ગરમીમાં ત્વચાની સુંદરતાનું જતન કરતા હર્બલ લોશન

Wednesday 21st May 2025 07:46 EDT
 
 

આકરી ગરમીના દિવસોમાં રાહત મેળવવા અને સુંદરતા જાળવી રાખવા તમે જાતે જ ઘરગથ્થુ રીતે ગુણવત્તાવાળાં, અસરકારક અને ખાતરીવાળાં હર્બલ બોડીલોશન તૈયાર કરી શકો છો. અહીં તમારી પસંદ અને ત્વચાને અનુરૂપ વિવિધ પ્રકારનાં લોશન બનાવવાની પદ્ધતિઓ રજૂ કરી છે.

ઓલિવ ઓઈલ લોશન
એક મોટો ચમચો ઓલિવ ઓઇલ (જેતૂનના તેલ)માં ચપટી મીઠું નાખી ખૂબ ફીણી લો. તમારું લોશન તૈયાર છે. આ લોશન હાથ-પગની ત્વચા માટે ખૂબ જ અસરકારક છે. આ લોશન ઉપરથી નીચેની તરફ હલકા હાથે શરીર પર લગાવવું. ત્યાર બાદ બેથી ત્રણ મિનિટ માલિશ કરીને રૂમાલથી સાફ કરી ધોઈ નાખવું. આ લોશનનો નિયમિત ઉપયોગ કરવાથી હાથપગની ત્વચા મુલાયમ બનશે.

મિલ્ક-લેમન લોશન
જો તમારી ત્વચા તૈલી હોય તો તેના માટે મિલ્ક-લેમન લોશન શ્રેષ્ઠ છે. આ લોશન બનાવવા માટે એક મોટો ચમચો કાચું દૂધ લઈને તેમાં પા ચમચી લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવું. તૈયાર થયેલા મિશ્રણને ચહેરા અને ગરદન ઉપર લગાવી પાંચેક મિનિટ સૂકવવા દેવું. ચહેરા અને ગરદન ઉપર લગાવેલું લોશન સુકાઈ જાય એટલે ચોખ્ખા રૂમાલ અથવા રૂથી સાફ કરી લો. આ લોશન એક પ્રકારે ક્લિનઝિંગ મિલ્ક તરીકે પણ કામ કરે છે.

એપલ લોશન
જો તમે એસ્ટ્રોજન્ટવાળા લોશનનો ઉપયોગ કરતાં હોવ તો તેના વિકલ્પ રૂપે તમે એપલ લોશનનો ઉપયોગ કરી શકો છો. એપલ લોશન બનાવવા માટે એક મધ્યમ કદનું સફરજન લઈ તેનો રસ કાઢી લેવો. આ રસમાં પા ચમચી લીંબુનો રસ ઉમેરી એકરસ કરી લેવું. આ લોશનને ચહેરા અને ગરદન ઉપર લગાવી પંદરેક મિનિટ માટે સુકાવા દો. ત્યાર બાદ હૂંફાળા પાણીથી ચહેરો અને ગરદન ધોઈ નાખો. આ લોશનથી ચહેરા ઉપર ચમક આવી જશે.

આમળાંનું લોશન

ગરમીમાં ત્વચાની સાથે માથાના વાળની સંભાળ લેવી પણ આવશ્યક છે. તેના માટે આમળાંનું લોશન ઉપયોગી રહેશે. આમળાનું લોશન બનાવવા માટે બે મોટી ચમચી આમળાનાં રસમાં બે મોટી ચમચી લીંબુનો રસ ઉમેરી એકરસ કરી લો. વાળ ધોવાના હોય તેના બે કલાક પહેલાં વાળનાં મૂળ સુધી પહોંચે તે રીતે આ લોશનને લગાવી દેવું. બે કલાક બાદ વાળ ધોઈ લેવા. આ લોશનના ઉપયોગથી વાળ મુલાયમ, ચમકતા તો બનશે જ સાથે સાથે જથ્થો પણ વધશે. આ લોશનના ઉપયોગથી વાળ ખરવાની સમસ્યામાં પણ રાહત મળશે.

દહીં-બેસન લોશન
ત્વચાને તાજગી અને સ્વસ્થ બનાવતું આ એક ખૂબ જ અસરકારક લોશન છે. તેને બનાવવા માટે એક ચમચી ચાળેલા ચણાના લોટમાં બે ચમચી તાજું દહીં ઉમેરીને સારી રીતે ફીણી લો. આ લોશનથી હાથ-પગ, ગરદન અને ચહેરા ઉપર માલિશ કરી બોડીલોશન તરીકે ઉપયોગમાં લેવું. સુકાઈ ગયા બાદ ધોઈ નાખવું. રોજિંદા ઉપયોગમાં લેવા માટે એકદમ સસ્તું અને ઝડપથી અસરકારક પરિણામ આપતા આ લોશનની વિશેષતા એ છે કે એ નિસ્તેજ ત્વચામાં નવી ચમક લાવે છે.

મિક્સ લોશન
ત્વચા કાંતિવાન બનાવવા માટે મિક્સ લોશન ઉપયોગી થશે. આ લોશનના ઉપયોગથી ત્વચા કાંતિવાન બને છે. મિક્સ લોશન બનાવવા માટેની સામગ્રી છેઃ એક મોટી ચમચી કાકડીનો રસ, અડધી ચમચી ટમેટાંનો રસ, પા ચમચી લીંબુનો રસ અને એક નાની ચમચી મલાઈ તથા ચપટી હળદરનો પાઉડર. આ તમામને એક વાટકીમાં લઈ સારી રીતે મિક્સ કરી લો. તૈયાર થયેલા મિશ્રણને હાથ-પગ, ગરદન અને ચહેરા ઉપર લગાવી 20 મિનિટ સુધી રહેવા દઈ ધોઈ લેવું. દરરોજ નહિ તો આંતરે દિવસે આ લોશનનો ઉપયોગ કરવાથી ત્વચામાં તાજગી આવી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter