વિન્ટરમાં ટ્રેન્ડી અને ફેશનેબલ લુક આપશે સ્વેટર

Wednesday 18th January 2023 05:00 EST
 
 

ઠંડીમાં સ્વેટર તો બધા પહેરે છે પરંતુ એમાં અલગ અલગ સ્ટાઇલ અને ડિઝાઇન સામેલ હોય છે. વાત જ્યારે સ્વેટરની ડિઝાઇનની આવે છે ત્યારે બહુ ઓછા લોકો તેનાથી વાકેફ હોય છે. અલગ અલગ ડિઝાઇનમાં મળતાં આ સ્વેટરનાં નામ પણ ખાસ હોય છે. હજુ સુધી ફક્ત ટર્ટલ નેક સ્વેટર કે કાર્ડિગન વિશે જ સાંભળ્યું હશે. તો આજે આપણે સ્વેટરમાં મળતી વેરાઇટી વિશે જાણીશું.
• કાર્ડિગનઃ કાર્ડિગન સ્વેટર વિશે તમે જાણતાં જ હશો. મોટા ભાગની મમ્મીઓ આ પ્રકારનાં સ્વેટર પહેરવાનું પસંદ કરે છે. સિમ્પલથી ફ્રન્ટ બટનવાળા અને ફુલ સ્લીવવાળા આ સ્વેટરનો ટ્રેન્ડ ક્યારેય આઉટ ઓફ ફેશન થતો નથી. આ ઉપરાંત ઓપન કાર્ડિગનને ઓપન સ્વેટર પણ કહેવામાં આવે છે. જોકે આ કાર્ડિગનમાં પણ બહુ બધી ડિઝાઇન આવે છે.
• પુલઓવર સ્વેટરઃ પુલઓવર સ્વેટરમાં એક પણ બટન લાગેલું હોતું નથી. પુલઓવર સ્વેટર જોવામાં પણ બહુ ક્લાસી લાગે છે. ટીનએજર્સ કોલેજ ગોઇંગ તથા વર્કિંગ વુમન માટે પુલઓવર સ્વેટર બેસ્ટ ઓપ્શન છે. આ સ્વેટરને પોતાના વોર્ડરોબમાં જરૂર સામેલ કરો.
• ક્રૂ નેક સ્વેટરઃ વીસમી શતાબ્દીની શરૂઆતમાં ત્વચાની બળતરાને રોકવા માટે એથ્લેટિક્સ દ્વારા પહેરવામાં આવતાં સ્પોટર્સ સ્વેટર થકી ક્રૂ નેક સ્વેટરનો ઉદભવ થયો હતો. આજે આ સ્વેટર યુવતીઓમાં બહુ પોપ્યુલર છે. ક્રૂ નેક સ્વેટર એક ગોળ નેકલાઇન અને કલર વગરનું હોય છે. જે કેઝ્યુઅલ કર્યાં વગર રિલેક્સ લુક આપે છે. તમે જ્યારે ડ્રેસઅપ કરવા ઇચ્છો છો ત્યારે ક્રૂ નેક સ્વેટરને કેરી કરી શકો છો.
• વી નેક સ્વેટરઃ સ્વેટરના નામ ઉપરથી ખબર પડે છે કે આ સ્વેટરનું નેક વી શેપનું હોય છે. વી નેક સ્વેટરને તમે ટોપની સાથે પહેરી શકો છો. વી નેક સ્વેટરને કેઝ્યુઅલ લુક માટે પણ કેરી કરી શકાય છે. તમે જ્યારે વી નેક સ્વેટર પહેરો ત્યારે તેને પેન્ટમાં ટક કરી લો, ક્લાસી લુક આપશે.
• ટ્યૂનિક સ્વેટરઃ ટ્યૂનિક સ્વેટરને આજની યુવાપેઢી હંમેશાં શર્ટના રૂપમાં પહેરવાનું પસંદ કરે છે. ટ્યૂનિક સ્વેટર પોતાના શેપને કારણે અન્ય સ્વેટર્સ કરતાં ઘણું અલગ છે.
• ટર્ટલ નેક સ્વેટરઃ જે સ્વેટરનો કોલર હાઇ હોય તેને ટર્ટલ નેક સ્વેટર કહેવામાં આવે છે. આમાં ગરદન સંપૂર્ણ કવર થાય છે. આ સ્વેટરને રોલ નેક અથવા પોલો નેક પણ કહેવામાં આવે છે. ઘણાં લોકો ટર્ટલ નેકને મોક ટર્ટલ નેક સ્વેટર સમજે છે, પરંતુ આ બંને સ્વેટર અલગ છે.
• મોક ટર્ટલ નેક સ્વેટરઃ મોક ટર્ટલ નેક સ્વેટર ગળાથી થોડું નમી જાય છે. આ પ્રકારનાં સ્વેટરને લોકો નોર્મલ સ્વેટર સમજે છે, પરંતુ આ એકદમ અલગ છે. મોક ટર્ટલ નેક સ્વેટરને ઓફિસ આઉટફિટમાં સામેલ કરી શકો છો. આ સ્વેટરથી ઓફિસ લુક વધારે નિખરે છે.
• બોયફ્રેન્ડ સ્વેટરઃ બોયફ્રેન્ડ જિન્સની જેમ બોયફ્રેન્ડ સ્વેટર પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. પહેરવામાં લૂઝ એવું આ સ્વેટર ટ્રેન્ડમાં છે. તેને તમે દોસ્તો સાથે આઉટિંગ પર જવા માટે પહેરી શકો છો. આ સ્વેટર તમને એલિગન્ટ લુક આપશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter