કેટલિન માટે દરેક સવાર છે નવી નક્કોર શરૂઆત

Saturday 18th May 2019 06:58 EDT
 
 

વોશિંગ્ટનઃ આજે આખી દુનિયા ભલે ૨૦૧૯માં જીવી રહી હોય, પરંતુ ૧૬ વર્ષની કેટલિન હજુ ઓક્ટોબર - ૨૦૧૭માં જીવે છે. જાણે તેના માટે સમય થંભી ગયો છે - ૧૨ કલાક પૂરતો સીમિત થઇ ગયો છે. સવારે તેની આંખ ખૂલે છે ત્યારે તેને યાદ નથી હોતું કે આજે કઇ તારીખ છે, અઠવાડિયાનો કયો વાર છે, વર્ષનો કયો મહિનો છે અને તેની સ્કૂલનું કયું સેશન ચાલી રહ્યું છે?
કેટલિનને તેના પેરન્ટ્સ દરરોજ દિવસની બધી જ બાબતો યાદ કરાવે છે, પણ ૧૨ કલાક બાદ તે બધું ભૂલી જાય છે. તેને સવારની વાતો રાત્રે અને રાતની વાતો સવારે ઊઠે ત્યારે યાદ નથી હોતી. વાત એમ છે કે, ઓક્ટોબર-૨૦૧૭માં ક્રોસ કાઉન્ટી પ્રેક્ટિસ (રનિંગ) દરમિયાન કેટલિનની સાથીનો ખભો ભૂલથી તેના માથા પર વાગ્યા પછી તેની આવી હાલત થઇ ગઇ છે.
ડોક્ટરોનું કહેવું છે કે, ‘કેટલિન એન્ટેરોગ્રેડ એમ્નેશિયા એટલે કે ભૂલવાની એક પ્રકારની બીમારીનો શિકાર બની છે, જેનો હાલ તો કોઇ ઇલાજ નથી.’ આ બીમારીથી પીડિત વ્યક્તિ થોડી વારમાં બધું ભૂલવા લાગે છે. ડોક્ટરોને એવું લાગતું હતું કે તે ત્રણ અઠવાડિયામાં સાજી થઇ જશે પણ તેવું થયું નથી. આમ કેટલિનના દિમાગમાં તે ટક્કરનો ભોગ બની તે સમય જ ‘સેવ’ થઇ ગયો છે.
ટીચરને અજનબીની જેમ મળે છે!
કેટલિનના પિતા ક્રિસ રોજ સવારે તેને ઊઠાડીને યાદ કરાવે છે કે ક્રોસ કાઉન્ટી પ્રેક્ટિસ દરમિયાન તેને માથામાં ઇજા થઇ હતી, જે પછી તે બધું ભૂલવા લાગી છે. આ પછી ક્રિસ તેને તારીખ, મહિનો અને વર્ષ યાદ કરાવે છે અને તેના માટે ઘરના દરેક ખૂણામાં ચિઠ્ઠીઓ મૂકે છે, જેથી તેને કંઇ પણ શોધવામાં તકલીફ ન પડે.
ક્રિસ કહે છે, ‘મને રોજ એ જ ડર સતાવે છે કે કેટલિન સવારે બેડ પરથી ઊઠીને મને એમ ન કહી દે કે હું ખોટું બોલી રહ્યો છું અને આવું ન હોઇ શકે. હું તેને જે કંઇ જણાવું છું તે જણાવતાં ખૂબ ડર લાગે છે પણ મારે તે કરવું જ પડે એમ છે. જોકે, તેની બીમારી વિશે તેણે જ્યારે પણ પૂછ્યું ત્યારે એમ જ કીધું છે કે આવું કેવી રીતે બની શકે? ત્યારે હું તેને તેના બેડ પાસે રાખેલી જર્નલ વાંચવા કહું છું, જેમાં આવા કેસ છપાયેલા છે.’
ક્રિસ કહે છે કે આ બીમારીના કારણે કેટલિનના અભ્યાસમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી રહી છે, કેમ કે તે રોજ ટીચરનું નામ ભૂલી જાય છે. અમે રોજ તેના હાથ પર ટીચરનું નામ લખીએ છીએ પણ તેને યાદ નથી રહેતું. તે ઘરે ભણાવવા આવતા ટીચરને દરરોજ એવી રીતે મળે છે કે જાણે કોઇ અજાણી વ્યક્તિને મળી રહી હોય. કોણ જાણે ક્યાં સુધી તેની આ હાલત રહેશે? તેની સારવાર માટે ભંડોળ એકઠું કરવા અમે ‘ગો ફંડ મી’ નામથી કેમ્પેન શરૂ કર્યું છે. અમને આશા છે કે તે સાજી થઇ જશે.’
‘ફિફ્ટી ફર્સ્ટ ડેટ્સ’ની હિરોઇન જેવી હાલત
કેટલિનની હાલત ૨૦૦૪માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ‘ફિફ્ટી ફર્સ્ટ ડેટ્સ’ની હિરોઇન ડ્યૂ બેરિમોર જેવી છે. ફિલ્મની કથા કંઇક એવી છે કે એક દુર્ઘટના બાદ ડ્યૂ બેરિમોર યાદશક્તિ ગુમાવે છે અને રોજ સવારે ઊઠતાં જ તેને એવું લાગે કે તે દુર્ઘટનાવાળો જ દિવસ છે. ફિલ્મમાં આ હાલતને ગોલ્ડબર્ગ સિન્ડ્રોમ જણાવાયો હતો, જે અંગે એક ન્યૂરોલોજિસ્ટનું કહેવું હતું કે, ‘આ સ્થિતિને ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર સાથે કોઇ સંબંધ નથી.’ જોકે, બાદમાં આવા ઘણા કેસ જોવા મળ્યા. બોલિવૂડની જાણીતી હિન્દી ફિલ્મ 'ગજિની'માં પણ શોર્ટ ટર્મ મેમરી લોસની વાત હતી, જેમાં હીરો દર ૧૫ મિનિટે યાદશક્તિ ગુમાવતો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter