અમેરિકાથી ૧૦૦થી વધુ નર્સ નોકરી-પરિવાર છોડીને ભારત પહોંચશેઃ સ્વખર્ચે દર્દીનારાયણની સેવા કરશે

Wednesday 26th May 2021 07:03 EDT
 
 

ભારતભરમાં કોરોના મહામારી વકરી હોવાના અને દર્દીઓના સામૂહિક અંતિમ સંસ્કારો થઇ રહ્યાના સમાચાર દુનિયાભરના અખબારોમાં ચમક્યા. સહુ કોઇએ તે વાંચ્યાં. કોઇએ દુઃખની લાગણી વ્યક્ત કરી, કોઇએ અરેરાટી વ્યક્ત કરી, કોઇએ સરકારી તંત્ર પર આક્રોશ ઠાલવ્યો. પણ અમેરિકામાં વસતાં નર્સોના એક જૂથે માત્ર વાતો કરવાના બદલે કંઇક નક્કર કાર્ય કરવાનું નક્કી કર્યું. તેમણે ભારતની મદદ કરવાનો સંકલ્પ કર્યો. અને હવે ૧૦૦થી વધુ નર્સ નોકરી અને પરિવાર છોડીને ભારત પહોંચી રહી છે, દર્દીનારાયણની સેવા કરવા માટે. હાલ તેઓની ભારત સરકાર સાથે વિઝા અને બીજી જરૂરી મંજૂરી મુદ્દે વાતચીત ચાલી છે. આ નર્સો ઈચ્છે છે કે, જૂનના પહેલા અઠવાડિયા સુધી તેઓ ભારત પહોંચી જાય.
નર્સોના જૂથને ‘અમેરિકન નર્સ ઓન એ મિશન’ નામ અપાયું છે. આ આઈડિયા વોશિંગ્ટનમાં નર્સ ચેલ્સિયા વોલ્શનો છે. તેમણે ‘ટ્રાવેલિંગ નર્સ’ નામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં ભારતની હોસ્પિટલો અને સામૂહિક અંતિમ સંસ્કારની તસવીરો શેર કરીને લખ્યું છે કે, ‘આ બધું જોઈને અમે દુ:ખી છીએ. અમે ભારત જવાની તૈયારી કરી લીધી છે.’
નર્સોએ કહ્યું - અમને બધું જ મંજૂર છે
વોલ્શ અગાઉ ભારતમાં એક અનાથાલયમાં સેવા આપી ચૂક્યા છે. તેઓ કહે છે કે, ‘આ પોસ્ટ પછી છેલ્લા થોડા દિવસથી મારો ફોન સતત રણકી રહ્યો છે. થોડા જ દિવસમાં ભારતની મદદ માટે આખા અમેરિકાની નર્સોએ સંપર્ક કર્યો છે. મુશ્કેલીના સમયમાં ભારતના મેડિકલ પ્રોફેશનલ્સને અમારી જરૂર છે. અમે કોઈ ચમત્કાર તો ના કરી શકીએ, પરંતુ અમારું બધું દાવ પર લગાવવા અમે તૈયાર છીએ.’ વોલ્શ ‘મિશન ઈન્ડિયા’ અભિયાન સાથે જોડાવવા ઈચ્છુક નર્સોને પહેલા ચેતવણી આપે છે અને કામ કરવામાં પડનારી સંભવિત મુશ્કેલીઓથી વાકેફ પણ કરે છે. આ અંગે મોટા ભાગની નર્સ કહે છે કે, અમને બધું જ મંજૂર છે.
એક ગ્રૂપ બનાવ્યા પછી નર્સોની આ ટીમ ‘ટર્ન યોર કન્સર્ન ઈન ટુ એક્શન ફાઉન્ડેશન’ સાથે જોડાઈ છે, જે ભારતમાં તેમના રહેવાની વ્યવસ્થા કરશે. ભારત આવી ગયેલા નર્સ મોર્ગન ક્રેન કહે છે કે, ‘અમેરિકામાં કોરોનાથી થયેલા અનેક મોતે મને બદલી નાંખી છે. આ કેટલું પડકારજનક છે, તેનો અંદાજ પણ ના લગાવી શકાય. ભારતીયો માટે આ મુશ્કેલીભર્યા દિવસો છે. અમે નોકરી, પરિવાર છોડીને દિલ્હી જઈ રહ્યા છીએ. અમે હંગામી ધોરણે ઊભી કરાઈ હોય એવી નાની કોવિડ હોસ્પિટલોમાં કામ કરીશું. અમારું પ્રાથમિક ધ્યાન એવી હોસ્પિટલો પર છે, જેમની પાસે સંસાધનો નથી.’
નિવૃત કર્મચારીઓ પણ કામ માટે તૈયાર
આ ટીમમાં હીથર હોર્ટોહર પણ છે. તેઓ કહે છે કે, ‘મારા દોસ્તોએ મને નહીં જવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, દાન અને મેડિકલ ઉપકરણો મોકલીને પણ મદદ કરી શકાય, પરંતુ મારું માનવું છે કે, એ તો બધા કરે છે. પરંતુ કોઈ ત્યાં જવા તૈયાર નથી.’ હીથર બે વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા, પરંતુ અમેરિકામાં મહામારી ફેલાતા તેઓ ફરી ફરજ પર હાજર થઈ ગયા. તેઓ અમેરિકામાં એવા સ્થળે કામ કરે છે, જ્યાં નર્સોની અછત છે. આ પહેલા તેઓ બીજા કોઈ દેશમાં નથી ગયા.
ફ્લોરિડાના નર્સ જેનિફર પકેટ બાળ ચિકિત્સા અને નવજાત શિશુના આઈસીયુમાં નિષ્ણાત છે. તેઓ કહે છે કે, ‘મારી પાસે ખાસ સ્કિલ છે, અમે હાથ પર હાથ ધરીને બેસી ના શકીએ. આ સ્કિલની અત્યારે બીજાને જરૂર છે.’ તેઓ લાંબા સમય પછી ઘરે પરત ફર્યાને હજુ એક અઠવાડિયું જ થયું છે અને હવે તેઓ ભારત પહોંચવા તૈયાર છે. તેઓ કહે છે કે, ‘ભારતને મારી જરૂર છે.’
ટિકિટ અને મેડિકલ ઉપકરણ માટે ભંડોળ એકત્ર કર્યું
આ ટીમ નિ:શુલ્ક સેવા આપશે અને ખિસ્સાખર્ચ પણ પોતે જ ઉઠાવશે. કેટલીક નર્સો મોટા ખર્ચ જેમ કે ભારત આવવાની રાઉન્ડ ટ્રિપના રૂ. ૬ લાખનો ખર્ચ કરી શકે એમ નથી. એટલે તેમણે ક્રાઉડ ફંડિંગ ગોફંડમીમાં અમેરિકન નર્સીસ ઓન એ મિશન ટુ ઈન્ડિયા નામની અરજી કરી છે. તેમનું લક્ષ્ય ૫૦ હજાર ડોલર એટલે કે આશરે રૂ. ૩૬ લાખ ભેગા કરવાનું છે. આ ટીમ રવિવાર સુધી રૂ. ૧૨ લાખથી વધુ ભેગા કરી ચૂકી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter