બકુલાબહેન વોટર ફોબિયા છતાં 58ની વયે સ્વિમિંગ શીખ્યાં, 20 વર્ષમાં 499 મેડલ જીત્યાં

Saturday 19th November 2022 08:18 EST
 
 

સુરત: પતિના અવસાન બાદ હતાશ થવાની જગ્યાએ એક નવું જીવન શરૂ કરીને લોકો માટે પ્રેરણા બનનાર હીરાનગરી સુરતના અડાજણ વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય બકુલાબેન પટેલ હવે ઓસ્ટ્રેલિયામાં દરિયામાં સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઇ વર્લ્ડ રેકોર્ડ બનાવશે. વોટર ફોબિયા હોવા છતાં તેઓ દૃઢ નિર્ધાર વડે દેશ-વિદેશની સ્વિમિંગ સ્પર્ધાઓમાં ભાગ લઇને 2 ગોલ્ડ અને 6 આંતરરાષ્ટ્રીય મેડલ સહિત 499 મેડલ જીત્યાં છે.
78 વર્ષીય બકુલાબેન પટેલ જ્યારે 50 વર્ષના હતાં ત્યારે તેમના પતિનું અવસાન થયું હતું. તેમને સંતાનમાં બે પુત્ર-પુત્રી છે. 58 વર્ષની વયે તેમણે ફરીથી સ્વિમિંગ, નૃત્યના શોખને જીવિત કરવાનો નિર્ણય લીધો. જોકે, મનમાં પાણીનો ખૂબ ડર હતો. જ્યારે સ્વિમિંગ શીખવા પ્રથમ વખત પાણીમાં ઉતર્યા ત્યારે ડર તો બહુ જ લાગ્યો છતાં તેમણે કાબુ મેળવ્યો. જોકે આ પછી તો તેઓ સ્વિમિંગ શીખ્યાં અને તેમાં પ્રાવીણ્ય મેળવ્યું. 2004માં કેનેડાના દરિયામાં તેમણે 100 મીટરની ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ સમયે પણ શરૂઆતમાં તેમને ડર લાગ્યો પરંતુ પુત્રએ હિંમત આપતાં સ્પર્ધા પૂરી કરી. 60 મહિલાઓમાં તેઓ 15મા સ્થાને આવ્યાં હતા.
67ની વયે ભરતનાટ્યમ્ શીખ્યાં
સ્પોર્ટ્સની સાથે સાથે તેમને નૃત્યનો પણ એટલો જ શોખ હતો. જેમના માટે તેમણે 67 વર્ષની ઉમરે ભરતનાટય્ શીખવાનું શરૂ કર્યું. 3 વર્ષ બાદ એટલે કે 70 વર્ષની વયે તેમણે સતત 3 કલાક સુધી આરંગેત્રમ્ કરી લિમકા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન પણ મેળવ્યું. બકુલાબહેન પોરબંદર અને મુંબઇના દરિયામાં પણ સ્વિમિંગ કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં, એટલે કે 20 વર્ષમાં તેઓ નાનામોટા 499 એવોર્ડ અને સર્ટિફિકેટ્સ જીતી ચૂક્યાં છે. હવે તેમનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયા જઇ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter