એસિડ અટેકની પીડિતા અનુપમાનાં લગ્ન થયાંઃ શાહરુખ ખાને અભિનંદન પાઠવ્યા

Wednesday 27th November 2019 06:26 EST
 
 

માત્ર ૧૩ વર્ષની કુમળી વયે એસિડ અટેકનો ભોગ બનેલી દિલ્હીની રહેવાસી અનુપમાનાં તાજેતરમાં જગદીપ સિંહ નામના યુવક સાથે લગ્ન થયાં. અનુપમાના લગ્ન પ્રસંગે ફિલ્મસ્ટાર શાહરુખ ખાને તેને અભિનંદન પાઠવ્યા હતા. અનુપમા જ્યારે નાની હતી ત્યારે તેનો સિનિયર ઘણા સમયથી તેનો પીછો કરતો હતો. તે અનુપમા અને તેની બહેનનું ધ્યાન ખેંચવા માટે વારંવાર તેમની પર કોઈને કોઈ વસ્તુઓ ફેંકતો રહેતો હતો. અનુપમાને શરૂઆતમાં એવું લાગ્યું હતું કે થોડા સમયમાં આ બધું બંધ થઈ જશે, પણ તેના સિનિયરે આ બંને બહેનોનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. એક દિવસ અનુપમાએ આ વાત પરિવારને કહી હતી. અનુપમાનો ભાઈ આ બધું સાંભળીને તે સિનિયરના ઘરે ગયો અને આ બધું તાત્કાલિક બંધ કરવાનું કહ્યું હતું. સિનિયર સુધરવાને બદલે ગુસ્સે ભરાયો હતો અને એક સાંજે તે અચાનક અનુપમા અને તેની બહેનના રૂમમાં ગયો. ત્યાં તેણે બંને બહેનો પર એસિડ ફેંક્યું.
નસીબજોગે અનુપમાની બહેન ભાગી જતાં તેના પેટ પર જ એસિડ પડ્યું હતું જ્યારે એસિડથી અનુપમાનો ચહેરો, છાતી અને ખભો બળી ગયાં હતાં. માત્ર ૧૩ વર્ષની નાનકડી ઉંમરમાં એસિડ અટેકનો ભોગ બનવું અને તેની સર્જરીમાંથી પસાર થવું અનુપમા માટે સરળ તો નહોતું જ પણ તે હિંમત ન હારી અને દુનિયા માટે ઉદાહરણ રૂપ બની ગઈ. આજે પણ અનુપમા કોઈને મળે છે તો તેના ચહેરા પર ગોગલ્સ અને સ્કાફ તો અવશ્ય હોય છે, પણ તેની સ્માઈલ સામેવાળાનું દિલ ચોક્કસથી જીતી લે છે.
શાહરુખ ખાન એસિડ એટેકનો ભોગ બનેલી નિર્દોષ યુવતીઓની મદદ માટે મીર ફાઉન્ડેશન ચલાવે છે. અનુપમા પણ આ મીર ફાઉન્ડેશનનો જ એક ભાગ છે. તાજેતરમાં અનુપમાના લગ્ન હતા. તે વખતે શાહરુખે ટ્વિટ કરીને લખ્યું કે, અનુપમાએ તેના જીવનની નવી જર્ની શરૂ કરી છે. હું તેને અભિનંદન પાઠવું છું. હું ઈચ્છું છું છે કે, તેનું જીવન પ્રેમ અને હાસ્યથી ભરેલું રહે. જગદીપ અને અનુપમા તમારા બંનેના સાથે રહેવાના કારણો અને ખુશી વધે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter