આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો યુગ આવી રહ્યો છે ત્યારે અન્ય બિઝનેસીસને AI અને બ્લોકચેઈન ટેકનોલોજીસનો ઉપયોગ કરવામાં મદદ કરી રહેલી નિષ્ણાત એંગ્લો-ઈન્ડિયન કંપની સિસ્ટેન્ગો (Systango)ની ભારતવંશી સહસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ વિનિતા રાઠીએ ડિસેમ્બર મહિનામાં મહિલા ઉદ્યોગસાહસિકોની સિદ્ધિઓને બિરદાવતા ભોજન સમારંભમાં તે પોતાની કંપનીના વિકાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે બાળકોની સારસંભાળ લેનારી આયાઓનો ખાસ આભાર માન્યો હતો.
વિનિતા રાઠી અને તેમના પતિ નીલેશે લંડનમાં 2012માં સિસ્ટેન્ગોની સ્થાપના કરી ત્યારે તેમના પુત્રની વય માત્ર એક વર્ષની હતી અને તેઓને ચાઈલ્ડકેર માટે મદદ લેવાનું પોસાય તેમ ન હતું. યુકેમાં તેમને મદદ કરી શકે તેવા પારિવારિક સભ્યો પણ ન હતા અને ઘણી વખત કંપનીમાં પેરોલ માટે પૂરતાં નાણા ન હોય તેવો પણ સમય આવ્યો હતો. વિનિતા કહે છે કે,‘મને યાદ છે કે હું વહેલી સવારે 5 વાગ્યે ઉઠી જતી અને ભારતમાં મારી ટીમ સાથે ત્રણ કલાક કામ કરતી, મારો પુત્ર જાગે ત્યારે તેની સાથે થોડો સમય પસાર કરતી અને તે નિદ્રાધીન હોય ત્યારે રાત્રે યુએસના ક્લાયન્ટ સાથે ફોન પર વાતચીત કરતી હતી. એવો પણ સમય હતો જ્યારે અમે દિવસના 18થી 20 કલાક કામ કરતા હતા અને અમારા દરેક ખર્ચ પર બારીકાઈથી નજર રાખતા હતા.’ બે વર્ષ પછી રાઠી દંપતી આયાને રાખવા માટે સક્ષમ થયા તે બાબતે આખી પરિસ્થિતિને પલટાવી નાખી. રાઠી યાદ કરે છે કે,‘આયાએ મારા પુત્રની સંભાળ પોતાના જ બાળકની જેમ રાખી હતી અને તેની મદદ વિના હું આજના સ્થાને પહોંચી શકી હોત તેવું મને જરા પણ લાગતું નથી.’
આજે રાઠી દંપતીના બે પુત્રો 13 અને 6 વર્ષના છે જ્યારે તેમનું ‘ત્રીજું બાળક’ સિસ્ટેન્ગો પણ મોટું થઈ રહ્યું છે. તેમની કંપનીમાં 350 લોકો કામ કરે છે જેમાંથી મોટા ભાગના ભારતના મધ્ય પ્રદેશના શહેર ઈન્દોરસ્થિત ડેવલપર્સ છે. માર્ચ 2024 સુધીના વર્ષમાં કંપનીની રેવન્યુ 5.7 મિલિયન પાઉન્ડ હતી અને ટેક્સ પહેલાનો નફો 2.2 મિલિયન પાઉન્ડ હતો. તેમની કંપની માર્ચ 2023થી નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં લિસ્ટ થયેલી છે.
વિનિતા અથવા નીલેશમાંથી કોઈ એક દર છ સપ્તાહે ઈન્દોર જાય છે ત્યારે એક જણ સાઉથ લંડનમાં તેમના નિવાસે બાળકો સાથે રહે છે. વિનિતા 9 વર્ષની હતી ત્યારથી ઈન્દોરમાં રહેતી હતી ત્યારે અવારનવારનો આ પ્રવાસ મિત્રો અને પરિવાર સાથે મેળમિલાપની તક પૂરી પાડે છે. વિનિતાબહેનને પહેલાથી જ કારકિર્દી બનાવવાનો રસ હતા પરંતુ, તે સમયના સ્થળ અને સંજોગો જોતાં આવી બાબત લગભગ અશક્ય જણાતી હતી. વિનિતા સામાન્યપણે બહાર જઈને કામ કરે તેમાં ન માનતા રૂઢિચૂસ્ત પરિવારમાંથી આવતાં હતાં પણ તેમને કાંઈક અલગ જ કરવું હતું. યુનિવર્સિટીમાં IT નો અભ્યાસ કરનારાં તેઓ પરિવારમાં પ્રથમ વ્યક્તિ હતાં જ્યાં તેમની મુલાકાત નીલેશ સાથે થઈ હતી. તેઓ 2006માં લગ્નબંધનથી જોડાયા હતા. નીલેશ કેન્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા યુકે ગયા પછી જાન્યુઆરી 2007માં વિનિતા તેમની સાથે જોડાયાં હતાં.
શરૂઆતમાં તો યુકે જવાનું તેમના માટે હંગામી હતું પરંતુ, વિનિતાને ઝડપથી ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાક્સમાં આઈટી ડેવલપર તરીકે નોકરી મળી ગઈ. યુકે ગયાં પહેલાં તેમણે આ નામ પણ સાંભળ્યું ન હતું અને ઈન્ટરવ્યૂ આપવા કંપનીના કેમ્પસમાં ગયાં ત્યાં સુધી તે આટલી વિશાળ કંપની હશે તેની કલ્પના પણ ન હતી. બેન્કના ડેરિવેટિવ્ઝ ડેસ્ક માટે સિસ્ટમ્સ બનાવવાની કામગીરી મુશ્કેલ જ હોય પરંતુ, વિનિતા સૌથી વહેલાં સવારે 7 વાગે પહોંચી જતાં અને સૌથી છેલ્લે કંપનીમાંથી બહાર નીકળતા. આવી વાત ભલે નાની જણાતી હોય પરંતુ, તેની લોકો પર છાપ અવશ્ય પડે છે. ટ્રેડર્સ તેમને મદદ માટે બોલાવતા થયા અને તેઓ કામ કરે ત્યાં સુધી વિનિતાને રાહ જોવી પડતી પરંતુ, તેમણે આ સમયનો સદુપયોગ લોકો કેવી રીતે કામ કરતા હતા તેનું નીરિક્ષણ કરવામાં કર્યો હતો. માત્ર 28 વર્ષની વયે તેમને કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પ્રમોશન મળ્યું હતું.
જોકે, આ પછી પોતાનો બિઝનેસ સ્થાપવાનું સ્વપ્ન પૂર્ણ કરવા તેમણે ગોલ્ડમેન સાક્સ છોડવાનો નિર્ણય લીધો ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. તેમની પાસે બિઝનેસની કોઈ નક્કર યોજના પણ ન હતી છતાં, જોખમ તો લેવાનું જ હતું. તેમનું પહેલું સ્ટાર્ટ-અપ Grouponજેવી ડીલ્સ વેબસાઈટ હતી પરંતુ, છ મહિના પછી તેને નિષ્ફળતા સાંપડી. હવે શું કરવી તેની વિમાસણ હતી ત્યારે ગોલ્ડમેન સાક્સના તેમના પૂર્વ સહયોગીએ ભારતમાં આઉટસોર્સિંગ ટેકનોલોજી ટીમ ઉભી કરવાનું વિચારશે કે કેમ તેવો પ્રશ્ન કર્યો. પૂર્વ સહયોગીને મોટા યુએસ એન્ટરટેઈનમેન્ટ ક્લાયન્ટ માટે નવી પ્રોડક્ટ્સ અને સર્વિસીસ આપવાનો કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો હતો. આ સિસ્ટેન્ગોનો પ્રથમ ક્લાયન્ટ હતો. વિનિતાએ કુશળ વર્કફોર્સ શોધવા તેની ઈન્દોર યુનિવર્સિટીના સંબંધો અને રિક્રુટમેન્ટ કંપનીઓનો ઉપયોગ કર્યો. બિઝનેસીસના સમય અને નાણા બચાવવા સિસ્ટેન્ગોએ AIના ઉપયોગ થકી ઓટોમેટ વીડિયો ક્રીએશનમાં મદદ તેમજ એક લો ફર્મને વધુ કાર્યક્ષમતા સાથે દસ્તાવેજો મેળવવા અને એનાલિસિસમાં મદદ સાથે બધા પ્રોજેક્ટ્સ પરિપૂર્ણ કર્યા હતા. ઈન્દોરમાં નેટવર્કના પરિણામે અન્ય પ્રોજેક્ટ્સમાં પણ મદદ મળી.
વિનિતા રાઠીની શાળાના પૂર્વ મિત્રે 2022માં સિસ્ટેન્ગો ભારતમાં લિસ્ટિંગનો આઈડિયા આપ્યો હતો. વિનિતા પ્રારંભિક ખચકાટ પછી તેના માટે તૈયાર થયાં કારણકે ભારત વિસ્તરતું અર્થતંત્ર છે અને આગામી 10-20 વર્ષોમાં ભારતના વિકાસના તેજીલા પ્રવાહ સાથે આગળ વધવા સહુ ઉત્સુક છે. પબ્લિક શેર ઓફર કરવાથી પણ કંપનીની વિશ્વસનીયતામાં વધારો થયો છે. સ્થાપકોએ બે વર્ષ અગાઉ તેમના શેરના 25 ટકા વેચાણ થકી પ્રારંભિક શેર ઓફર મારફત આશરે 3 મિલિયન પાઉન્ડ ઉભા કર્યા હતા જેનાથી કંપનીના વિકાસ માટે મૂડી પણ મળી હતી. હવે સિસ્ટેન્ગો લંડનસ્થિત નાના હરીફને હસ્તગત કરવાના આખરી તબક્કામાં છે અને આ પ્રક્રિયા જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. જો આ શક્ય બનશે તો લંડનમાં વધુ 30 અને ભારતમાં વધુ 70 કર્મચારીનો વધારો થશે. જોકે, વિનિતા કહે છે કે, ‘આ તો હજુ શરૂઆત છે અને સ્કાય ઈઝ ધ લિમિટ.’