ફોન ઉઠાવો, મિત્રો અને સ્વજનો સાથે વાત કરોઃ એકલતાની સમસ્યાથી પીડાતું વિશ્વ

Wednesday 10th July 2019 01:51 EDT
 
 

લંડનઃ ‘દુનિયા કા મેલા ફિર ભી અકેલા, કિતના અકેલા હું મૈં.’ અરાઉન્ડ ધ વર્લ્ડ ફિલ્મમાં રાજ કપૂરના આ ગીતમાં એકલતાની વ્યથા સારી રીતે સમજાવાઈ છે. આ ગીતને હવે સમગ્ર વિશ્વમાં એકલતાના રોગની ઓળખ સમાન ગણાવી શકાય તેમ છે. એકલા હોવાની સમસ્યા જ વિચિત્ર અને વિશ્વવ્યાપી છે. બ્રિટનમાં ૯૦ લાખ લોકો એકલા છે, જેમાંથી ૪૦ લાખ લોકો તો વૃદ્ધ છે. આના કારણે તો એકલતાથી પીડાતા લોકો માટે મંત્રાલય બનાવાયું છે. યુગવ રિસર્ચ દ્વારા કરાયેલાં સંશોધન અનુસાર એકલતા મુદ્દે બ્રિટિશ શહેરો અને ગામડાંમાં ભારે વિભાજન છે. શહેરોમાં ૫૬ ટકા લોકો એકલતા અનુભવે છે જ્યારે તે સિવાયના સ્થળોએ આ પ્રમાણ ૪૪ ટકા છે. આ ઉપરાંત, વીકેન્ડ્સમાં વધુ એકલતા સહન કરવાની આવે છે.

બ્રિટનમાં એકલતાની સમસ્યા માટે ‘પોતાના કામથી જ કામ રાખવાની’ ઈંગ્લિશ ફીલોસોફી જવાબદાર હોવાનું મનાય છે. લોકો એકબીજા સાથે વાત પણ કરતા નથી. આ બાબતે મિનિસ્ટર ફોર લોનલીનેસ મિમ્સ ડેવિસ કહે છે કે,‘આ વાત સાચી છે. આપણી સંસ્કૃતિમાં આપણને પોતાની જાતને આપણા સુધી સીમિત રાખવાનું પ્રોત્સાહન અપાય છે. સદીઓથી ચાલતી આવી પ્રથાથી કોમ્યુનિટી તૂટી રહી છે, તિરાડ વધી રહી છે ત્યારે આપણે કશું કરવાની જરૂર છે. નાનું સરખું હાય, હાઉ ડુ યુ ડુ કહેવાથી પણ મદદ મળશે. લોકોને પોતાની લાગણી દર્શાવવા કે જણાવવા ઉત્તેજન આપવું પડશે અને લોકો તરફ હાથ લંબાવવો પડશે.’ તેમના મંત્રાલય દ્વારા ગત મહિને ‘લેટ અસ ટોક લોનલીનેસ’ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો.

ડેવિસ કહે છે કે,‘ કોઈના માથા પર લખેલું હોતું નથી કે હું એકલો છું. સાથી નાગરિકોએ ધ્યાન આપવાની જરૂર છે. ફોન ઉઠાવો અને તમારા મિત્રો અને સ્વજનો સાથે વાત કરવા લાગો. ટેક્સ્ટ સંદેશાઓ ન કરશો.’ તેઓ કહે છે કે ‘ભારતમાં પણ સ્થિતિ સારી નહિ હોય. ત્યાં પૂરતાં સંશોધનો કે વિશ્લેષણો થયાં નથી. જોકે, ત્યાં વાતો કરી દિલ ઠાલવવા માટે ચા અને પાનના અડ્ડા અને મહોલ્લા હોય છે, જે અહીં નથી. માનવજાતે એકબીજા સાથે મૈત્રીસભર બનવાની આવશ્યકતા છે.’

લોનલીનેસ અથવા એકલતા માત્ર સંવેદનાનો અનુભવ નથી પરંતુ તે આરોગ્યને પણ અસર કરે છે. ‘કેમ્પેઈન ટુ એન્ડ લોનલીનેસ’ સંસ્થા જણાવે છે કે એકલતા એ દિવસમાં ૧૫ સિગારેટ ફૂંકી મારવા સમકક્ષ છે અને તે સ્થૂળતા અને શારીરિક નિષ્ક્રિયતા તરફ તેમજ કોરોનરી હાર્ટ ડિસીઝ તરફ પણ દોરી જાય છે. એકલતામાં માનવીને તેની વાત સાંભળનાર જોઈએ છે. માત્ર વૃદ્ધો કે ઘરવિહોણાં લોકો જ નહિ, નવા દેશમાં સ્થાયી થવા મથતા માઈગ્રન્ટ્સ માટે પણ મુશ્કેલ સમય હોય છે. જાહેર લાઈબ્રેરીઓ બંધ થઈ રહી છે જેથી એકલતાગ્રસ્ત માનવીઓને બેસવાનો કે એકબીજા સાથે સંપર્કનો માર્ગ બંધ થયો છે. હવે લોકો હળવાંમળવાં કે વાતો કરવાના બદલે સ્માર્ટફોનના વધુપડતા ઉપયોગ સાથે પરિસ્થિતિને બગાડી રહ્યાં છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter