રાઇસવોટરઃ ત્વચા અને વાળને બનાવે સોફ્ટ અને ચમકીલા

Monday 16th September 2019 03:20 EDT
 
 

સાામન્ય રીતે દરેકના ઘરમાં ભાત તો બનતા જ હોય. ભાત બનાવતા પહેલાં ચોખા ધોતા હોઈએ. એ ચોખા ધોયેલા પાણીનું તમે શું કરો છો? મોટાભાગે ફેંકી જ દેતા હશો, પરંતુ આ રાઇસવોટરનો તે ચોખાના ઓસામણનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે. ત્વચા અને વાળ માટે તે ઘણું ફાયદાકારક છે. રાઇસવોટર સ્ટાર્ચી હોય છે અને એ વાળને મુલાયમ અને શાઈની બનાવે છે તથા વાળ ઝડપથી વધે છે. ચોખામાં ૭૫થી ૮૦ ટકા સ્ટાર્ચ હોય છે. આ ઉપરાંત ચોખાના પાણીમાં ચોખામાં રહેલા ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. એમાં એમિનો એસિડ, વિટામિન બી અને એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે.

રાઈસવોટરનો ઉપયોગ

રાઈસવોટરનું શેમ્પુ બનાવવા માટે એક મગ કે બોટલમાં એક કપ રાઇસ વોટર (પ્લેઇન કે ફર્મેન્ટેડ), એક ટીસ્પૂન શિકાકાઈ પાવડર, ૧/૨ કપ ઓલેવેરા જ્યુસ, એક-બે ટેબલસ્પૂન બેબી શેમ્પુ (ઓપ્શનલ) મિક્સ કરો. વાળને ભીના કરી ધીરે ધીરે રાઇસવોટર શેમ્પુ રેડો. વાળમાં મસાજ કરી વાળ ધોઈ નાંખો. બાકીનું શેમ્પુ ફ્રીઝમાં એક અઠવાડિયું રહે છે. રાઈસવોટરથી અઠવાડિયમાં ત્રણ વખત મોઢું ધોવાથી પણ ત્વચા સોફ્ટ બને છે.

ફર્મેન્ટેડ રાઇસ વોટર હેર રિન્સ

એક મગ અથવા બોટલમાં એક કપ ફર્મેન્ટેડ રાઇસવોટર, એક કપ પાણી અને પાંચ ટીપાં રોઝમેરી અથવા લવેનડર એસેન્શિયલ ઓઇલ મિક્સ કરી બરાબર હલાવો. વાળમાં શેમ્પુ કર્યા બાદ વાળમાં આ રાઇસવોટર નાંખી હળવેથી વાળમાં મસાજ કરી ચાર-પાંચ મિનિટ રહેવા દો. પછી પાણીથી વાળ બરાબર ધોઈ નાંખો. અઠવાડિયે એક વાર લાસ્ટ રિન્સ તરીકે એનો ઉપયોગ કરો. વાળ વધારવા માટે તમે રાઇસવોટરનો હેરમાસ્ક તરીકે પણ ઉપયોગ કરી શકો. માથામાં રાઇસવોટરથી મસાજ કરી પંદર મિનિટ બાદ વાળ ધોઈ નાંખો.

ફેસિયલ ક્લિન્ઝર – ટોનર

ચહેરા પર રાઇસવોટર લગાડી થોડી વાર મસાજ કરો. તમે થોડી વાર રાખી શકો અથવા તરત ઠંડા પાણીથી ધોઈ શકો. નિયમિત લગાડવાથી તમને પોતાને જ તમારી ત્વચા મુલાયમ, સ્મૂધ અને ગ્લોઇંગ લાગશે. રાઇસ વોટરનો ટોનર તરીકે પણ ઉપયોગ કરી શકાય. ચહેરો ધોઈ એ અન્ય ટોનરની જેમ જ લગાડી દો. છિદ્રો ઓછા દેખાશે અને ત્વચા ટાઇટ થશે.

એજીંગ અને એજ સ્પોટ્સ

રાઇસ વોટરમાં વિટામિન ઇ અને અસરકારક એન્ટિઓક્સિડન્ટ ફેરુલિક એસિડ હોય છે. ફેરુલિક એસિડ સ્કીન એજીંગ અટકાવે છે અને એજ સ્પોટસ ઘટાડે છે. ૧/૨ ટી સ્પૂન રાઇસવોટરમાં બે ટીપાં બદામનું તેલ મિક્સ કરી ચહેરા અને ગરદન પર લગાડી રહેવા દો.

રાઇસ બોડી સ્ક્રબ

વધેલા ભાતને ફેંકી ન દો. નરિશિંગ બોડી સ્ક્રબ બનાવવા એને વાટી નાંખો. તમારી ત્વચા અનુસાર તમે એમાં બીજી સામગ્રી ઉમેરી શકો.

સોફ્ટ, સ્મૂધ અને ડાઘારહિત ત્વચા માટે વાટેલા ભાતમાં બે-ત્રણ ટીસ્પૂન ઓલિવ કે કોકોનટ ઓઇલ, એક ટેબલસ્પૂન સંતરાની છાલનો પાઉડર અને થોડા ટીપાં એસેન્શિયલ ઓઇલ (લવેન્ડર, કેમોમાઇલ) નાખી બરાબર મિક્સ કરો. એનો અઠવાડિયે કે પખવાડિયે એક વાર બોડી સ્ક્રબ તરીકે ઉપયોગ કરો.

રાઇસ વોટરના ફાયદા

• જ્યારે તમે વાળમાં ચોખાનું પાણી લગાડો છો ત્યારે ત્યારે એ વાળમાં ફ્રિકશન ઘટાડે છે તેમજ ઇસાસ્ટિસ્ટીટી વધારે છે એટલે વાળમાંથી ગૂંચ કાઢવાનું અને વાળ ઓળવાના એકદમ સરળ થઈ જાય છે અને વાળ તૂટતાં નથી.

• રાઇસવોટરમાં ઇનોસીટોલ (કાર્બોહાઇડ્રેટ) હોય છે જે ડેમેજડ હેરને રીપેર કરે છે. વાળ ધોયા બાદ પણ એ વાળમાં જ રહી વાળનું રક્ષણ કરે છે.

• રાઇસવોટરમાં એમિનો એસિડ હોય છે જે વાળનાં મૂળને મજબૂત કરી વાળને વોલ્યુમ અને લસ્ટર આપે છે.

• વાળમાં જૂ થઈ છે? ચોખામાં રહેલા સ્ટાર્ચથી જૂ તરત જ મરી જશે.

• રાઇસવોટરના ઉપયોગથી ખોડો પણ દૂર થાય છે.

• સ્પ્લીટ એન્ડસની સમસ્યા છે? તમારા વાળને પ્રોટીનની જરૂર છે. રાઇસવોટરમાં એ ભરપૂર માત્રામાં હોય છે. તમારા સ્પ્લીટ એન્ડસને ૧૫-૨૦ મિનિટ પાણીમાં બોળી વાળ ધોઈ નાખો. ધીરે ધીરે તમને ફેર માલૂમ પડશે.

• ખુલ્લાં છિદ્રોને બંધ કરવા માટે પણ રાઇસવોટરનો ઉપયોગ કરી શકાય કારણ કે એ એસ્ટ્રિન્જન્ટ તરીકે કામ કરે છે. રાઇસવોટરને ફ્રીઝમાં રાખો. પછી રૂથી ચહેરા પર લગાડી ૧૦ મિનિટ બાદ પાણીથી ચહેરો ધોઈ નાખો.

• રાઇસવોટરની કુલીંગ ઇફેક્ટને લીધે સનબર્નમાં એ લગાડવાથી રાહતલ મળે છે.

• રેશીસ અને સ્ક્રીન ઇન્ફલેમેશનમાં પણ રાઇસવોટર ફાયદાકારક છે. અસરગ્રસ્ત ભાગ પર રૂથી એ લગાડી સુકાવા દો. ત્યાર બાદ પાણીથી ધોઈ નાખો.

• રાઇસ વોટરમાં બ્લીચીંગુના ગુણો પણ છે. ચહેરા અને ગરદન પર લગાડી દસ મિનિટમાં ધોઈ નાખો. એનાથી તમારો વાન લાઇટ થશે.

ફર્મેન્ટેડ રાઇસવોટર કેવી રીતે બનાવશો?

• ૧/૨ કપ પ્રિઝર્વેટિવ ફ્રી ચોખો લો. તમે બાસમતી, જાસ્મીન, કમોદ કોઈ પણ ચોખા લઈ શકો.

• ચોખાને બરાબર ધોઈ નાખો. ચોખાને ત્રણ કપ પાણીમાં ૨૦ મિનિટ પલાળી રાખો.

• પાણીને ગાળી ચોખ્ખી બોટલમાં ભરી દો.

• પાણીની સપાટી પર પરપોટા થવા માંડે ત્યાં સુધી રૂમના તાપમાને રાખો. ફર્મેન્ટેડ રાઇસવોટર બનતાં તપામાનને આધારે એકથી ચાર દિવસ લાગશે.

• વધેલા ચોખાને માસ્ક અને સ્ક્રબ બનાવવા વાટી લો. અઠવાડિયામાં બે વખત વાટેલા ચોખાથી સ્કિનને સ્ક્રબ કરવાથી ત્વચા ચમકીલી અને સોફ્ટ બનશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter