શિક્ષિત મહિલાઓ અને લગ્ન વિના માતૃત્વ

Wednesday 10th November 2021 10:02 EST
 
 

લંડનઃ યુનિવર્સિટીનું શિક્ષણ મેળવેલી મહિલાઓ લગ્ન કરવા અગાઉ પ્રથમ સંતાનને જન્મ આપે તેવી શક્યતા છ ગણી હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. અમેરિકામાં લાંબો સમય ચાલેલા ત્રણ વસ્તી સંબંધિત સર્વેના તારણો અનુસાર ૧૯૯૬માં માત્ર ૪ ટકા મહિલાઓ લગ્ન વિના બાળકને જન્મ આપતી હતી તેની સરખામણીએ વર્તમાનમાં ૩૦-૩૮ વયજૂથની લગભગ ૨૪.૫ ટકા ડીગ્રીધારી મહિલાઓ લગ્ન વિના બાળકને જન્મ આપે છે. આમાંથી અડધાથી વધુ મહિલાઓ તે સમયે પાર્ટનર સાથે રહેતી હતી.
સંશોધકોનું કહેવું છે કે યુનિવર્સિટીનું શિક્ષણ મેળવેલી મહિલાઓમાં લગ્ન કર્યા પછી પરિવાર શરૂ કરવાની પરંપરાથી તદ્દન અલગ ઐતિહાસિક અભિગમ વધી રહ્યો છે. મેરીલેન્ડમાં જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં સોસિયોલોજિસ્ટ પ્રોફેસર એન્ડ્રયુ ચેર્લિનના વડપણ હેઠળના અભ્યાસના તારણોમાં જણાવાયું છે કે લગ્ન વિના પ્રથમ બાળકને જન્મ આપવાનું પ્રમાણ તમામ શૈક્ષણિક સ્તરે વધ્યું છે પરંતુ, યુનિવર્સિટીની ડીગ્રીઓ ધરાવતી સ્ત્રીઓમાં તેનું પ્રામણ સૌથી વધુ છે. હાઈ સ્કૂલ ડીગ્રી નહિ ધરાવતી આશરે ૮૫.૫ ટકા મહિલાએ પ્રથમ બાળકના જન્મ વખતે લગ્ન કરેલા ન હતા. જ્યારે ૬૧.૮ ટકા નવી અપરિણીત માતાએ ઓછામાં ઓછું હાઈ સ્કૂલનું શિક્ષણ મેળવ્યું હતું.
ચેર્લિને જણાવ્યું હતું કે આ તારણો દર્શાવે છે કે શિક્ષિત લોકોના જીવનમાં લગ્નની ભૂમિકા બદલાઈ રહી છે. જર્નલ પ્રોસિડિંગ્સ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ યુનિવર્સિટી ડીગ્રી સાથેની સ્ત્રીઓ તેમના બીજાં બાળકના જન્મ વખતે પરણેલી હોવાની વધુ શક્યતા છે. કોલેજમાં શિક્ષિત મહિલાઓ પ્રથમ બાળકને જન્મ આપે તેમાંથી ૧૮થી ૨૭ ટકા અપરિણીત હોય છે.
યુએસમાં કોલેજમાં શિક્ષિત યુવા વયસ્કોમાં સંબંધો લગ્નમાં પરિણમે તેની સંખ્યા વધી રહી છે પરંતુ, બાળક લગ્ન પછી આવવાના બદલે લગ્ન પહેલા આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. આ પરિવર્તન પાછળ વિદ્યાર્થી અવસ્થામાં લોન્સ જેવું દેવું તેમજ ડીગ્રી મેળવ્યા પછી ઓછાં આર્થિક વળતર તેમજ લગ્ન કર્યા વિના સાથે રહેવા અને માતાપિતા બનવાના બદલાઈ રહેલા સાંસ્કૃતિક વલણો સહિતના કારણો છે. એક પેઢી અગાઉના સમયની સરખામણીએ લગ્ન વિના સાથે રહીને પેરન્ટ બનવાનું વધુ સ્વીકાર્ય બની રહ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter