તમારા સૌંદર્યને આપે નિખારઃ ટ્રેન્ડી જ્વેલરીના આ ત્રણ પ્રકાર

Monday 18th February 2019 07:13 EST
 
 

વિશ્વની એવી કઈ મહિલા કે યુવતી હોય જેને ઘરેણામાં રસ ન પડે? દરેક મહિલા અને યુવતીને તે બાળકી હોય ત્યારથી કંઈક ને કંઈક ઘરેણું પહેરવું ગમતું હોય. કાનમાં ઈયરિંગ તો પાંચ સાત વર્ષની બાળકીથી લઈને વયોવૃદ્ધા પહેરે, પણ ખાસ પ્રસંગ માટે પણ પ્રસંગને અનુરૂપ જ્વેલરીનું કલેક્શન રાખવાની મહિલાઓની આદત હોય છે. સોના હીરાના વધતા ભાવના કારણે તેનું મનભાવન કલેક્શન તો રાખી શકાય નહીં, પણ તેના ઓપ્શન પણ જરૂર મહિલાઓ શોધી લે છે.

બીજી તરફ દુનિયામાં બીજા એવાં ઘણાં મટીરિયલ્સ ઉપલબ્ધ છે કે જેનાથી સસ્તી, સુંદર અને ટકાઉ જ્વેલરી બનાવી કે બનાવડાવીને તેને પહેરી શકાય. જેમકે આજકાલ કલરફુલ સ્ટીલથી લઇને લેધર, વુડન અને કાચની જ્વેલરી પણ મળી રહે છે. વળી, કોઈ પણ પ્રસંગે તમારી સ્ટાઇલ સેન્સને તે નવી પરિભાષા આપશે.

કેટલાક જ્વેલરી એક્સપર્ટનું તો એ પણ કહેવું છે કે આવા મટીરિયલ્સની જ્વેલરીની પસંદગીથી વ્યક્તિની ફેશન સેન્સ પણ નિખરે છે અને તે થોડો હટકે લુક પણ આપે છે. અહીં કેટલીક સોના, ચાંદી, પ્લેટિનમ કે હીરાના વૈકલ્પિક જ્વેલરી મટીરિયલ્સની જ્વેલરી વિશે પર્યાયોની જાણકારી અપાઈ છે.

વુડનનો વૈભવ

હકીકતમાં લાકડા પર રંગબેરંગી મોતી લગાવેલાં ઘરેણાં ભારતીય ટ્રાઇબલ જ્વેલરી તરીકે પહેરાઈ ચૂકી છે. ટ્રાઇબલ જ્વેલરીમાં બ્રાસ અને નિકલ જેવી ધાતુઓનો ઉપયોગ પણ થાય છે. જો લાકડાની જ વાત કરીએ તો લાકડાની જ્વેલરીનો સૌથી મોટો ફાયદો એ જ છે કે એને કોઈ પણ શેપ આપી શકાય છે. લાકડા પર કોતરણી કરી શકાય છે તેમજ લાકડા સાથે બીજી ચીજોને જોડીને એને રંગેબેરંગી પણ બનાવી શકાય છે. ડાર્ક શેડની ઇફેક્ટ આપી શકો છો અથવા લાકડાની ડલ ઇફેક્ટ સાથે ગોલ્ડ અને સિલ્વરની શાઇની ઇફેક્ટ પણ આપી શકો છો.

સ્ટીલ અને પીછાં

હાલમાં આ જ્વેલરી સ્ટાઈલ ખૂબ જ પ્રખ્યાત છે. સ્ટીલને રસોડામાંથી બહાર કાઢીને એક્સેસરીઝના વોર્ડરોબમાં મૂકવાનો ટ્રેન્ડ ચાલે છે. ફેશન એક્સપર્સ્ટ્સનું કહેવું છે કે સ્ટીલનું જ્યારે કોઈ પણ પીછાં સાથે કોમ્બિનેશન કરવામાં આવે ત્યારે એ ખૂબ સુંદર દેખાય છે. આ કોમ્બિનેશન ભલે થોડું બોલ્ડ લાગતું હોય, પણ દેખાવમાં ખૂબ ફેમિનાઇન અને ડેલિકેટ લાગે છે. ઓક્સોડાઈઝ કરેલી જ્વેલરીમાં રંગબેરંગી પીછાં પણ પહેરનારને સુંદર લુક આપે છે.

ગ્લાસ જ્વેલરી

કાચ એક એવો પદાર્થ છે જેને કોઈ પણ આકાર, ટેક્સચર, કલર અને સાઇઝમાં બનાવી શકાય છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં તો એક્સેસરીઝની કેટેગરીમાં કાચનું સ્થાન ખૂબ મોટું બની ચૂક્યું છે. કાચ પર ગ્લાસ પેઇન્ટ કરી શકાય, તેની સાથે ક્રિસ્ટલ અને બીડ્સ જોડી શકાય. કાચ અને લાકડાના કોમ્બિનેશનમાંથી પણ ખૂબ સુંદર જ્વેલરી બની શકે છે, જે મોડર્ન તેમ જ ટ્રેડિશનલ બન્ને પ્રકારના આઉટફિટ્સ પર સારા લાગશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter