કાબુલઃ અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ કેટલી દયાજનક છે આ વાત દુનિયા અજાણ નથી. અફઘાન મહિલાઓ દાયકાઓથી કડક નિયમોનો ભોગ બની રહી છે. આ દેશમાં રમતગમતથી લઈને રાજકારણ સુધી મહિલાઓ માટે કોઈ સ્કોપ નથી. રોયા કરીમી પણ અફઘાનિસ્તાનમાં આવી જ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ છે. 14 વર્ષની ઉમરે તેનાં લગ્ન કરી દેવાયાં અને 15 વર્ષની માસુમ ઉમરે તે માતા બની ગઇ. તે જિંદગીમાં કંઇક કરીને આગળ વધવા માગતી હતી, પણ તે મુશ્કેલ હતું.
આ પછી તે પતિ અને અફઘાનિસ્તાન છોડી દીકરા સાથે યુરોપિયન દેશ નોર્વે ચાલી ગઈ. રોયા કરીમીએ અહીંના એક બોડી બિલ્ડર કોચ સાથે લગ્ન કર્યા, જે એક અફઘાની કોચ હતા. રોયા બોડી બિલ્ડિંગમાં નામ કમાવવા માગતી હતી. તે કહે છે કે અફઘાન સંસ્કૃતિમાં પ્રવર્તતી રૂઢિઓ અને ધારણાઓથી વિપરીત, એક અફઘાન મહિલા તરીકે આ રમત અપનાવવી તેના માટે સરળ નહોતી. કારણ કે અફઘાનિસ્તાનમાં આ રમત વિશે વિચારી પણ શકાતું નથી.
જોકે તેના પતિએ તેને આ કામમાં સંપૂર્ણ સહયોગ આપ્યો અને કહ્યું કે તે સખત મહેનત કરીને પોતાને સાબિત કરી બતાવે. શરૂઆતમાં આ ટાસ્ક તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું. ઘણી વખત તેણે થાકીને હાર માની લેવા માગતી હતી, પરંતુ પતિના પ્રોત્સાહન અને અફઘાન મહિલાઓનો અવાજ બનવા માટે, તે ફરીથી ઊભી થઈ અને ખૂબ જ મહેનત કરી તેણે બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. રોયા ઇચ્છતી હતી કે હું આ સ્પર્ધા જીતું, પરંતુ જ્યારે તેણે અફઘાનિસ્તાનમાં વિતાવેલા પોતાના દિવસો વિશે વિચાર્યું ત્યારે તેને લાગ્યું કે આ સ્પર્ધામાં ભાગ લેવો તેના માટે ખૂબ મોટી વાત હશે. તે કહે છે, ‘ભલે તે જીતે કે હારે, અહીં સુધી પહોંચવું તેમના માટે મોટી વાત હતી. દરેક અફઘાન સ્ત્રીની જેમ મારા મનમાં પણ આ જ સંઘર્ષ ચાલી રહ્યો હતો. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જે છોકરીને ઘરમાં કેદ રખાતી હતી અને સ્કૂલે જવા દેવાતી નહોતી તે આજે સફળતાના આ સ્તરે પહોંચી છે. રોયા કહે છે કે જો તેની પૃષ્ઠભૂમિ એવા દેશની મહિલાની ન હોત જેને બાળપણથી જ સંઘર્ષ કરવો પડ્યો હોત, તો તેના માટે આવી સ્પર્ધાઓમાં ભાગ લેવો અને જીતવું ક્યારેય શક્ય ન હોત.
અફઘાન મહિલાઓ માટે પ્રેરણાસ્રોત
આજે રોયા કરીમી ચેમ્પિયન છે. તે કહે છે કે તેને વધુ ખુશી એ વાતની છે કે આજે તે અફઘાન મહિલાઓ માટે ઉદાહરણ બની ગઈ છે. જે પોતાના સપનાં પૂરા કરવા માગે છે, પરંતુ તાલિબાન શાસન હેઠળ કડક શરિયા કાયદાને કારણે આગળ વધી શકતી નથી. રોયા ઈચ્છે છે કે તે હંમેશાં અફઘાન મહિલાઓને મદદ કરશે, જે આગળ વધવા માગે છે. તે અફઘાન મહિલાઓને મૂળભૂત અધિકારો પરત અપાવવા ઇચ્છે છે.