પ્લાસ્ટિક કેરિયર બેગ્સનો વપરાશ એક વર્ષમાં અડધોઅડધ ઘટી ગયો

પાંચ વર્ષમાં પ્લાસ્ટિક બેગનો વપરાશ ૭.૬ બિલિયન બેગ્સથી ઘટીને ૫૪૯ મિલિયનઃ પર્યાવરણની રક્ષા માટે પ્લાસ્ટિક સ્ટ્રો, કોટન બડ્સ પર પ્રતિબંધ લાગુ થશેઃ પ્લાસ્ટિક સ્ટ્રોની યુરોપીય રાજધાની લંડનમાં દર વર્ષે બે મિલિયનથી વધુ સ્ટ્રો ફેંકી દેવાય છે

Wednesday 07th August 2019 03:04 EDT
 
 

લંડનઃ યુકેમાં પ્રદૂષણ સામેના યુદ્ધમાં થોડી સફળતા પ્રાપ્ત થઈ છે. પ્લાસ્ટિક બેગ્સનો વપરાશ માત્ર એક વર્ષમાં અડધોઅડધ ઘટી ગયો છે. સુપરમાર્કેટ્સમાં કેરિયર બેગ્સનું વેચાણ પાંચ પેન્સની લેવીના કારણે ૯૩ ટકા ઘટી ગયું છે. પાંચ વર્ષમાં પ્લાસ્ટિક બેગનો વપરાશ ૭.૬ બિલિયન બેગ્સથી ઘટીને ૫૪૯ મિલિયન પર આવી ગયો છે. બ્રિટનના નવનિયુક્ત એન્વિરોન્મેન્ટ સેક્રેટરી થેરેસા વિલિયર્સે પ્લાસ્ટિક સાથે બ્રિટનના પ્રદૂષિત સંબંધનો ખાતમો બોલાવવાની પ્રતિજ્ઞા લીધી છે. પ્રદૂષણના સામના તેમજ પર્યાવરણની રક્ષા કાજે એપ્રિલ ૨૦૨૦થી પ્લાસ્ટિકની સ્ટ્રો, ડ્રિન્ક્સ હલાવવા માટે પ્લાસ્ટિકની નળીઓ કે નાની ચમચીઓ અને કોટન બડ્સના સપ્લાય પર પ્રતિબંધ લગાવવામાં આવનાર છે.

સામાન્ય ખરીદાર ગયા વર્ષે ૧૯ કરિયર બેગ્સનો વપરાશ કરતો હતો તેની સંખ્યા હવે ઘટીને ૧૦ બેગ્સની થઈ છે. આઘાતની વાત તો એ છે કે ૨૦૧૪માં ૧૪૦ પ્લાસ્ટિક બેગ્સનો વપરાશ થતો હતો. પાંચ વર્ષ અગાઉ મોટા સુપરમાર્કેટ્સ દ્વારા ખરીદારોને વાર્ષિક ૭.૬ બિલિયન બેગ્સ મફત આપવામાં આવતી હતી પરંતુ, ઓક્ટોબર ૨૦૧૫થી તેના પર પાંચ પેન્સનો ચાર્જ લગાવાતો હોઈ સંખ્યા ઘટીને ૫૪૯ મિલિયન પર આવી છે. બેગ ચાર્જિસમાંથી મળતા નાણા હવે ચેરિટી સંસ્થાઓને અપાય છે. આમ, ૧૬૯ મિલિયન મિલિયન પાઉન્ડ સારાં ઉદ્દેશ પાછળ વપરાય છે.

પ્રદૂષણનો સામનો કરવા તેમજ પર્યાવરણની રક્ષા કાજે સરકારની યોજના હેઠળ આગામી એપ્રિલ ૨૦૨૦થી પ્લાસ્ટિકની સ્ટ્રો, ડ્રિન્ક્સ હલાવવા માટે પ્લાસ્ટિકની નળીઓ કે નાની ચમચીઓ અને કોટન બડ્સના સપ્લાય પર પ્રતિબંધ લાગી જશે. તબીબી અથવા અક્ષમતાના કારણસર જે લોકોને પ્લાસ્ટિકની સ્ટ્રોનો ઉપયોગ આવશ્યક હોય તેઓ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ પાસેથી ખરીદી શકે અથવા રેસ્ટોરાં, પબ્સ અને બારમાં તેની માગણી કરી શકે તેનો અપવાદ રખાશે. મેડિકલ અને વૈજ્ઞાનિક હેતુઓ માટે પ્લાસ્ટિક પર લગાવેલાં કોટન બડ્સની છૂટ આપવામાં આવશે. ફૂડ અને ડ્રિન્ક આઉટલેટ્સ પ્લાસ્ટિકની સ્ટ્રો જાહેરાતમાં મૂકી શકશે નહિ અથવા આપમેળે જ તેના પયોગ માટે આપી શકશે નહિ.

એક અંદાજ અનુસાર વિશ્વના સમુદ્રોમાં ૧૫૦ મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિકનો કચરો છે અને આવો કચરો ખાઈને કે તેમાં ફસાઈને દર વર્ષે એક મિલિયન પક્ષીઓ અને ૧૦૦,૦૦૦થી વધુ સમુદ્રી જીવો મોતનો શિકાર બને છે. ડ્રિન્ક્સ હલાવવાની નળીઓ અને કોટન બડ્સ તેમજ પ્લાસ્ટિક સ્ટ્રોના વિતરણ અને વેચાણ પર પ્રતિબંધને લોકોએ ભારે સમર્થન આપ્યું છે.

પ્લાસ્ટિક સ્ટ્રોની રાજધાની લંડનમાં દર વર્ષે બે બિલિયનથી વધુ સ્ટ્રો ફેંકી દેવાય છે. એક અંદાજ મુજબ ઈંગ્લેન્ડમાં દર વર્ષે ૪.૭ બિલિયન સ્ટ્રો, ડ્રિન્ક્સ હલાવવાની ૩૧૬ મિલિયન પ્લાસ્ટિક નળીઓ અને પ્લાસ્ટિક પર લગાવાયેલાં ૧.૮ બિલિયન કોટન બડ્સનો ઉપયોગ થાય છે. આશરે ૧૦ ટકા કોટન બડ્સ ટોઈલેટ્સમાં ફ્લશ થઈને આખરે આંતરિક જળમાર્ગો અને સમુદ્રોમાં ફેંકાય છે. આ પ્રતિબંધના કારણે દર વર્ષે પ્લાસ્ટિક કચરાની સફાઈ પાછળ ખર્ચાતા લાખો પાઉન્ડની બચત કરી શકાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter