લતીશા અન્સારીએ ઓક્સિજન સિલિન્ડર સાથે વ્હીલચેર પર બેસીને યુપીએસસીની પરીક્ષા આપી

Friday 07th June 2019 08:06 EDT
 
 

યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા પાસ કરીને આઈએએસ, આઈપીએસ ઓફિસર બનવું સરળ નથી. જોકે લતીશા માટે તો તે અન્ય વિદ્યાર્થીઓ કરતાંય વધુ અઘરું છે છતાં કેરળની ૨૪ વર્ષની લતીશા અન્સારીએ પોતાનું લક્ષ્ય પામવા આ પરીક્ષા આપી છે. રવિવારે બીજી જૂનના રોજ લેવાયેલી પ્રિલિમનરી એક્ઝામમાં લતીશા પણ પરીક્ષાર્થી હતી. સામાન્ય પરીક્ષાર્થી કરતાં લતીશાની પરિસ્થિતિ જરા અલગ હતી. કોટ્ટયમ શહેરની લતીશાને રેર બોન ડિસઓર્ડર છે તેથી તેણે વ્હીલચેર પર બેસીને પરીક્ષા આપી હતી. ઉપરાંત તેને શ્વાસોચ્છ્વાસની તકલીફ હોવાથી ૨૪ કલાક તેને ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે છે.

હાડકાં અને શ્વાસની બીમારી

લતીશા અન્સારી જન્મથી જ ટાઈપ-૨ ઓસ્ટીઓજિનેસિસ ઇમપેર્ફેક્ટા રોગથી પીડાઈ રહી છે. તેને ‘બ્રિટલ બોન ડિસઓર્ડર’ પણ કહેવાય છે. આ રોગમાં હાડકાં ખૂબ જ નબળાં હોય છે અને તે સરળતાથી ભાંગી જાય છે. ઉપરાંત છેલ્લાં એક વર્ષથી તે પલ્મનરી હાયપરટેન્શનનો પણ શિકાર બની છે. આ બીમારી હાઈ બ્લડ પ્રેશરનો એક પ્રકાર છે. તેમાં ફેફસાંની ધમનીઓ સાંકળી અથવા બ્લોક થઇ જાય છે, જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. માટે લતીશાને ૨૪ કલાક ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે છે.

મક્કમ મનોબળ

આવી બીમારીઓનો શિકાર હોવા છતાં લતીશા અન્સારીનું મનોબળ ખૂબ જ મજબૂત છે. તેનું એક્ઝામ સેન્ટર તિરુવનંતપુરમમાં હતું. યુપીએસસી પ્રિલિમ્સ એક્ઝામ માટે તે છેક કોટ્ટયમથી ૧૪૫ કિલોમીટર દૂર તિરુવનંતપુરમ આવી હતી. તે આ પરીક્ષા માટે છેલ્લા દોઢ વર્ષથી મહેનત કરતી હતી. તેણે માસ્ટર્સ કર્યું છે. યુપીએસસી એક્ઝામમાં તેણે મલયાલમ ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે રાખ્યો હતો. તેણે જણાવ્યું કે, પેપર સરળ હતું. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે હું પાસ થઇ જાઉં.

કલેક્ટરની મદદ

કોટ્ટયમ જિલ્લા કલેક્ટર પી આર સુધીર બાબુને જ્યારે લતીશાની હાલતની ખબર પડી ત્યારે તેમણે તેની મદદ કરવાનું નક્કી કરી લીધું. પરીક્ષા ખંડની અંદર તેને એક પોર્ટેબલ ઓક્સિજન કોન્સટ્રેટર અપાયો હતો. પરિણામે પરીક્ષા ખંડમાં એક વ્યક્તિ ઓક્સિજન સિલિન્ડરનું ધ્યાન રાખતી રહી, જેથી લતીશા કોઈ ફિકર વગર પેપર લખી શકે. આ સેવા બદલ લતીશા પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવ્યો નહોતો.

પરિવારની હૂંફ

લતીશાને તેની બીમારીને કારણે અત્યાર સુધી ૪૦૦ જેટલાં ફ્રેક્ચર થયાં છે. લતીશાના પિતા તેની આવી હાલતને કારણે તેને તેડીને સ્કૂલે મૂકવા જતા હતા. યુપીએસસી એક્ઝામ માટે તેનાં માતા-પિતા બે ઓક્સિજન સિલિન્ડર સાથે પરીક્ષા સેન્ટર પર આવ્યા હતાં. લતીશાનો ઓક્સિજન સિલિન્ડર સહિતનો દર મહિનાનો ખર્ચ રૂ. ૨૫૦૦૦ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter