લેમન મેનિક્યોરથી હાથની ત્વચાને હસતી રાખો

Tuesday 22nd January 2019 03:24 EST
 
 

મહિલાઓ અને યુવતીઓ ખાસ કરીને ચહેરાની ત્વચાની વધુ માવજત કરતી હોય છે. ફેશિયલ ક્લિન અપ દ્વારા તેઓ ચહેરાને ચમકતો રાખે છે. ઘરકામ કરવાથી કે હાથ હંમેશાં ખુલ્લા રહેવાથી હાથની ત્વચા સૂકી બનતી હોય છે. હાથમાં ઓછી તેલ ગ્રંથિ હોવાને કારણે આપણી આંગળીઓ બહુ જલ્દી સૂકાઇ પણ જાય છે. રોજ ધૂળ અને માટીના સંપર્કમાં આવતા આપણા હાથને એક સારા મેનિક્યોરની જરૂર રહેતી હોય છે. જેનાથી નખની યોગ્ય દેખરેખ થઇ શકશે અને તે ચમકીલા બનશે. તમે ઇચ્છો તો તમારા ઘરમાં પણ મેનિક્યોર કરી શકો છો. જેમાં વધુ સમય પણ લાગતો નથી અને બહુ ખર્ચ પણ થતો નથી. વળી, તે અત્યંત પ્રભાવશાળી પણ રહેશે. ઘરમાં ઉપલબ્ધ ચીજો દ્વારા કરવામાં આવતું મેનિક્યોર લાંબા ગાળા માટે લાભદાયક પણ હોય છે. તો જાણીએ હાથને હસતા રાખવા અને નખને ચમકીલા બનાવવા ઘરે કેવા પ્રયોગો કરી શકો છો...

  • જો તમે હાથની સંભાળ માટે રેગ્યુલર વધુ કંઇ ન કરી શકતા હો તો માત્ર લીંબુની સ્લાઇઝ કરી લો અને તેની સ્લાઈઝને હાથ તથા નખના ભાગે ઘસી નાંખો. એ પછી તમારા નખને બે ચાર મિનિટ માટે ગરમ પાણીમાં રાખી મૂકો. બીજી સ્લાઈઝથી હાથ પર મસાજ કરતા રહો. આનાથી આંગળીઓની કાળાશ દૂર થશે. આમ કર્યા બાદ તમારી આંગળીઓ ચોખ્ખા ગરમ પાણીથી ધોઇ લો અને ક્રીમ લગાવી લો.
  • લીંબુ - મીઠું મેનિક્યોરમાં લીંબુ ઘસતી વખતે તમારા નખ પર થોડું મીઠું છાંટો અને આંગળીઓની આસપાસની મૃત ત્વચાને સાફ કરી લો. તમે ગરમ પાણીમાં મીઠું અને લીંબુ મિક્સ કરીને પણ તેમાં તમારી આંગળીઓને પાંચથી સાત મિનિટ માટે ડુબાડી શકો. એ પછી મુલાયમ દાંતા વાળા બ્રશ કે ટૂથબ્રશથી નખ અને હાથ સાફ કરી દો.
  • જો તમારી ત્વચા ડ્રાય રહે છે તો લીંબુથી મેનિક્યોર કરતી વખતે તેમાં ચાર પાંચ ટીપા ગ્લિસરિન ઉમેરી દો. આ મિશ્રણમાં તમે તમારી આંગળીઓ પાંચથી સાત મિનિટ સુધી રાખો અને મૃત ત્વચાને સાફ કરી દો. માત્ર લીંબુના પ્રયોગથી ત્વચા ડ્રાય થઇ જવાનો ડર રહે છે માટે જો ગ્લિસરિનનો ઉપયોગ કરશો તો તમારા નખ ચમકી ઉઠશે.
  • તમે લીંબુ અને ખાંડના પ્રયોગથી મેનિક્યોર કરી શકો છો. લીંબુ અને ખાંડનું મિશ્રણ કરીને હાથ અને નખને સ્ક્રબ કરી શકો છો. પાંચેક મિનિટ સ્ક્રબિંગ પછીથી હાથને હુંફાળા પાણીથી ધોઈ લો.
  • લીંબુના એક ચમચી રસ સાથે અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. ટૂથબ્રશથી આ મિશ્રણ હાથ અને નખ પર લગાવી લો. પાંચેક મિનિટ સુધી બ્રશ હળવા હાથે ઘસો. નખમાંથી મેલ કાઢી નાંખો. એ પછી ગરમ પાણીમાં હાથ ધોઈ લો હાથ ચોખ્ખા થઈ ગયા હશે.

comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter