સસ્તી સુંદર અને ટકાઉ વાંસની જ્વેલરી

Tuesday 22nd May 2018 06:57 EDT
 
 

દરેક મહિલા અને યુવતીઓને નીતનવા ઘરેણાં પહેરવા ખૂબ જ પસંદ હોય છે. તેમના ઘરેણાંના વોર્ડરોબમાં અનેક જાતની અને યુનિક ચીજવસ્તુઓ હોય તો તે તેમને ખૂબ જ ગમે છે. લાકડા, પથ્થર, જ્યુટથી માંડીને લોકોમાં આજકાલ વાંસના ઘરેણાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. સૌથી સારી વાત એ છે કે વાંસના ઘરેણાં સસ્તા સુંદર અને ટકાઉ હોય છે અને તે ટ્રેડિશનલ તથા યુનિક પણ લાગે છે.

બામ્બુ પર કોઈ પણ જાતની પ્રોસેસ કર્યા વગર રફ બામ્બુમાંથી પણ સીધેસીધી જ્વેલરી બનાવવામાં આવે છે. જે લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહી છે. બામ્બુના બે સરખા કટકા કરીને નીચે મોતી કે પથ્થર પરોવીને વાયર કે તારને બામ્બુમાંથી સીધો પસાર કરવામાં આવે છે. આ પ્રકારની એરિંગ ખૂબ જ સરસ લાગે છે. બામ્બુના કટકા કરીને તેમાંથી દોરી પસાર કરીને ગળામાં પહેરવાની માળા બનાવવામાં આવે છે તે પણ ટ્રેડિશનલ લુક આપે છે. બામ્બુના ગોળી કટકા અને પથ્થરમાં કાણા પાડીને તેના કોમ્બિનેશનથી બનાવેલી જ્વેલરીની પણ અત્યારે બોલબાલા છે. એવી જ રીતે રો બામ્બુની સાઈઝના જ અલગ અલગ આકારના મોતી લઈને તેમાંથી પણ જ્વેલરી બનાવી શકાય છે. આ પ્રકારની જ્વેલરી સામાન્ય રીતે હેવિ બને છે. કારણ કે તેમાં વાંસની સાઈઝના જ મોતી કે પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે.

ગૂંથીને બનાવાય

વાંસના ઘરેણા વાંસની છાલ કાઢી કાઢીને એને ગૂંથી ગૂંથીને પણ બનાવી શકાય છે. ગૂંથીને બનાવેલાં એરિંગ, ગળાનું નેકલેસ, પગની પાયલ, હાથનું બ્રેસલેટ ખૂબ જ સુંદર લાગે છે અને તે ટ્રેડિશનલ લુક પણ આપે છે. ગૂંથીને બનાવેલા ઘરેણામાં મોતી પરોવી શકાય છે અને ડાયમંડ પણ લગાવી શકાય છે. ગૂંથીને હેવિ અને ડેલિકેટ બન્ને પ્રકારની જ્વેલરી તૈયાર થઈ શકે છે.

કલર કરી શકાય

વાંસનાં એરિંગ, સ્ટડ, બ્રેસલેટ, પાયલ ગળાના નેકલેસને તમે મનગમતો રંગ કરીને રંગીન એક્સેસરી બનાવી શકો છો. તમારા કોઈ ડ્રેસ સાથે જો તાત્કાલિક બજારમાંથી મેચિંગ જ્વેલરી ન મળે અને તમારી પાસે વાંસની જ્વેલરી રેડી હોય તો તેના પર તમે તાત્કાલિક રંગ કરીને પણ મેચિંગ જ્વેલરી બનાવી શકો છો. વાંસની જ્વેલરીમાં ડાર્ક રંગના પોલકા ડોટ સ્ટાઈલ ખૂબ જ ફેમસ છે.

વિવિધ ડિઝાઈન્સ

વાંસની એક્સેસરી જુદી જુદી રીતે બનાવી શકાય છે. વાંસને કાપીને એ વાંસને જ ભૌમિતિક આકાર આપીને જ્વેલરી તૈયાર કરી શકાય છે. વાંસની પિકોક અને ફિલોરલ ડિઝાઈન ધરાવતી પ્લેન અને રંગીન જ્વેલરી તો હાલમાં બજારમાં મળી પણ રહે છે. કેરીની ભાત પાડીને બનાવેલી વાંસની જ્વેલરી પણ હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આમ વાંસ પર સુંદર કોતરણી કરીને પણ સુંદર જ્વેલરી તૈયાર થઈ શકે છે.

ધ્યાનમાં રાખવા જેવું

  • વાંસની જ્વેલરી ખરીદતાં કે પહેરતાં પહેલાં એ ખાસ ધ્યાન રાખવું કે ક્યાંય તેની ફાંસ કે ધાર રહી ન ગઈ હોય.
  • વાંસની જ્વેલરી જો કદાચ પાણીમાં ભીની થઈ હોય તો તે કોહવાઈ ન જાય તે માટે એક વખત પહેરી લીધા પછી તેને ડ્રાયરથી ગરમ હવાથી સૂકી કરી નાંખવી. ખુલ્લામાં મૂકી રાખો તો પણ વાંધો આવતો નથી.
  • બજારમાં મળતી વાંસની જ્વેલરી અંગેના રંગ વિશે જરૂરથી પૂછવું કારણ કે જો રંગ જતો હશે તો તમારા શરીર અને કપડાં પર પણ રંગ લાગી શકે છે.

comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter