સૌંદર્ય નિખારવા નારિયેળ તેલ છે ઉત્તમ સામગ્રી

Wednesday 04th October 2017 09:34 EDT
 
 

ક્યારેક સમયના અભાવે તો ક્યારેક આર્થિક સગવડના અભાવે મહિલાઓ કે યુવતીઓ નિયમિત બ્યુટી પાર્લરમાં જઈ શકતી નથી. જોકે દરેક મહિલા ઈચ્છે છે કે તે સુંદર દેખાય. સુંદર દેખાવા માટે આપણી હાથવગી વસ્તુઓમાંથી જ ફેસપેક તૈયાર કરી શકાય છે. નારિયેળ તેલ એટલે કે કોકોનટ ઓઈલ એક એવી સામગ્રી છે કે જેનાથી સરળતાથી અને ઓછા સમયમાં ત્વચા ચમકાવી શકાય છે. વળી ઘણી પ્રોડક્ટનો ઉપયોગ કરતાં પહેલાં સ્ત્રીઓને ડર રહેતો હોય છે કે તેના સાઈડ ઇફેક્ટ હશે તો ત્વચા નિખરવાના બદલે તે વધુ બગડશે, પણ કોકોનટ મિલ્ક કે ઓઈલ પ્રત્યે તમે નિશ્ચિંત રહી શકો છો. તેના સાઈડ ઈફેક્ટસ હોતી નથી. ખૂબસૂરત ત્વચા મેળવવા માટે કોકોનટ ઓઈલ સાથે અલગ અલગ સામગ્રીના મિશ્રણથી તૈયાર થતાં ફેસપેક તથા ફેશિયલની માહિતી અહીં આપવામાં આવી છે. જેના ઉપયોગથી તમે સુંવાળી તેમજ નિખરેલી ત્વચા મેળવી શકશો.

નારિયેળ તેલ અને બેકિંગ સોડા

આ એક એવું ફેશિયલ પેક છે જેને તૈયાર કરવા માટે અતિલભ્ય એવા નારિયેળ તેલ અને બેકિંગ સોડાનો જ ઉપયોગ કરવાનો રહે છે. આ પેક તૈયાર કરવા માટે બે ચમચી નારિયેળ તેલ અને એક ચમચી બેકિંગ સોડા લો. એક વાટકીમાં બંને વસ્તુઓ જણાવ્યા પ્રમાણે માપસર નાંખીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તમારા ચેહરા પર લગાડો અને પાંચ મિનિટ સુધી મસાજ કરો. મસાજ કર્યા પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ નાંખો.

નારિયેળ તેલ ત્વચાને હાઈટ્રેટ કરી નાંખે છે. આથી પેક લગાડ્યા પછી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ ન કરવો. આ પેકનો ઉપયોગ કરવાથી ખીલ, ડાઘ ધબ્બા દૂર થાય છે અને સ્કિન ચમકીલી બને છે.

મેક અપ પહેલાં

ચહેરા પર કે સ્કીન પર મેક અપ પહેલાં તમારે જેવી ત્વચા જોઈએ એવી ત્વચા અહીં દર્શાવાયેલા પેકના ઉપયોગથી થઈ શકે છે. આ સ્પેશ્યલ પેક બનાવવા માટે બે ચમચી નારિયેળ તેલ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધને લઈ લો. સૌથી પહેલાં નારિયેળ તેલને એક વાટકીમાં હળવું ગરમ કરી લો. આ હૂંફાળા તેલમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી લો. આ ફેસપેકની મસાજ પણ જરૂરી નથી. તૈયાર કરેલા પેકને ફેસ પર માત્ર પાંચ મિનિટ સુધી લગાવીને રહેવા દો. પેસ્ટ પાંચ મિનિટથી વધુ ચહેરા પર રાખવી નહીં કારણ કે તેમાં લીંબુનો રસ ભેળવેલો હોવાથી તમારી સ્કિન પર બળતરા થઈ શકે છે. તો પાંચ મિનિટ સુધી પેક રાખ્યા પછી ચહેરાને પાણીથી ધોઈ લો. ચહેરાને સહેજ હૂંફાળા પાણીથી ધોઈ લેશો તો ફ્રેશ ફિલ કરશો

નારિયેળ તેલ સાથે કેટલીક સામગ્રીઓના મિશ્રણથી આ દર્શાવાયેલા ફેસપેકનો ઉપયોગ તમે કોઈ ફંકશનમાં જતા પહેલાં અને મેક અપ લગાવતાં પહેલાં પણ કરી શકો છો. આ પેસ્ટના ઉપયોગ પછી મેક અપ કરવાથી મેક અપ વધુ ગ્લો આપશે.

ખીલ ફોલ્લી માટે

રોજિંદી જિંદગીમાં નિયમિત રીતે તમે બ્યુટી ટ્રીટમેન્ટ લઈ શકતા નથી એટલા માટે ઘરેલુ ચીજોના નિયમિત ઉપયોગથી તમે ચહેરાને ચમકાવી શકો છો. એ માટે તમારે ઘરેલુ ચીજોનો ઉપયોગ કરવાનો રહે છે અને માત્ર દસેક મિનિટ જ અઠવાડિયામાં એકાદ વખત ફાળવવાની રહે છે. સૌ પ્રથમ બે ચમચી નારિયેળ તેલમાં એક ચમચી લીંબુનો રસ ભેળવો એ પછી તેમાં એક ચમચી બટાકાનો અર્ક ભેળવો અને ત્રણેની પેસ્ટ તૈયાર કરો. તેમાં એક ચમચી ચણાનો લોટ નાંખો અને બરાબર મિક્સ કરો. એ પછી પેસ્ટ ખીલ પર લગાવો અને પાંચેક મિનિટ સુધી પેસ્ટ ચહેરા પર રહેવા દો. આ પ્રયોગ નિયમિત કરવાથી ધીરે ધીરે તમારા ચહેરા પરના ડાઘ અને ખીલ પણ દૂર થશે. અહીં નારિયેળ તેલની જગાએ તમે કોકોનટ મિલ્કનો ઉપયોગ કરી શકો છો. 


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter