાર વખત ફાન્સના આર્કાશોન ઉપસાગરને તરવાનો સમાવેશ પણ થાય છે.

સાહસ પૂર્ણ કરવાની સિદ્ધિ તેમણે સ્વિસ ચીઝના ટુકડા સાથે માણી હતી. ઓરેન્જ કલરના બેરલમાં એકલ પ્રવાસી સાવિન પોતાના ખોરાક માટે મહાસાગરમાંથી માછલીઓ પકડતા હતા. ચાર મહિના બેરલમાં તરતા રહેવાના સાહસમાં તેઓ વ્હાઈટ વાઈનની એક બોટલ તેમજ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સાથે લીધેલી ફોઈ ગ્રાસ (માંસની વાનગી) પર રહ્યા હતા.

સાવિનની સમુદ્રી સહેલના મોટા ભાગના દિવસે તકલીફ વિના જ પસાર થયા હતા. જોકે, તેમની આઠ રાત્રિ ભારે મુશ્કેલ રહી હતી. ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં તેમનું વાહન કાર્ગો શિપ સાથે લગભગ અથડાઈ ગયું હતું. આવી અથડામણ ન થાય તે માટે તેમણે રેડિયો સિગ્નલ્સરાખ્યા હતા, જેની ખબર કાર્ગો શિપને પડી નહિ. આખરે સાવિને આકાશમાં ફ્લેર છોડ્યાં હતા. સાવિનમે કહ્યું હતું કે, એ સમયે મારી હાલત રેલવેના ટ્રેક પર ફસાયા હોઈએ અને સામેથી ધસમસતી ટ્રેન આવતી હોય તેવી જ હતી. આ ઉપરાંત, ૨૮ માર્ચે સૌથી ખરાબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સમુદ્રી મોજાંઓથી બેરલ તદ્દન ઊંધુ થઈ જવાનું જોખમ સર્જાયું હતું. કેરેબિયન કાંઠા પર ઓઈલ ટેન્કરે સાવિનના બેરલને નિહાળી તેને ખેંચીને ડચ ટાપુ સેન્ટ યુસ્ટેટિઅસ ટાપુ પર લઈ જવાયું હતું.

ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આટલાન્ટિક મહાસાગર પાર કરવાની ૩૦થી વધુ પદ્ધતિ નોંધવામાં આવી છે. નોર્વેજિયન સાહસિક થોર હૈયરધાલે ૧૯૭૦માં માત્ર પેપિરસ તરાપા અને ઈંગ્લેન્ડના ટિમોથી સ્વરિને ૧૯૭૬માં આખલાના ચામડાંના વહાણમાં આવું સાહસ ખેડ્યું હતું. એક ફ્રેન્ચ તબીબ એલેન બોમ્બાર્ડે ૧૯૫૨માં કેનારી આઈલેન્ડ્સથી બાર્બાડોસ સુધીની સફર રબરની હવાભરેલી હોડીમાં ખેડી હતી. તેઓ સાથે પાણી કે ખોરાક લઈ ગયા ન હતા અને માત્ર કાચી સમુદ્રી માછલી અને ખારા પાણી પર રહ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter