પ્રોફેશનલ પાસે જ આઈબ્રો પિયર્સિંગ કરાવી બનો ધ્યાનાકર્ષક

Monday 11th February 2019 05:58 EST
 
 

દુનિયાની કઈ યુવતી કે મહિલા એવી હશે જેને પોતાની સુંદરતામાં વધારો કરવાની ઇચ્છા નહીં થતી હોય? સામાન્ય રીતે વિશ્વની પ્રત્યેક યુવતી કે મહિલા કુદરતી રીતે તો સુંદર દેખાવા માટે પ્રયત્ન કરે જ છે, પણ વિવિધ ઘરેણા, શરીર પર ટેટુ - છુંદણા કે પિયર્સિંગથી પણ પોતાની સુંદરતામાં વધારો કરતી જોવા મળે છે. ખાસ કરીને કિશોરીઓ અને યુવતીઓમાં શરીરના કોઈક ભાગે છુંદણા કરાવવાનો અને કાન-નાક સિવાયના ભાગને વિંધાવીને ત્યાં નાનકડું ઘરેણું પહેરવાની ફેશન પૂરબહારમાં ખીલી છે. દેશવિદેશમાં બોલ્ડ લુક માટે આઈબ્રો પિયર્સિંગનો હમણાં ટ્રેન્ડ ખીલ્યો છે. સામાન્ય રીતે દીકરી નાની હોય ત્યારે જ તેના નાક - કાન વિંધાવી લેવામાં આવે છે. સામાન્ય રીતે કોલેજમાં જતી યુવતીઓ અલગ તરી આવવા માટે તો ક્યારેક શોખ ખાતર આઈબ્રો વિંધાવે છે અને પછી નાનકડી રિંગ પહેરવાનું પસંદ કરે છે.

શું પહેરી શકાય?

આઈબ્રોને વિંધાવીને એક ડાયમંડ પહેરવાની સ્ટાઈલ ખૂબ જ પ્રચલિત છે. નાનકડું મોતી પણ પહેરી શકાય. સામાન્ય રીતે યુવતીઓ ગોલ્ડ, વ્હાઈટ ગોલ્ડ, સિલ્વર, ઓક્સડાઈઝ, પંચધાતુ અથવા કોપરની રિંગ આઈબ્રો પર પહેરવાની પસંદ કરે છે. ઘણી યુવતીઓ કે મહિલાઓ સ્કિન ફ્રેન્ડલી ધાતુ જ આઈબ્રો પર પહેરવી પસંદ કરે છે અને ઇમિટેશનની રિંગ પહેરતી નથી જ્યારે ઘણી યુવતીઓ રંગબેરંગી વાયર કે પ્લાસ્ટિકની રિંગ પણ પહેરે છે. આ રિંગમાં પણ વળી અનેક સ્ટાઈલ અને આકાર જોવા મળે છે. રિંગમાં રંગીન સ્ટોન, ડાયમંડ કે મોતી પરોવીને પણ રિંગ પહેરેલી જોવા મળે છે.

ધ્યાન રાખવું

કોઈ પણ જાતનું અંગછેદનનું કામ આધુનિક મશીન દ્વારા જ કરાવવું બહેતર રહે છે. જોકે મશીનની મદદથી કરાયેલા પિયર્સિંગમાં પણ તીક્ષ્ણ સોયને કારણે સહેજ પીડા થવી સામાન્ય બાબત છે, પરંતુ જો વધુ પીડા થતી લાગે તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત સામાન્ય રીતે કોલેજમાં જતી કન્યાઓ ધ્યાનાકર્ષણ માટે આઈબ્રો કે ડૂંટી પાસે વિંધણું કરાવે છે. ત્યાં નાનકડી રિંગ પહેરવાનું પસંદ કરે છે, પણ જે તે ભાગમાં પસ, સોજો કે રતાશ આવી જવાની ભીતિ વધી જાય છે. તેથી તબીબની સલાહ પછી જ આ પ્રકારના પ્રયોગો કરવા હિતાવહ છે.

બોડી પિયર્સિંગ નિષ્ણાતોના કહેવા પ્રમાણે, યંગસ્ટર્સમાં બોડી પિયર્સિંગનો ક્રેઝ વધતો જાય છે. જોકે પિયર્સિંગ કરાવનારાને ગાઇડલાઇન સ્ટ્રીકલી ફોલો કરવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે પિયર્સિંગ બાદ યોગ્ય કેર ન લેવામાં આવે તો બોડીને નુક્સાન પણ થઈ શકે છે. પિયર્સિંગ બાદ હીલિંગ થતાં ૧૦થી ૧૨ દિવસ લાગે છે. એ દરમિયાન થોડો દુખાવો થઈ શકે છે. હીલિંગ થઈ રહ્યું હોય ત્યારે પયર્સિંગનો ખાસ ખ્યાલ રાખવો પડે છે. જો કોઈ પ્રોબ્લેમ થાય તો તરત જ પિયર્સર કે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પિયર્સિંગથી એલર્જી પણ થઈ શકે છે. પિયર્સિંગ પછી બે ત્રણ દિવસ સુધી ખાટી વસ્તુઓ ખાવી જોઈએ નહીં. કેમ કે પિયર્સિંગની જગ્યા પાકી શકે છે. તેમજ ૨થી ૩ દિવસ પિયર્સિંગની જગ્યા પર ૨થી ૩ ટીપાં તેલ નાખવું જોઈએ.

ગન પિયર્સિંગ ટાળવું

કેટલાક અનપ્રોફેશનલ બોડી પિયર્સિંગ ટ્રેનર ગન પિયર્સિંગ યૂઝ કરે છે. ગન પિયર્સિંગ એક સ્ટેપલર જેવું હોય છે. આઈબ્રો પિયર્સિંગ કરાવવું હોય તો આવો ટ્રેનર તમારી આઈબ્રોને પકડીને પિયર્સિંગ કરે છે. આ રીતે પિયર્સિંગ કરાવવું હિતાવહ પણ નથી અને ક્યારેક લોહી પણ નીકળે છે તો ક્યારેક આઈબ્રો પર પસ થઈ જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter