નેલપોલિશની વિવિધ સ્ટાઈલથી આકર્ષક લાગે નખ

Monday 14th May 2018 10:01 EDT
 
 

તમારી સુંદરતામાં તમારા નખ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. નેલપોલિશથી કરેલા નખથી તમારી સુંદરતા વધુ વધે છે. કેટલાક લોકોને નેલપોલિશ પસંદ હોતી નથી તો પણ તેમણે એમના નખની સુંદરતા તરફ તો ધ્યાન આપવું જ જોઇએ. નખને રંગવા તમારી સ્ટાઇલ ન હોય તો તમે તેને શેપમાં કરી લાઇટ કલરની નેઇલપોલિશ પણ કરી શકો છો. જો તમારી પણ સ્ટાઇલ જરા જુદી હોય તો તે માટે પણ ઘણા ઓપ્શન્સ છે.

હાફ મૂન મેનિક્યોર

હાફ મૂન મેનિક્યોરને રિવર્સ ફ્રેન્ચ મેનિક્યોર પણ કહેવાય છે. આ સ્ટાઇલમાં નેલપોલિશ નખની બોટમમાંથી લગાવવામાં આવે છે. જ્યારે રેગ્યુલર ફ્રેન્ચ મેનિક્યોરમાં ડાર્ક નેલપોલિશ ફક્ત નખના ઉપરના ભાગમાં જ લગાવવામાં આવે છે. જોકે અત્યારે યુવતીએ અને મહિલાઓ આ સ્ટાઇલ ફ્રેન્ચ મેનિક્યોર કરતાં વધુ પસંદ કરી રહ્યા છે. કેમ કે આ સ્ટાઇલ સિમ્પલ હોવા છતાં પણ એક ડ્રામેટિક લુક આપે છે.

ક્રેકલ નેલ ડિઝાઇન

આ પ્રકારની નેલપોલિશ જોતાં જ સામેવાળી વ્યક્તિનું નખ પર ધ્યાન જાય છે. ક્રેકલ સ્પેશિયલ નેલપોલિશ છે જે નખ પર લગાવ્યા બાદ સુકાઈ જાય છે ત્યારે નખમાં જાણે તિરાડ પડી હોય એવું લાગે છે. આ નેલપોલિશને બીજા કોઇ શેડ સાથે મિક્સ કરીને લગાવવાથી પણ વધુ સારો લુક મેળવી શકાય છે. આમાં તમે ટોપ કોટ તરીકે મેટ નેઇલ કલર વાપરી શકો છો. આ ટ્રેન્ડ અત્યારે ખૂબ હોટ ફેવરિટ છે અને આ ટૂંકા તેમજ લાંબા બંને પ્રકારના નખ પર સારો લાગે છે. મેટાલિક કલર્સ અત્યારે જેટલા ટ્રેન્ડમાં છે એટલા પહેલા ટ્રેન્ડમાં નહોતા. અત્યારે વધુ પડતી મહિલાઓ મેટાલિક કલર્સ વધુ પસંદ કરી રહી છે.

ગોલ્ડ ફોઇલવાળા નખ

ફેશન શોમાં રેમ્પ વોક પર ગોલ્ડ ફોઇલવાળા નખ ખૂબ ચાલે છે. જો ગોલ્ડ ફોઇલ ન હોય તો જાતે પણ બનાવીને લગાવી શકો છો. પહેલાં ખૂબ પ્રમાણમાં ગોલ્ડન કલરની નેલપોલિશ લગાવો અને ત્યાર બાદ એને ફોઇલ જેવી ઇફેક્ટ આપવા માટે થોડી ઉખાડી નાંખો.

મેટાલિક શેડ્સ

ગોલ્ડ સિવાય મેટાલિક શેડ્સને પણ તમે નખ પર લગાવી શકો છો. જો તમને આવો કોઇ શોખ ન હોય કે પછી ડાર્ક કલર્સની નેલપોલિશ ન લગાવી હોય તો તમે ડેકલ્સ એટલે કે નેલ આર્ટના સ્ટિકર્સ પણ લગાવી શકો છો. આવા સ્ટિકર્સ ઘણી બધી ડિઝાઇનોમાં અને રંગોમાં મળી રહે છે. જેમાંથી તમને ગમતા કલર્સ અને તમારી પર્સનાલિટીને સૂટેબલ ડિઝાઇન પસંદ કરી શકો છો. ડેકલ્સને લગાવવા માટે સારી ક્વોલિટીના ગમનો ઉપયોગ કરવો. ત્યાર પછી તેને સીલ કરવા માટે ઉપર ટ્રાન્સપરન્ટ ટોપ કોટ લગાવવો.

ડેકલ્સ અટ્રેક્શન

લગ્ન માટે ખાસ સ્ટોન અને ડાયમંડવાળા ડેકલ્સનું એટ્રેક્શન વધ્યું છે. નિયોન અને ન્યુટ્રલ કલર્સનો ટ્રેન્ડ ફેશનેબલ લોકો ખૂબ અપનાવી રહ્યા છે. ગ્રીન, બ્લુ, પિંક, યેલો જેવા નિયોન કલર્સ કોલેજ ગર્લ્સમાં હોટ ફેવરિટ છે. તમારી પર્સનાલિટી અને પ્રસંગ પ્રમાણે ન્યુડ નેઇલ કલર અથવા તો નખને ગ્રેસફુલ બનાવવા માટે ચળકતો નિયોન પિંક કલર સારો લાગે છે. જો તમે તમારા નખનાં નખરાથી છો પરેશાન તો આટલી વાતનું ધ્યાન રાખી તમારા નખને સુંદર બનાવી શકો છો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter