માનસી ટાટા કિર્લોસ્ટરઃ ભારતીય કોર્પોરેટ જગતનો યુવા ચહેરો

Wednesday 15th March 2023 08:16 EDT
 
 

ટોયોટા કિર્લોસ્કર મોટરના 64 વર્ષના વાઇસ ચેરપર્સન વિક્રમ કિર્લોસ્કરના નિધન બાદ બિઝનેસ ગ્રૂપની કમાન તેમના એકમાત્ર સંતાન માનસી ટાટા કિર્લોસ્કરે સંભાળી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેજતર્રાર માનસીને કિર્લોસ્કર જોઇન્ટ વેન્ચરના ચેરમેનપદે નિયુક્ત કર્યાં છે. માનસી ઉપરાંત વિક્રમ કિર્લોસ્કરનાં પત્ની ગીતાંજલિ કિર્લોસ્કર કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી નિભાવી રહ્યાં છે. માનસી કિર્લોસ્કર પરિવારની પાંચમી પેઢીની વ્યક્તિ છે, જે કિર્લોસ્કર ગ્રૂપને આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ છે.
 
નાની ઉંમરે મોટી જવાબદારી
32 વર્ષીય માનસી પહેલાંથી જ પિતાની કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ તરીકે કાર્યભાર સંભાળતાં હતાં, પણ હવે તેમનું કાર્યક્ષેત્ર અને જવાબદારી વિસ્તર્યા છે. હવે તેમના સીધા જ દિશાનિર્દેશમાં ગ્રૂપ આગેકૂચ કરશે. તેમણે અભ્યાસ પૂરો કર્યા પછી પિતાને કંપનીમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ યુએસએના રહોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનના સ્નાતક છે. માનસી અતિશય વ્યસ્તતા વચ્ચે પણ પેઇન્ટિંગ અને સ્વિમિંગ માટે સમય કાઢી લે છે. તેમણે માત્ર 13 વર્ષની ઉંમરે તેમનું પ્રથમ સોલો આર્ટ એક્ઝિબિશન કર્યું હતું. માનસી ‘કેરિંગ વિથ કલર’ નામક એનજીઓ પણ ચલાવે છે. માનસીને આ ઉપરાંત માઉન્ટેનિંગ, ડીપ સી ડાઇવિંગ, ટેનિસ અને વોટર સ્પોર્ટ્સમાં પણ બહુ રસ છે. તેઓ અવારનવાર આર્ટ ગેલેરીઝ, મ્યુઝિયમ્સ તેમ જ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે વિદેશ પ્રવાસ કરતા કરે છે.
માનસી વર્ક અને લાઇફને બેલેન્સ કરીને જીવન જીવવામાં માને છે. તેઓ માને છે કે જીવનને સારી રીતે જીવવા માટે અને સારી રીતે કામ કરવા માટે વર્ક અને લાઇફનું યોગ્ય બેલેન્સ જળવાઇ રહે એ બહુ જરૂરી છે. જો આ બેલેન્સ ખોરવાઇ જાય તો એની વિપરિત અસર જીવન અને કામ બંને પર પડે છે.
ટાટા પરિવાર સાથે કનેક્શન
માનસીએ 2019માં નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે લગ્ન કર્યાં છે. આ એક હાઇ-પ્રોફાઇલ લગ્ન હોવા છતાં લગ્નપ્રસંગને બહુ સાદગીથી યોજવામાં આવ્યો હતો. આ લગ્નમાં ગણતરીના લોકોને અને નિકટના પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. નોએલ ટાટા રતન ટાટાના ઓરમાન ભાઈ છે. રતન ટાટા અને માનસીના પિતા વિક્રમ કિર્લોસ્કર વચ્ચે બહુ ઘનિષ્ઠ સંબંધ હતો. વેપારમાં બંને હરીફ હોવા છતાં બંને વચ્ચે મિત્રતા અને અનોખો સંબંધ હતો.
માનસી કિર્લોસ્કર પરિવાર અને ટાટા પરિવાર સાથે સંકળાયેલાં હોવા છતાં તેઓ અને તેમનો પરિવાર ખૂબ જ સાદું અને લો-પ્રોફાઇલ જીવન જીવે છે. તેઓ હાઇ પ્રોફાઇલ પાર્ટીઓમાં ભાગ્યે જ જોવા મ‌ળે છે અને તે આ સમય પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter