૩ સુરતી બાઇકિંગ ક્વિન્સ ૩ ખંડ અને ૨૫,૦૦૦ કિમીની યાત્રા કરશે

Wednesday 05th June 2019 08:04 EDT
 
 

સુરતઃ સુરતની બાઈકિંગ ક્વિન્સ હવે ૨૫થી વધુ દેશના પ્રવાસે જઈ રહી છે. તેની સાથે સુરતની જ અન્ય બે યુવતીઓ પણ છે. લગભગ ત્રણ મહિને આ યાત્રા લંડનમાં પૂરી થશે. એશિયા, યુરોપ અને આફ્રિકામાં આ ત્રણ ખંડ બાઈકિંગ ક્વિન્સ પસાર કરશે. મહિલા બાઈકર્સે અગાઉ જણાવ્યું હતું કે, તેઓ બાઈક રેલીનું પ્રસ્થાન ૫મી જૂને ઉત્તર પ્રદેશની વારાણસી નગરીથી કરશે. તેઓને ખુશી છે કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ રેલીને ફ્લેગ ઓફ માટે તૈયાર થયા છે.
ડો. સારિકા મહેતાની સાથે ૨૫ દેશની આ યાત્રામાં ગૃહિણી જીનલ શાહ અને વિદ્યાર્થિની ઋતાલી પટેલ છે. યાત્રા અંગે ડો. મહેતાએ આયોજન અંગે જણાવ્યું હતું કે, અમે કાશી વિશ્વનાથના આશીર્વાદથી યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે પશુપતિનાથ સુધી પહોંચીશું. અમે હિમાલયથી તળેટીથી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીની ઊંચાઈ ઉપર અને અને કીર્ગીસ્તાન, ઉઝબેકિસ્તાનના રણ પ્રદેશમાં પણ બાઈક ઉપરથી પસાર થઈશું.
એશિયા અને યુરોપના દેશની સાથે અમે આફ્રિકાના મોરોક્કો પણ જવાના છીએ. ૨૫થી વધુ દેશ આ સફરમાં આવશે. આ વખતે અમારી સાથે યુનાઈટેડ નેશન વુમન જોડાયું છે. જીનલ શાહ અને ઋતાલી પટેલની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય રાઈડિંગ છે. જીનલ જેનિશ શાહ ગૃહિણી છે અને બે બાળકોની માતા છે. ઋતાલી દિલીપ પટેલ બીસીએ ભણેલી છે અને હવે એમબીએ કરી રહી છે. જીનલ અને ઋતાલીએ જણાવ્યું હતું કે આ યાત્રા માટે અમે એક વર્ષ અગાઉથી તૈયારી શરૂ કરી હતી. અલગ અલગ વાતાવરણમાં રહેવું પડશે. સ્થાનિક પાણી અને ભોજન લેવું પડશે. અમે ત્રણેય શુદ્ધ શાકાહારી છીએ એટલે ભોજનના પ્રશ્નો વધુ નડશે. ભારતના સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગષ્ટની ઊજવણી સ્પેનના બાર્સેલોનામાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને કરીશું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter