ભારતીયો અને યહુદીઓને સાંકળતાં મૂલ્યોની માવજત

ઝાકી કૂપર Wednesday 06th December 2017 07:12 EST
 
 

ભારતીય અને યહુદીઓને સાંકળતું કોઈ ક્ષેત્ર હોય તો તે તેમના મૂલ્યો છે. બંને સંસ્કૃતિઓમાં સામાજિક માળખામાં પરિવાર કેન્દ્રસ્થાને છે, શિક્ષણ અને મહત્ત્વાકાંક્ષાઓની માવજત કરાય છે તેમજ જે લોકો ઓછાં ભાગ્યશાળી હોય છે તેમની કાળજી લેવાની જવાબદારી રહે છે. ભારતીયો પાસે ફળ કે વળતરની અપેક્ષા વિના દયાભાવ દર્શાવવાનું કાર્ય એ સેવા છે ત્યારે અમારી પાસે મિત્ઝવાહ- Mitzvahs છે, જે સત્કાર્ય કરવાના રચનાત્મક આદેશો છે. મારી લેખમાળાના આ પાંચમા મણકામાં જ્યૂઈશ અભિગમને ધ્યાનમાં રાખી હું સખાવત-ચેરિટી અને પરોપકાર વિશે વાત કરીશ. જો તમે કદી નેશનલ થીએટરની મુલાકાત લીધી હોય અને ગ્રાઉન્ડ ફ્લોર પર લટાર મારી હોય તો તમને ક્લોર લર્નિંગ સેન્ટર, ધ મેક્સ રાયને સેન્ટર અને ડોર્ફમાન થીએટર નજરે પડશે.

સામાન્ય મુલાકાતી પણ જાણી શકે છે કે આ બધાને પરગજુ લોકોના નામ અપાયા છે. પરંતુ તેઓ એ બાબતની કદાચ કદર કરી નહિ કરી શકે કે સર ચાર્લ્સ ક્લોર (૧૯૦૪-૭૯), મેક્સ રાયને (૧૯૧૮-૨૦૦૩) અને લોઈડ ડોર્ફમાન (૧૯૫૨-) અતિ સફળ યહુદી બિઝનેસમેન હતા, જેઓ માત્ર પોતાની કોમ્યુનિટીને જ નહિ, સામાન્યતઃ બ્રિટિશ સમાજનું પણ ઋણ ઉતારવાની ભાવના ધરાવતા હતા.

આ ત્રણ યહુદી દાનવીરો નેશનલ થીએટર માટે મુખ્ય દાતા હોવાની હકીકત પરોપકાર ક્ષેત્રે યહુદીઓના પ્રદાનની વ્યાપક કથામાં એક કણસમાન છે. આ કોઈ આકસ્મિકતા નથી. યહુદી ધર્મના પોતમાં જ ચેરિટી વણાઈ ગયેલી છે. બાઈબલ સહિત અમારા સૌથી પવિત્ર ધર્મગ્રંથો સખાવતના મહત્ત્વ પર ભાર રાખે છે. ચેરિટી માટે હિબ્રુ ભાષાનો શબ્દ ‘Tzedakah- ત્ઝેદાકાહ’ છે, જેનો અર્થ જ ન્યાય થાય છે. જે લોકો આપી શકવાની સ્થિતિમાં છે તેમની જવાબદારી દર્શાવતો આ શબ્દ છે. આનાથી વિપરીત, ઈંગ્લિશ શબ્દ ચેરિટી લેટિન શબ્દ ‘caritas’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ‘હૃદયની ભાવના’ થાય છે અને તે સ્વૈચ્છિક દાનની લાગણી દર્શાવે છે. મધ્ય યુગના યહુદી વિદ્વાન માઈમોનેડેસ (૧૧૩૫-૧૨૦૪) દ્વારા દાન આપવાના આઠ સ્તરીય સિદ્ધાંતો નિશ્ચિત કરાયા હતા, જેમાં સર્વોચ્ચ સ્તર નાણાકીય સ્વતંત્રતા મળી રહે તે માટે વ્યક્તિને નોકરી શોધી આપવાનું હતું.

યહુદી કોમ્યુનિટીઓએ સદીઓથી ગરીબો અને અશક્તોની દેખભાળ રાખવાનો પ્રયાસ હંમેશાં કર્યો છે. જરુરિયાતમંદ લોકોની સહાય અર્થે સિનેગોગમાં નાણા એકત્ર કરવામાં આવતા હતા. યહુદી પ્રજાએ યુકેમાં ૧૬૫૬થી પુનઃવસવાટ કર્યો ત્યારે કોમ્યુનિટીના કેટલાક ધનવાન સભ્યોએ ગરીબોને મદદ કરવાની પોતાની ફરજ હોવાનું સ્વીકાર્યુ. ગ્રેટ પ્લેગના સંજોગોના પ્રતિસાદરુપે ૧૬૬૫માં ‘ધ જ્યૂઈશ એસોસિયેશન ફોર વિઝિટિંગ ધ સિક’ની સ્થાપના કરવામાં આવી હતી. ૧૮૦૬માં માઈલ એન્ડમાં જ્યૂઝ હોસ્પિટલ ખુલ્લી મૂકાઈ અને ૧૮૩૧માં જ્યૂઝ ઓર્ફન એસાઈલમ ખુલ્લુ મૂકાયું હતું. ૧૮૫૯માં ‘સ્ટ્રેન્જ પૂઅર’ તરીકે ઓળખાયેલા ગરીબ ઈમિગ્રન્ટ યહુદીઓને મદદ કરવા માટે બોર્ડ ઓફ ગાર્ડિયન (જે લાંબા સમય પછી જ્યૂઈશ કેર કહેવાઈ)ની સ્થાપના કરવામાં આવી હતી.

વિક્ટોરિયન બ્રિટનના મહાન પરગજુ લોકોમાં એક સર મોઝીસ મોન્ટેફીઓર (૧૭૮૪-૧૮૮૫) સામાજિક ઉત્તરદાયિત્લના મૂલ્યોનાં પ્રતીક બની રહ્યા હતા. એક વખત કોઈએ તેમને કહ્યું કે, ‘સર મોઝીસ, તમારું મૂલ્ય કેટલું?’ થોડું વિચારી તેમણે એક આંકડો કહ્યો ત્યારે પલી વ્યક્તિએ સામો પ્રશ્ન કર્યો, ‘પરંતુ તમારી સંપત્તિ તો આનાથી વધારે જ હશે?’ સર મોઝીસે પ્રત્યુત્તર વાળ્યો, ‘તમે મારી માલિકીની સંપત્તિ વિશે પૂછ્યું ન હતું. તમે મારુ મૂલ્ય શું તેમ પૂછ્યું, આથી આ વર્ષે મારે કેટલી સખાવત કરવાની તેની ગણતરી કરી હતી. કારણકે આપણે અન્યોને સહભાગી બનાવવા ઈચ્છતા હોઈએ તેટલું જ આપણું મૂલ્ય કહેવાય.’

આજે બ્રિટનની યહુદી કોમ્યુનિટી તેના સખાવતી કાર્યો માટે ઘણી પ્રશંસા પામી છે. ગત વર્ષના રિપોર્ટ ‘ચેરિટેબલ ગિવિંગ અમોન્ગ બ્રિટન્સ જ્યૂઝ’ અનુસાર યુકેમાં એજ્યુકેશન, વેલ્ફેર, હેલ્થકેર, કલ્ચર સહિતના વિવિધ ક્ષત્રોમાં પ્રસાર ધરાવતી ૨,૩૦૦થી વધુ જ્યૂઈશ ચેરિટીઓ છે, જેમની વાર્ષિક આવક ૧.૧ બિલિયન પાઉન્ડ છે. આ રિપોર્ટમાં દર્શાવાયું છે કે સખાવત માત્ર ટોચના કેટલાક ધનવાન લોકો દ્વારા જ કરાતી નથી પરંતુ, સામાન્ય માનવી પણ તેમાં જોડાય છે. બ્રિટનની સમગ્ર વસ્તીના ૫૭ ટકાની સરખામણીએ યુકેના ૯૩ ટકા યહુદીઓ દર વર્ષે ચેરિટીમાં કશું આપે જ છે. યહુદીઓ સામાન્ય અને જ્યુઈશ કોમ્યુનિટીલક્ષી ચેરિટીઓને મદદ (૬૦ ટકા બ્રિટિશ જ્યૂ સામાન્ય અને જ્યૂઈશ ચેરિટીઝ બંનેને સહાય) આપે છે.

દાન એટલે માત્ર નાણાકીય મદદ નથી, સમય અને કૌશલ્યનું દાન પણ થઈ શકે. જ્યૂઈશ કોમ્યુનિટીમાં ચેરિટી માટે સ્વૈચ્છિક સેવા આપવી તે લોકપ્રિય પ્રવૃત્તિ છે. કેટલીક મોટી જ્યૂઈશ ચેરિટીઓમાં હજારોની સંખ્યામાં વોલન્ટીઅર્સ છે. કોમ્યુનિટીના સૌથી મોટા વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન જ્યૂઈશ કેરમાં ૩,૦૦૦ વોલન્ટીઅર્સ છે. મારી પોતાની વાત કરું તો, મારા સ્થાનિક પ્રીચીન સિનેગોગની સિક્યુરિટી યાદી માટે હું સ્વૈચ્છિક સેવા આપું છું અને પ્રાર્થના સેવામાં પણ આગળ રહું છું. રવિવાર ૧૯ નવેમ્બરે મિત્ઝવાહ ડેના દિવસે જ્યૂઈશ કોમ્યુનિટીને એક દિવસની સ્વૈચ્છિક સેવા આપે તે માટે પ્રોત્સાહિત કરાઈ હતી. પરંતુ, સાચું કહીએ તો, જ્યૂઈશ કોમ્યુનિટીના લોકો પ્રત્યેક દિવસે વિવિધ પ્રકારે સ્વૈચ્છિક સેવામાં જોડાય છે.

જ્યૂઈશ અને હિન્દુ કોમ્યુનિટીઓ ધાર્મિક જૂથો મારફત સખાવતી દાન અને સ્વૈચ્છિક સેવા થકી અપાતી વિપૂલ પ્રમાણમાં સામાજિક મૂડીના હિસ્સારુપ સ્રોત છે. તેના વિના તો બ્રિટનનો સમાજ અધૂરો ગણાય. યુકેમાં રજિસ્ટર્ડ થયેલી ૧૮૭,૪૯૫ ચેરિટીઝમાં ૨૫ ટકાથી વધુ તો આસ્થા આધારિત છે. આવી ૫૦,૦૦૦ જેટલી ચેરિટીઝ ૧૯ લાખ સ્વયંસેવકો પૂરા પાડે છે અને સમસ્યાથી ઘેરાયેલાં લોકો, બીમારી અને બેરોજગારીથી માંડી ઘરબારવિહોણા અને ભાંગી પડેલા પરિવારોને ટેકો આપે છે. જ્યૂઈશ અને હિન્દુ કોમ્યુનિટીઓ પોતાના સમાજની દેખરેખ સારી રીતે કરે જ છે પરંતુ, ગૌરવશાળી બ્રિટિશર તરીકે આપણી જવાબદારી વ્યાપક સમાજ તરફ પણ રહે જ છે. આપણા મહાન દેશભક્તોમાં એક સર વિન્સ્ટન ચર્ચિલે એક વખત કહ્યું હતું કે, ‘આપણે જે મળે તેમાંથી નિર્વાહ કરીએ છીએ પરંતુ, જીવન તો આપણે જે આપીએ તેમાંથી જ સર્જાય છે.’

(લેખક ઝાકી કૂપર ‘ઈન્ડિયન જ્યૂઈશ એસોસિયેશન’ની એડવાઈઝરી કાઉન્સિલમાં સભ્ય છે.) 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter