બે કેન્સરગ્રસ્ત મહિલા અન્ય પીડિતોની વહારેઃ ઓનલાઈન કોમ્યુનિટી બનાવી

Wednesday 09th October 2019 03:39 EDT
 
 

લંડનઃ ૩૧ વર્ષીય બે મહિલાઓ-નિકી ન્યૂમેન અને લોરા મીડલ્ટન-હ્યુજીસને એમ કહેવાયું કે ‘તમને અસાધ્ય બ્રેસ્ટ કેન્સર છે અને તમારે બાળકો થશે નહિ’ તો તેમણે જરા પણ ગભરાયા વિના સેકન્ડરી કેન્સરથી પીડાતા લોકો માટે સેકન્ડરી સિસ્ટર્સ ઓનલાઈન કોમ્યુનિટી શરૂ કરી છે. તેઓ કહે છે કે તેઓ ચોથા સ્ટેજના અસાધ્ય કેન્સર સાથે જીવન વિશેની માન્યતાઓ બદલવા માગે છે અને તેમને આશા અને આનંદ આપવા માગે છે. સ્ટેન્ડ અપ ટુ કેન્સર કેમ્પેઈનના ભાગ રૂપે તેમણે શરીર પર દુઃખાવો, થાક અને વંધ્યત્વ જેવા શબ્દોનું ચિતરામણ કરાવીને પોઝ આપ્યો હતો.

ગિલ્ડફર્ડની ફાઈનાન્સ બ્રોકર નિકી ન્યૂમેન તેના પતિ એલેક્સ સાથે આઈવીએફની સારવાર હેઠળ હતી ત્યારે તેને ગાંઠ થઈ હોવાનું જણાયું હતું. નિકીએ જણાવ્યું,‘ મને ચોથા સ્ટેજનું કેન્સર હતું અને તે બધે ફેલાઈ ગયું હતું. તેના લીધે હું ખૂબ ગભરાઈ ગઈ. હું જીવીશ કે મરી જઈશ તેની મને ખબર પડતી ન હતી. બધું સંપૂર્ણપણે ધૂંધળું હતું.’ તેણે જોબમાંથી ત્રણ અઠવાડિયાની રજા લીધી. તેણે ઉમેર્યું કે,‘ હું જ્યારે હોસ્પિટલેથી ઘરે જતી હતી ત્યારે મને વધારે દુઃખ એ વાતનું હતું કે મેં માતા બનવાની તક ગુમાવી દીધી હતી.

એક ઓનલાઈન ફોરમ પર ન્યૂમેનની મુલાકાત નોરવિકની લોરા મીડલ્ટન-હ્યુજીસ સાથે થઈ. મીડલ્ટન-હ્યુજીસને પણ બ્રેસ્ટ કેન્સર હતું અને તેનું નિદાન ૨૦૧૪માં થયું હતું. માસ્ટેકટોમી અને કિમોથેરાપી બાદ તેની તબિયત સુધરી પરંતુ, બાદમાં તેને જમણા ખભામાં દુઃખાવો શરૂ થયો. તેણે શોલ્ડર રિપ્લેસમેન્ટ કરાવ્યું પરંતુ, હવે તેનાં પેઢું અને કરોડમાં કેન્સરના અંશો રહી ગયા છે. મીડલ્ટન-હ્યુજીસે જણાવ્યું કે તે સારવારને લીધે સામાન્ય જીવન જીવી શકે છે તે બદલ આભાર માને છે.

કેન્સર રિસર્ચ, યુકેના લીન ડેલીએ જણાવ્યું કે નિકી અને લોરા આપણે માની ન શકીએ તેટલાં બહાદૂર અને પોઝિટિવ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter