પુરુષોથી કંટાળીને મોડેલના છ વર્ષના કૂતરા સાથે લગ્ન

Wednesday 07th August 2019 09:21 EDT
 
 

નવી દિલ્હીઃ દુનિયામાં જાત-જાતના લગ્નો વિશે તો તમે સાંભળ્યું જ હશે. હવે તો કેટલાક દેશોમાં સમલૈંગિક લગ્ન પણ સામાન્ય થઈ ગયા છે, પરંતુ આવા લગ્ન વિશે તમે આ પહેલા કદાચ ક્યારેય નહીં સાંભળ્યું હોય. બ્રિટનમાં એક ૪૯ વર્ષીય મોડેલે પુરુષોથી કંટાળીને એક છ વર્ષના કૂતરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
ઈંગ્લેન્ડની પૂર્વ મોડેલ એલિઝાબેથ હોડે ગોલ્ડન રીટ્રિવર બ્રીડના કૂતરા ‘લોગન’ સાથે ઘરસંસાર માંડવા નિર્ણય લીધો હતો. એક કૂતરા સાથેના આ અનોખા લગ્ન ચર્ચમાં ૨૦ જેટલા મહેમાનોની હાજરીમાં થાય તેવી ઈચ્છા મોડેલે વ્યક્ત કરી હતી. લગ્ન બાદ તેણે પોતાના ‘પતિ’ લોગન સાથે ડોગ ફ્રેન્ડલી હનીમૂન પર જવાનો પ્લાન પણ બનાવ્યો હતો.
કૂતરા સાથે લગ્ન કરવાનું કારણ પૂછતા એલિઝાબેથે ચોંકાવનારો જવાબ આપતા જણાવ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં છ ડેટિંગ એપની મદદથી મેં કુલ ૨૨૦ લોકોને ડેટ કર્યાં છે, પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિ એવું નહોતું કે જેની સાથે મને લગ્ન કરવાની ઈચ્છા થાય. પુરુષોના સ્વભાવ અને તેમના નખરાઓથી કંટાળીને આખરે મેં કૂતરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છે અને અમે હંમેશા એકબીજા સાથે હળીમળીને રહીશું. તે હંમેશા મારી મુશ્કેલીઓમાં મારી સાથે રહ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter