સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યોઃ ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી

Saturday 09th October 2021 06:08 EDT
 
 

ગોલ્ડકોસ્ટઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાતી પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચના બીજા દિવસે સ્મૃતિ મંધાનાએ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનાર તે પહેલી મહિલા ખેલાડી બની છે તો ડે-નાઇટ ટેસ્ટમાં મેન્સ ક્રિકેટર વિરાટ કોહલી બાદ ભારતની બીજી ખેલાડી બની છે. મંધાનાએ એલિસ પેરીની બોલિંગમાં બાઉન્ડ્રી ફટકારીને માત્ર ચોથી ટેસ્ટમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી. કોહલીએ ૨૦૧૯માં બાંગ્લાદેશ સામે કોલકતા ટેસ્ટમાં ૧૩૬ રનની આકર્ષક ઇનિંગ રમી હતી. ૧૮ વર્ષની વયે ડેબ્યૂ કરનાર મંધાનાએ ૨૦૧૪માં ઇંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ ટેસ્ટમાં જ અડધી સદી ફટકારી હતી.
• ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર મંધાના પ્રથમ મહિલા ભારતીય ખેલાડી છે. આ પહેલાં સંધ્યા અગ્રવાલે મુંબઇ ખાતે ૧૯૮૪માં ઓસ્ટ્રેલિયા સામે ૧૩૪ રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયામાં હાઇએસ્ટ સ્કોર રજની વેણુગોપાલના નામે છે, જેણે ૧૯૯૧માં ૫૮ રન બનાવ્યા હતા.
• સ્મૃતિ મંધાના સહિત માત્ર ચાર મહિલા ખેલાડી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ અને વન-ડેમાં સદી ફટકારી શકી છે. મંધાના હવે ઇનિડ બ્લેકવેલ, ડેબી હોકલે તથા ક્લેર ટેલરની એલિટ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મંધાના ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વન-ડેમાં સદી નોંધાવનાર એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.
• સ્મૃતિએ સદી દરમિયાન ૭૪ ટકા જેટલા રન તો બાઉન્ડ્રી વડે જ ફટકાર્યા હતા, જે વિમેન્સ ટેસ્ટ ક્રિકેટમાં બીજી સર્વશ્રેષ્ઠ ટકાવારી છે. આ પહેલાં ચાર્લોટ એડવર્ડે ૨૦૦૬માં ટોનટોન ખાતે ભારત સામે ૧૦૫ રન બનાવ્યા હતા, જેમાં ૮૦ ટકા રન બાઉન્ડ્રી દ્વારા નોંધાયા હતા.
• સ્મૃતિએ ૫૧ બોલમાં જ પોતાની પ્રથમ અડદી સદી પૂરી કરી હતી. વિમેન્સ ટેસ્ટમાં આ બીજા ક્રમની ફાસ્ટેસ્ટ અડધી સદી નોંધાઈ છે. આ પહેલાં ભારત માટે સંગીતા ડાબિરે ૧૯૯૫માં ઇંગ્લેન્ડ સામે માત્ર ૪૦ બોલમાં અણનમ ૫૦ રન ફટકાર્યા હતા.
• પ્રવાસી ઓપનર્સ તરીકે સદી ફટકારનાર સ્મૃતિ મંધાના આઠમી ક્રિકેટર બની છે. આ પહેલાં માત્ર ઇંગ્લેન્ડની સાત ખેલાડીઓએ સદી ફટકારી હતી. ઓપનર તરીકે મંધાનાની ૧૨૭ રનની ઇનિંગ હાઇએસ્ટ રહી છે. આ પહેલાં ૧૯૪૯માં મોલી હાઇડે સિડની ખાતે અણનમ ૧૨૪ રનની ઇનિંગ રમી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter