નવોઢાનું રૂપ નિખારશે ફિગરને અનુરૂપ લહંગાની પસંદગી

Wednesday 02nd November 2022 08:18 EDT
 
 

દેવદિવાળીના આગમન સાથે જ લગ્નસરા શરૂ થઇ જશે. સ્વાભાવિક રીતે જ જેમના લગ્ન તે વખતે નિર્ધાર્યા હશે તેમણે તૈયારી શરૂ કરી દીધી જ હશે. અને લગ્નની ખરીદીમાં સૌથી પહેલા નવોઢાના વસ્ત્રો આવે. પોતાના જીવનના સૌથી મહત્ત્વના દિવસે કોઇ પણ દુલ્હન સૌથી સુંદર દેખાવા ઇચ્છતી હોય છે. આવી સ્થિતિમાં તેનો લહંગો એકદમ આકર્ષક હોવો જરૂરી છે. આજે બજારમાં અનેક રંગ અને ડિઝાઇનના લહંગા મળે છે. પરંતુ પોતાના બોડી ટાઇપ, એટલે કે ફિગરને અનુરૂપ લહંગો જ નવવધૂનું રૂપ નિખારતો હોય છે. આજે આપણે કેવા ફિગર પર કેવો લહંગો શોભે તેની વાત કરીએ.
• લીન બોડીઃ લીન બોડી, એટલે કે એકવડો બાંધો ધરાવતી માનુનીને ક્રેપ સ્ટાઇલ બ્લાઉઝ સાથે એ-લાઇન હાઇ-વેસ્ટ લહંગો પસંદ કરવો જોઇએ. આ કોમ્બિનેશન તેના આઉટફિટને ફુલર લુક આપે છે. અને તેનું ફિગર કર્વી દેખાય છે.
• એપલ શેપઃ એપલ શેપ બોડી ટાઇપમાં નારીનો કટિથી ઉપરનો ભાગ ભરાવદાર હોય છે. તેથી જો તેઓ ગાઉન જેવો લુક આપતો લહંગો ખરીદે તો તેમના શરીરનો નીચેનો ભાગ લહંગાની ફ્લેરને કારણે ભરાવદાર દેખાશે. આમ તેની કટિ વધુ પાતળી લાગશે.
• બેલ શેપઃ જેમના શરીરનો કમરથી નીચેનો હિસ્સો ભરાવદાર હોય તેવા ફિગરને બેલ (ઘંટડી) બોડી ટાઇપ કહેવાય છે. આ પ્રકારનું ફિગર ધરાવતી યુવતીઓએ હેવી પ્લીટ્સ ધરાવતો લહંગો પસંદ કરવો. તેને કારણે તેમનો ભરાવદાર ભાગ લહંગાને કારણે હેવી હોય એવું લાગશે. તેની સાથે એમ્બેલિશ્ડ ક્રોપ બ્લાઉઝ અથવા કોલ્ડ શોલ્ડર બ્લાઉઝ પહેરવું. આમ કરવાથી તેમનો ઉપરનો હિસ્સો સહેજ ભરેલો દેખાશે. વળી આવા બ્લાઉઝ ધ્યાનાકર્ષક બની રહેશે.
• અવરગ્લાસ શેપઃ અવરગ્લાસ બોડી ટાઇપ પર દરેક પ્રકારના લહંગા કે અન્ય પોશાક શોભી ઉઠે છે. તેથી આવું ફિગર ધરાવનાર યુવતીઓને ચોક્કસ પ્રકારના આઉટફિટ ખરીદવાની ચિંતા નથી રહેતી. જોકે આવા ફિગર પર એ-લાઇન લહંગો વધુ સરસ લાગે છે. તેની સાથે બ્લાઉઝ અને ઓઢણી પર વધુ ધ્યાન આપવામાં આવતું હોવાથી તે કેરી કરવાનું પણ સરળ રહે છે. અવરગ્લાસ ફિગરમાં હાઇ-વેસ્ટ લહંગા સાથે હેવી વર્ક કરેલું વી-નેકનું ક્રોપ્ડ બ્લાઉઝ પણ ખૂબ શોભે છે. લહંગાની પસંદગી વેળા વિવિધ પ્રકારના બોડી ટાઇપ ઉપરાંત અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં જરૂરી છે. જેમ કે, જો દુલ્હન ઊંચી હોય તો સિંગલ કલરના લહંગાને બદલે ચોળી અને ચણિયાના રંગ કોન્ટ્રાસ હોય તે પ્રકારે પસંદ કરવા. એક જ રંગના ચણિયા-ચોળીમાં નવોઢા વધુ લાંબી દેખાશે. આ જ રીતે તેના લહંગામાં મોટી (પહોળી) બોર્ડર લગાવેલી હશે તોય તે વધુ સુંદર લાગશે. જેમની ઊંચાઇ ઓછી હોય એવી નવોઢાઓએ મોટી બોર્ડરવાળા લહંગા ન ખરીદવા. તેમણે ઝીણું વર્ક કરેલા ચણિયા-ચોળી પર પસંદગી ઉતારવી. જ્યારે લાંબી દુલ્હન મોટી ડિઝાઇનના વર્કવાળા ચણિયા-ચોળી લેવા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter