ચિકનકારી આઉટફિટઃ સ્ટાઇલ અને કૂલ લુકનું કોમ્બિનેશન

Wednesday 22nd June 2022 08:55 EDT
 
 

સમરમાં દરેક યુવતી એવાં કપડાં પહેરવા ઇચ્છે છે જેમાં તેઓ કૂલ મહેસૂસ કરે. કોટન, લિનન મટીરિયલના આઉટફિટની સાથે ચિકનકારી આઉટફિટ હોટ ફેવરિટ છે, કારણ કે તે સિમ્પલ લુક આપવાની સાથે કૂલ લાગે છે. તેથી ગરમીમાં ચિકનકારી બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે.

ચિકનકારી એક ટ્રેડિશનલ એમ્બ્રોઇડરી સ્ટાઇલ છે. એનાં મૂળ લખનઉમાં છે. ચિકનકારી એ બારીક રીતે કરવામાં આવતી એમ્બ્રોઇડરી છે. તેને મસલિન, કોટન, સિલ્ક, શિફોન, નેટ જેવાં ફેબ્રિક પર કરવામાં આવે છે. તેની શરૂઆત સુંદર સફેદ રંગના કોટન દોરાથી થઈ હતી. જોકે હવે લગભગ દરેક રંગના દોરાનો ઉપયોગ એમ્બ્રોઇડરી માટે થવા લાગ્યો છે. હવે તો સિલ્કના દોરાનો ઉપયોગ પણ ચિકનકારી એમ્બ્રોઇડરી માટે થવા લાગ્યો છે, કારણ કે ચિકનકારી લેટેસ્ટ માર્કેટ અને ટ્રેન્ડ્સ મુજબ અપ ટૂ ડેટ રહે છે.
એક સમય એવો હતો જેમાં ચિકનકારીને ગણ્યાગાઠ્યા લોકો જાણતા હતા, પરંતુ જ્યારથી બોલિવૂડ અને વિદેશી લોકોએ તેને અપનાવી છે ત્યારથી તેની ઓળખ વધવા લાગી છે. બોલિવૂડની દરેક એક્ટ્રેસ ચિકનકારી કુરતાં પહેરતી જોવા મળે છે. ઘણાં ડિઝાઇનરે ચિકનકારીને ગ્લોબલ ઓળખ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તેથી આજે ચિકનકારીને ઇન્ડિયનની સાથે વેસ્ટર્ન ટચ આપવામાં આવી રહ્યો છે.
• ચિકનકારી કુરતીઃ આ કુરતીની ખાસિયત એ છે કે તે બહુ સિમ્પલ લુક આપે છે. તેથી તમારે અલગથી કંઈ કરવાની જરૂર પડતી નથી. ચિકનકારીમાં સલવાર સૂટના સેટ સિવાય પણ ઘણાં ઓપ્શન હવે ઉપલબ્ધ છે. ચિકનકારી ડિઝાઇનવાળી અનારકલી કુરતી આકર્ષક લાગે છે. ગરમીમાં ફેમિલી ફંક્શનમાં તેને પહેરીને તમે સામેલ થઇ શકો છો. ચિકનકારીમાં એલાઇન કુરતી સ્લિમ દેખાવામાં મદદ કરે છે. ચિકનકારીમાં લોંગ, શોર્ટ, ની એમ વિવિધ લેન્થની કુરતી ઇન ટ્રેન્ડ છે. તમે ચિકનકારી કુરતીને જિન્સ, લેગિંગ્સ, પેન્ટ, પ્લાઝો કોઇ પણની સાથે પેર કરીને પહેરી શકો છો. હવે પ્લેન કુરતી ઉપર ડિફરન્ટ લુક આપતી ચિકનકારી કોટી પણ અવેલેબલ છે. જેમને ફ્યૂઝન ફેશન પસંદ હોય તેમના માટે ચિકન કોટી પરફેક્ટ છે. શોર્ટ ચિકનકારી કુરતીને લોંગ સ્કર્ટની સાથે પણ પેર કરી શકાય છે, જે ફ્યૂઝન લુકનો અક ભાગ છે.
• ચિકનકારી પ્લાઝોઃ ચિકનકારી કુરતીની સાથે ચિકન પ્લાઝો એલિગન્ટ લુક આપે છે. ચિકન પ્લાઝોમાં પણ હાફ ચિકન વર્કવાળો પ્લાઝો, પ્લાઝોમાં ચિકનની બોર્ડર વગેરે અવેલેબલ છે. શોર્ટ કે ની લેન્થ પ્લેન કુરતીની સાથે ચિકનકારી પ્લાઝો સિમ્પલ અને સોબર લુક આપશે. સિગાર પેન્ટની સાથે ડિઝાઇનર કુરતી, એડિશનલ વર્કની સાથે ગોટાપત્તી સૂટ પહેરી શકો છો. ચિકનકારીમાં ઇન્ડિયનની સાથે વેસ્ટર્ન વેરનું ચલણ વધ્યું છે. ચિકનકારી વર્કવાળા કુરતાંમાં હવે કલરના ઓપ્શન પણ આવવા લાગ્યા છે. અલગ અલગ શેડ્સ પણ એમાં ઉપલબ્ધ છે. એમાં તમે તમારા ફેવરિટ કલર મુજબ તેની પસંદગી કરી શકો છો. ચિકન ડ્રેસીસની સાથે ઓક્સોડાઇઝ્ડ જ્વેલરી કમાલનો લુક આપે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter