ઘરગથ્થુ ફેશિયલથી ત્વચાને રાખો સોફ્ટ સોફ્ટ

Friday 01st November 2019 05:50 EDT
 
 

સામાન્ય રીતે સ્ત્રીઓ રોજેરોજ ત્વચાની માવજત કરી શકતી નથી. દર અઠવાડિયે કે પછી મહિનામાં બે વાર બ્યટિશિયન પાસે કે સ્પામાં જવાનો સમય પણ ભાગ્યેજ મળે છે. વળી, બ્યુટિ ટ્રીટમેન્ટ ખૂબ ખર્ચાળ પણ નીવડે છે. આ ખર્ચ બધાને પોષાતો પણ નથી. આ ઉપરાંત નેચરલ સ્પા કે પછી કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ પણ શક્ય રહેતો નથી. ચહેરાની ત્વચાને સ્વસ્થ રાખવા માટે ફેશિયલ જરૂરી છે પણ મોટાભાગની બ્યુટિ પ્રોડક્ટ્સમાં કૃત્રિમ ઘટકો અને પદાર્થો હોય છે. જે લાંબે ગાળે ત્વચા પર નકારાત્મક અસર કરે છે. જો આપને આપનો ચહેરો નિસ્તેજ લાગે, તેની ત્વચા શુષ્ક જણાય તો તમે તેને સુંવાળી, એકદમ ચમકતી અને તરોતાજા ઘરગથ્થું ઉપાયો દ્વારા કરી શકો છો. રસોડામાં વપરાતી ચીજોના ઉપયોગથી થયેલું ફેશિયલ પણ ત્વચાને સુંદર નિખાર આપે છે. ત્વચા સોફ્ટ અને ચમકીલી રહે છે. દર અઠવાડિયે એક વાર ઘરેલુ ચીજોનાં ઉપયોગથી ચહેરાને ચમકાવો. તેનાથી તમારી ત્વચા સરસ રહેશે અને તે હવામાં રહેલો ભેજ, પ્રદૂષણ અને ગંદકીનો સામનો કરી શકશે. ત્વચા પરનો તણાવ, ડાઘા અને થાક દૂર થઈ જશે.

  • ઘરે જ ચહેરાને ચમકાવવા માટે પ્રથમ એક હેરબેન્ડ કે સ્કાફ લો. તેને હેર લાઈન પાસેથી લઈને પાછળ બોચી પર બાંધો. આનાથી વાળ પર કંઈ લાગશે નહીં. ત્વચાને સંપૂર્ણ સાફ કરો. ત્વચાને અનુરૂપ ક્લિન્ઝર પસંદ કરો. જેલ અથવા ક્રીમ ક્લિન્ઝર નોર્મલથી શુષ્ક ત્વચા માટે, ક્લિન્ઝિંગ મિલ્ક અથવા લોશન નોર્મલથી ઓઈલી અને મિશ્ર ત્વચા માટે યોગ્ય રહે છે. તેને ચહેરા પર લગાવો. એક કોટન વૂલ પેડ લઈ તેને ભીનું કરો. તેને નિચોવી લો. આનાથી ચહેરો લૂછો, ચહેરો લૂછતી વખતે કોટન વૂલ પેડને ઉપરની તરફ અને બહારની તરફ ફેરવો. કપાળ પર લૂછો. નસકોરાના ખૂણાથી લઈને કપાળ તરફ જાય ત્યાંથી બંને લમણા તરફ લૂછો. નાકના ખૂણા પાસે ખાસ ધ્યાનથી લૂછો. આ ક્લિન્ઝરથી આપની ગરદનને પણ બરાબર સાફ કરો. પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.
  • ભીના ચહેરા પર ફેશિયલ સ્ક્રબનો ઉપયોગ કરીને ચહેરાની સફાઈ કરો. સ્ક્રબ ઓઈલી સ્કિન અને બ્લેક હેડ્સ માટે ઘણું સારું છે. જો આપના ચહેરા પર ડાઘ, ફોલ્લીઓ, ખીલ, રેશિઝ હોય તો સ્ક્રબિંગ કરવું નહીં. બજારમાં ફેશિયલ સ્ક્રબ ઉપલબ્ધ છે. તેમ છતાં ઘરે બનાવેલું ફેશિયલ સ્ક્રબ પ્રાકૃતિક અને કેમિકલ ફ્રી હોવાથી ત્વચા માટે વધુ લાભદાયી સાબિત થશે.
  • આ સ્ક્રબ બનાવવા માટે બે બદામ અને એક અખરોટને અધકચરી પીસો, ઘઉંની થૂલી અથવા ચોખાનો લોટ લો. તેમાં થોડું ગુલાબજળ, દહીં ભેળવો અને આ મિશ્રણને ચહેરા પર લગાવો. ત્વચાને નરમાશથી ઘસો અને સાદા પાણીથી ચહેરો ધોઈ નાંખો.
  • નોર્મલથી શુષ્ક ત્વચા હોય તો તેને પોષણ આપવું જરૂરી છે. આના માટે નરિશિંગ ક્રિમ ચહેરા પર લગાવવું જરૂરી છે. આ ક્રિમ ચહેરા પર લગાવો. તમારી હથેળી સહેજ ભીની કરી ઉપરની તરફ અને બહારની તરફ ચહેરા પર ફેરવો. આંખોની આસપાસ રિંગ ફિંગરનો ઉપયોગ કરીને ખૂબ ધીમેથી ગોળાકાર ગતિથી ફેરવો. આ મસાજ કરતી વખતે આપની ત્વચા સહેજ પણ ખેંચાય નહીં તેનું ધ્યાન રાખો. ગરદન પર દાઢીથી નીચેની તરફ મસાજ કરવી. મસાજ ત્રણથી ચાર મિનિટ કરવી. એ પછી ભીના કોટન વૂલથી અથવા ભીના નેપ્કિનથી ચહેરો સાફ કરવો. ગરદન પર આ નરિશિંગ ક્રિમ અચૂક લગાવવું. આપની ત્વચા ઓઈલી હોય તો ક્રિમ લગાવવું નહીં.
  • ઘરે ફેસમાસ્ક તૈયાર કરવું પણ ઘણું સહેલું છે. બે ટી સ્પૂન ઘઉંની થૂલી અથવા ચોખાનો લોટ, બે ટી સ્પૂન પીસેલી બદામ અને અખરોટનો પાઉડર, ગુલાબ જળ, દહીં અને મધની પેસ્ટ બનાવો. આ ફેસ માસ્ક તમામ પ્રકારની ત્વચા માટે અનુકૂળ છે.
  • આ મિશ્રણને ચહેરા પર લગાવો. આંખોની આસપાસ અને હોઠની ફરતે લગાવવું નહીં. બે કોટન વૂલ પેડને ગુલાબજળમાં બોળી આંખો પર મૂકો. જ્યાં સુધી આ ફેસ માસ્ક સુકાય નહીં, ત્યાં સુધી સૂઈ રહો. આઈ પેડને પાંપણ પર મૂકો. સૂતી વખતે એકદમ હળવાફૂલ રહો. આ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટથી વ્યક્તિ ખરેખર હળવાશ અનુભવે છે. ૨૦થી ૩૦ મિનિટ બાદ ચહેરો ધોઈ નાંખો. એ પછી કોટન વૂલ પેડને ખૂબ ઠંડા ગુલાબજળમાં બોળી તેનાથી ચહેરો લૂછી નાંખો. આ પ્રક્રિયાથી ત્વચા ટોન થાય છે, રોમછિદ્રો સંકોચાય છે અને ત્વચાની ચમકમાં વધારો થાય છે.

comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter