આંખોને પ્રભાવશાળી બનાવતી આઈબ્રો

Wednesday 14th July 2021 09:52 EDT
 
 

વર્તમાન સમયમાં સૌંદર્યની પરિભાષા બદલાઈ રહી છે. સૌંદર્ય માટેનો દૃષ્ટિકોણ બદલાઇ ગયો છે. ચહેરા પર તો માસ્ક લગભગ ફરજીયાત બની ગયો છે ત્યારે આંખોના સૌંદર્યનું મહત્ત્વ વધી ગયું છે. માસ્કના કારણે સમગ્ર ચહેરાના હાવભાવના બદલે આંખોથી વ્યક્ત થતી લાગણીની બોલબાલા છે. અને જ્યારે આંખોના સૌંદર્યની વાત આવે ત્યારે આઇબ્રોની ઉપેક્ષા તો થઇ જ ન શકે. ચહેરાની સુંદરતાનો અગત્યનો ભાગ આંખો અને ભ્રમર છે. નાદાન ટીનેજર્સ અન્યની દેખાદેખીમાં આઈબ્રોનું થ્રેડિંગ કરાવીને આકાર અપાવે છે, પણ થોડાક દિવસ ચહેરો સુંદર દેખાયા બાદ આઈબ્રોના વાળ ગમેતેમ ઊગવા લાગે છે અને આઈબ્રો અવ્યવસ્થિત થઈ જાય છે. પોતાની ભૂલ સમજાય છે ત્યારે લાગે છે કે આઈબ્રોને નેચરલ હતી તેમજ રહેવા દીધી હોત તો સારું હતું.
એક સર્વેક્ષણ બાદ તારણ નીકળ્યું છે કે લગભગ ૭૦થી ૮૦ ટકા બહેનો પાર્લરમાં જઈને આઈબ્રો સેટ કરાવે છે.
બહુ ઓછી બહેનો જાણતી હશે કે પાર્લરમાં જઇને આઇબ્રો સેટ કરાવ્યા પછી દર થોડા સમયના અંતરાલે આઈબ્રોને સેટ કરાવવી જ કરવી પડે છે. જો આમ ન કરો તો ભ્રમરના આડેધડ ઊગેલા અવ્યવસ્થિત વાળ તમારા ચહેરાનું સૌંદર્ય બગાડી નાંખે છે.
આઈબ્રોને આકાર આપતી બહેનોએ એક વાત સમજી લેવા જેવી છે. તેની શરૂઆત બહુ નાની ઉંમરને ન કરવી. વારંવાર થ્રેડિંગ અને પ્લકિંગ પણ હિતાવહ નથી. મૂળ આકારને વધુ પડતી કાપકૂપ કરીને નવો આકાર આપવો પણ હિતાવહ નથી. જે નેચરલ આઈબ્રો હોય તેને સાધારણ આકાર આપીને આજુબાજુના વધારાના વાળ દૂર કરવા, આઈબ્રો પર કદી રેઝરનો ઉપયોગ તો ન જ કરવો. વારંવાર થ્રેડિંગ કરવાથી આંખની આજુબાજુની ત્વચાના છીદ્રો મોટા થાય છે. ક્યારેક ખોટી રીતે વાળને ખેંચવાથી ત્યાં લોહી જમા થઈ જાય છે અને ભૂરા બ્રાઉન કે લીલા રંગના ચકામા પડે છે.
અમુક કિસ્સામાં વાળને ખેંચવાથી ઈન્ફેક્શન, સેપ્ટિક કે ઝીણી ઝીણી ફોલ્લી થવાના બનાવો પણ બને છે. ઘણી વાર આંખોની આજુબાજુ સોજો પણ આવી જાય છે. સ્કીન ટોનિક લગાવવામાં ન આવે તો છિદ્રો પહોળા રહે છે અને સોજા પણ રહે છે. પ્લકરથી આઈબ્રોના વાળ ખેંચવામાં આવે ત્યારે વાળને બદલે ત્વચા પકડાઈ જાય તો ચીપટી આવી જાય છે. વારંવાર પ્લકિંગ કે થ્રેડિંગ ન કરાવવું. થ્રેડિંગ કરાવ્યા પછી વચ્ચેના સમયમાં આઈબ્રોમાં વધારાના વાળ ઊગે તો તેને પ્લકર વડે સાચવીને ખેંચવા જોઇએ. નાહ્યા પછી અથવા ચહેરો ધોયા પછી તરત પ્લકિંગ કરવું, જેથી ત્વચાના છિદ્રો ખુલ્લા હોય અને વાળ સરળતાથી ખેંચાઈ જાય. પ્લકિંગ પછી ઠંડુ પાણી, બરફનો ટુકડો અથવા સ્કિન ટોનિક લગાવો.
ચહેરાના આકાર પ્રમાણે આઈબ્રોને વળાંક આપવો. ચહેરાનો આકાર કુદરતી હોય છે છતાં તેને મેકઅપથી તેના લુકમાં બદલાવ લાવી શકાય છે. દરેક વ્યક્તિનો ચહેરો ભૂમિતિનો કોઈ આકાર તો ધારણ કરે જ છે, પણ વાળની સ્ટાઈલને કારણે ચહેરાનો સ્પષ્ટ આકાર દેખાતો નથી. ચહેરાનો આકાર જાણવા માટે માથાના વાળને પાછળથી બાજુથી ટાઈટ ખેંચી પછી અરીસામાં નજર નાંખો. આમ કરવાથી તમને ચહેરાનો આકાર જાણવા મળશે. આકાર જાણ્યા પછી આઈબ્રોને કયો વળાંક આપવો તે નક્કી કરો.
જો ચહેરો લંબગોળ હોય... તો ચહેરો લંબગોળ હોય તો લાંબી આઈબ્રો સારી લાગે છે. આંખની અંદર, બાજુથી જરા જાડી અને ક્રમશઃ પાતળી, લાંબી સાધારણ વળેલી આઈબ્રો શોભે છે.
જો ગોળ ચહેરો હોય... તો આંખના છેલ્લા ખૂણાથી સહેજ આગળ લગાવેલી ભ્રમર સારી લાગે છે. ઉપલા પોપચાની શરૂઆતથી શરૂ કરીને લમણા સુધી લંબાવવી વળાંક ન લેવો. સાધારણ પાતળી રાખવી.
જો ચોરસ ચહેરો હોય... તો ચાર તરફ ખૂણાઓ દેખાય ને જડબામાં ખૂણા પડે તેવા ચોરસ ચહેરા પર બહુ સીધી નહીં પણ જરાક વળેલી આઈબ્રો સારી લાગે છે. જો ચહેરો લંબચોરસ હોય તો મધ્યભાગમાંથી સહેજ વળાંક આપી પછી આઈબ્રો સીધી ખેંચી જવી.
જો ત્રિકોણ ચહેરો હોય... તો સીધી અને એક છેડાની બાજુ જરાક નીચેની તરફ જાય તેવી વળેલી આઈબ્રો તમારા સુંદર ચહેરાને ઔર નિખારશે.
જે બહેનોની ભ્રમરનો ગ્રોથ ઓછો હોય તેમણે એક વાર થ્રેડિંગ કરાવવું. જેથી મૂળ હશે તો વાળ ઝડપથી ઉગશે. આ સિવાય દરરોજ રાત્રે ભ્રમર પર દીવેલ કે ઘી લગાવવાથી પણ ભ્રમર કાળી થાય છે. હંમેશા યાદ રાખો કે ભ્રમર એ ચહેરાની આગવી શોભા છે. તેને ચહેરાના આકાર મુજબ વળાંક આપો તમારું સૌંદર્યને ચાર ચાંદ લાગી જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter