અફઘાનિસ્તાનમાં કન્યા કેળવણીના દરવાજા બંધ થઇ રહ્યા છે

Friday 16th July 2021 09:52 EDT
 
 

કાબુલઃ પશ્ચિમ અફઘાનિસ્તાનના જેનદેહ જાન જિલ્લાની નાદિયા સહિત અનેક મહિલા શિક્ષિકાઓ અને યુવતીઓ પોતાના ભવિષ્યને લઇને ચિંતિત છે. અમેરિકાની સેના ઉચાળા ભરી રહી છે અને કટ્ટરવાદી તાલિબાનોનું વર્ચસ વધી રહ્યું હોવાથી તેઓ હેરાનપરેશાન છે. નાદિયા અને તેના જૂથની યુવતીઓ આસપાસના ગામોમાં ફરીને સ્ત્રી અધિકારો સંદર્ભે જાગ્રતિ આણવા વર્કશોપ યોજે છે. ૨૦૧૯માં તાલિબાનોને સ્થાનિક ગર્વનરની હત્યા કરી હતી. આ પછી નાદિયાને પણ ધમકીઓ મળી. તેના પર હુમલો પણ થયો. આ પછી તેણે પોતાના ઘરની અંદર જ ચૂપચાપ કેટલીક મહિલાઓને ભણાવવાનું શરૂ કર્યું. જોકે હવે અમેરિકન સેનાની ઘરવાપસી શરૂ થતાં જ નાદિયા માટે મુશ્કેલીના દિવસો શરૂ થયાછે. હવે તેણે પોતાનું શહેર છોડી દીધું છે.
નાદિયા અને અન્ય લોકોને ભય છે કે હવે તાલિબાનો દેશમાં ૨૦૧૧થી ચાલતું મહિલા શિક્ષણ બંધ કરાવી દેશે. મહિલા શિક્ષકો અને યુવતીઓ કહે છે કે એક વર્ષમાં તાલિબાનોને હજારો યુવતીઓનું સ્કૂલે જવાનું બંધ કરાવ્યું છે. તેઓ જે વિસ્તારો પર કબજો કરે છે ત્યાં યુવતીઓની શાળાઓ બંધ કરાવી દે છે. નાદિયા કહે છે કે તાલિબાનોના હાથમાં સંપૂર્ણપણે સત્તા આવ્યા પછી તો સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓના દરવાજા મહિલાઓ માટે બંધ જ થઇ જશે.
અફઘાનિસ્તાનમાં વિદેશી હસ્તક્ષેપથી સૌથી મોટો લાભ એ થયો હતો કે આ દેશમાં મહિલા શિક્ષણ શરૂ થયું. ૨૦૦૧માં ભાગ્યે જ કોઇ યુવતી સ્કૂલ જતી હતી, પરંતુ વિદેશી સેનાઓના આગમન પછી માહોલ બદલાયો અને અભ્યાસ કરતી યુવતીઓની સંખ્યા હજારોમાં પહોંચી છે. વર્લ્ડ બેન્કના ડેટા પ્રમાણે, ૨૦૧૧માં પહેલા ધોરણમાં ભણતી બાળકીઓની સંખ્યા ૬૫ ટકા હતી. ૨૦૧૫માં આ આંક થોડોક ઘટીને પહેલા ધોરણમાં ભણતી બાળકીઓની સંખ્યા ૫૭ ટકા થઇ ગઇ હતી. જ્યારે અત્યારે તો મહિલા શિક્ષણ લગભગ બંધ થવાના આરે છે. હ્યુમન રાઇટ્સ વોચના આંકડા પ્રમાણે ૬૬ ટકા યુવકોની તુલનામાં ફક્ત ૩૭ ટકા યુવતીઓ શિક્ષણ લઇ રહી છે. યુનિસેફના મતે, આજે ૩૭ લાખ અફઘાન બાળકો સ્કૂલે નથી જતાં, જેમાં ૬૦ ટકા બાળકીઓ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter