મનપસંદ વયે માતા બનવાનો અવસર આપતી એગ ફ્રીઝિંગ ટેક્નોલોજી

Wednesday 27th July 2022 06:48 EDT
 
 

મેડિકલ ટેક્નોલોજીના એડવાન્સમેન્ટ અને ઝડપથી બદલાઇ રહેલી જીવનશૈલીનો લોકોના જીવન પર ભારે પ્રભાવ પડ્યો છે. એકાદ-બે દાયકા પહેલાં જો કોઇ મહિલા ત્રીસ વર્ષની વય પછી માતા બનવાનો નિર્ણય લે તો એવું લાગતું હતું કે તેણે આ નિર્ણય લેવામાં બહુ મોડું કરી નાખ્યું છે. જોકે જેમ જેમ સમય પસાર થતો ગયો એમ મહિલાઓ અભ્યાસમાં આગળ વધવા લાગી અને પરિવાર જેટલું જ મહત્ત્વ કરિયરને પણ આપતી થઇ. મહિલાઓ અભ્યાસમાં આગળ વધતી ગઇ એમ તેના માટે તેને લાયક પાર્ટનરની શોધ પણ થોડી અઘરી બનવા લાગી. આ પરિસ્થિતિમાં લગ્નની સરેરાશ વયમાં પણ વધારો થયો. આમ, કરિયરમાં આગળ વધતી મહિલાઓની લગ્નની વય તો થોડી વધી પણ આમ છતાં તેના પર યોગ્ય વયે માતા બનવાનું દબાણ તો રહેતું જ હતું.
કરિયર અને પરિવારને બેલેન્સ કરવામાં અટવાયેલી યુવતીઓને જોકે હવે એક વિકલ્પ મળ્યો છે અને એ છે એગ ફ્રીઝિંગ ટેક્નોલોજી. થોડાક વર્ષો પહેલાં અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ડાયના હેડને એગ ફ્રીઝિંગ પ્રક્રિયાની મદદથી 42 વર્ષની વયે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. જે મહિલાઓ ગર્ભધારણ અને માતૃત્વને પોતાના કેરિયરની વચ્ચે નથી આવવા દેવા માગતી અને સાથે જ માતૃત્વનો પોતાનો અધિકાર પણ જતો નથી કરવા માગતી તેમના માટે આ એક વરદાન સમાન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા મહિલાને તેની મનપસંદ વયે માતા બનવાની આઝાદી મળે છે.
સામાન્ય રીતે 35 વર્ષ પછી મહિલાઓની પ્રજનનક્ષમતા ઓછી થવા લાગે છે અને 40 પછી ઝડપથી ઓછી થઈ જાય છે. આવામાં મહિલાઓ ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે પોતાના એગ્ઝ પહેલેથી જ ફ્રિઝ કરાવીને રાખી શકે છે. એક રીતે જોતાં આ વધતી ઉંમર સામે લેવાયેલી આગોતરી સાવચેતી છે.
શું છે આ ટેક્નોલોજી? એગ ફ્રીઝિંગ ટેક્નોલોજીને તબીબી ભાષામાં ઓસાઇટ ક્રાઓ પ્રિઝર્વેશન તરીકે ઓળખવામાં આવે છે. એમાં મહિલાનાં શરીરમાંથી અફલિત એગ્સને લઇને એને ફ્રિઝ કરવામાં આવે છે અને ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે સ્પર્મની મદદથી એને ફલિત કરીને ગર્ભાશયમાં મેન્યુઅલી મૂકી દેવામાં આવે છે.
કોને થઇ શકે છે લાભ? એગ ફ્રીઝિંગ ટેક્નોલોજી એવી મહિલાઓ માટે આશીર્વાદ જેવી છે જે સામાજિક, આર્થિક કે પછી શારીરિક કારણોસર યોગ્ય સમયે માતા બની શકે એમ નથી. જોકે આ ટેક્નોલોજીના વિકલ્પ વિશે વિચારતા પહેલાં એ જાણવું જરૂરી છે કે ક્યાં સંજોગોમાં એની પસંદગી કરી શકાય છે.
ઇન્ફર્ટિલિટી માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. જો દંપતી લૂપસ, સિકલ સેલ એનીમિયા કે પછી PCOD જેવી શારીરિક સમસ્યાથી પીડાતું હોય તો પણ ઇન્ફર્ટિલિટીનો ભોગ બની શકે છે. આવા દંપતી એગ ફ્રીઝિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે.
કેન્સરની સારવારની શરીર પર સારી એવી આડઅસર થતી હોય છે જેનાં કારણે અનેક અવયવ નબળા પડી જતાં હોય છે. કેન્સરની સારવાર માટે વપરાતી કિમોથેરાપીની અસર ફળદ્રૂપતા પર થતી હોય છે જેનાં કારણે કેન્સરની દર્દી હોય એવી યુવતી કિમોથેરાપી પહેલાં પોતાનાં એગ્ઝ ફ્રીઝ કરવાનો વિકલ્પ અજમાવી શકે છે.
મોડી પ્રેગ્નન્સી કેટલાક દંપતી મોટી વયે માતા-પિતા બનવાં ઇચ્છતાં હોય છે. આ કારણસર ભવિષ્યમાં કોઇ સમસ્યા ન નડે એ માટે એગ ફ્રીઝિંગ ટેક્નોલોજી અપનાવતાં હોય છે.
કઇ રીતે શરીરમાંથી મેળવાય છે અફલિત એગ્સ?
એગ્સ ફ્રીઝિંગ ટેક્નોલોજીનો લાભ લેવા માટે શરીરમાંથી અફલિત એગ્સને મેળવીને એને ફ્રીઝ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાની આડઅસર પણ હોય છે. આ ટેક્નિકનો લાભ લેવા ઇચ્છતી વ્યક્તિએ આ આડઅસરની માહિતી પણ મેળવી લેવી જોઇએ. આ એગ્સ મેળવવા માટે દર્દીના શરીરમાં કૃત્રિમ હોર્મોન દાખલ કરીને ઓવરીને સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે જેનાં કારણે ઓવરી મલ્ટિપલ એગ્સ પ્રોડ્યુસ કરે છે. આ પછી દર્દીને દવા આપીને બ્લડ ટેસ્ટ તેમજ વજાઇનલ અલ્ટ્રાસાઉન્ડની મદદથી સતત ફોલિકલની સાઇઝ પર નજર રખાય છે. જ્યારે ફોલિકલ મેચ્યોર થઇ જાય ત્યારે વજાઇનામાં એક સક્સન ડિવાઇસ દાખલ કરીને નીડલની મદદથી ફોલિકલમાંથી એગ રિમૂવ કરીને એને ભેગા કરાય છે. સામાન્ય રીતે પૂરતાં એગ્સ ભેગાં કરવા માટે ડોક્ટરની સલાહ પ્રમાણે એકથી વધારે વખત આ પ્રોસેસ કરવામાં આવે છે. આ ફલિત ન થયેલાં એગ્સને ભેગાં કરીને અત્યંત નીચા તાપમાને ફ્રોઝન કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં એને ઉપયોગમાં લઇ શકાય.
એગ ફ્રિઝિંગ ટેક્નોલોજી પર અસર કરતા પરિબળો
એગ ફ્રિઝિંગ ટેક્નોલોજી પર અનેક પરિબળો અસર કરે છે જેમાં વય, સ્પર્મ ક્વોલિટી, યોગ્ય ક્લિનિક અને એગ્સની સંખ્યા મુખ્ય છે. જો એગ ફ્રિઝ કરાવનાર મહિલાની વય 30 કરતાં ઓછી હોય તો એનાં એગ્સ વધારે ફળદ્રુપ હોય છે અને ભવિષ્યમાં સફળ ફલનની શક્યતા વધી જાય છે. સફળ અને સ્વસ્થ પ્રેગ્નન્સી માટે સ્પર્મની ગુણવત્તા સારી હોય એ જરૂરી છે. હેલ્ધી સ્પર્મની મદદતી હેલ્ધી એમ્બ્રેયો બનવાના ચાન્સ વધી જાય છે. આ સિવાય એગ ફ્રિઝિંગ ટેક્નોલોજીની સફળતામાં યોગ્ય ક્લિનિકલ પ્રોસિજરનો પણ મોટો ફાળો હોય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter