બ્રિટિશરોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઓછો વિશ્વાસઃ નિયંત્રણોની તરફેણ

Wednesday 08th May 2019 05:59 EDT
 
 

લંડનઃ સોશિયલ મીડિયાનો વાયરો જોરદાર વાઈ રહ્યો છે. વિકસતા દેશોમાં લોકો તેના પર આંધળો વિશ્વાસ કરે છે ત્યારે મોટા વિકસિત દેશોની સરખામણીએ બ્રિટિશરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઓછો વિશ્વાસ ધરાવે છે અને સિલિકોન વેલીની ટેકનોલોજિકલ કંપનીઓના મજબૂત નિયંત્રણોની તરફેણ કરે છે. બે તૃતીઆંશ બ્રિટિશરો માને છે કે વિશ્વની ટેકનોલોજી કંપનીઓ વધુ સત્તા અને વગ ધરાવે છે તેથી તેમના પર નિયંત્રણ જરુરી છે. YouGov-Cambridge Globalism Project હેઠળ યુકે, ફ્રાન્સ, જર્મની, યુએસ, ભારત, બ્રાઝિલ, મેક્સિકો સહિત ૨૩ દેશના સર્વેમાં આ તારણો જાણવા મળ્યાં છે.

પાંચમાંથી ચાર કરતા વધુ બ્રિટિશર ફેસબુક અને ટ્વીટર જેવાં પ્લેટફોર્મ્સ પર વિશ્વાસ રાખતા નથી અને આ મુદ્દે ફ્રાન્સ, જર્મની અને યુએસ પણ ઘણાં પાછળ નથી. યુગવ-કેમ્બ્રીજ ગ્લોબલિઝમ પ્રોજેક્ટમાં લોકપ્રિયતાવાદ, વૈશ્વિકવાદ અને ટેકનોલોજી સહિત વિવિધ વિષયો મુદ્દે ૨૫,૦૦૦થી વધુ લોકોનો મત મેળવાયો હતો. મુખ્ય રાષ્ટ્રીય અખબારો, સોશિયલ મીડિયા અને ઓનલાઈન ન્યૂઝ વેબસાઈટ્સ સહિત વિવિધ માહિતીસ્રોતોમાંથી કોના પર વધુ વિશ્વાસ રાખો છો તે પ્રશ્ને બ્રિટિશરોએ આ તમામમાં ઓછો વિશ્વાસ દર્શાવ્યો હતો.

ફેસબુક અને ટ્વીટર જેવા પ્લેટફોર્મ્સ માટે ૮૩ ટકા બ્રિટિશરે અવિશ્વાસ કે ઓછો વિશ્વાસ દર્શાવ્યો તે સામે માત્ર ૧૨ ટકાએ સોશિયલ મીડિયાની માહિતીમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. સોશિયલ મીડિયા પરથી માહિતીમાં ૨૩ ટકા અમેરિકન્સ, ૨૦ ટકા જર્મન્સ અને ૨૮ ટકા કેનેડિયન્સે વિશ્વાસ દર્શાવ્યો હતો, જ્યારે ૫૨ ટકા ભારતીયો, સાઉદી અને થાઈ અને ૫૧ ટકા પોલેન્ડવાસીએ લોકોએ આવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

બહુમતી બ્રિટિશરોએ માત્ર નેશનલ ટીવી ન્યૂઝ (૬૧ ટકા) અને સ્થાનિક સમાચાર સંસ્થાઓ (૫૪ ટકા)માં જ્યારે, બહુમતી અમેરિકનોએ સ્થાનિક સમાચાર સંસ્થાઓ (૫૮ ટકા)માં વિશ્વાસ દર્શાવ્યો હતો. યુગવ સર્વેમાં જણાવાયું છે કે વિશ્વમાં સોશિયલ મીડિયાના વ્યાપક ફેલાવા છતાં સમાચાર અને વર્તમાન બાબતોની જાણકારી માટે તેનો ઉપયોગ ઓછો કરાય છે. માત્ર ૨૪ ટકા બ્રિટિશરોએ ગયા મહિને સમાચાર જાણવા ફેસબુક અને ૧૪ ટકાએ ટ્વીટરના માધ્યમનો ઉપયોગ કર્યો હતો. યુએસમાં આ આંકડા અનુક્રમે ૩૧ અને ૧૩ ટકા છે. માત્ર ૧૬ ટકાએ આ માટે યુટ્યૂબનો ઉપયોગ કર્યો હતો


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter