પનીર મખની

Friday 09th December 2022 05:10 EST
 
 

સામગ્રીઃ (ગ્રેવી માટે) બે કપ સમારેલાં ટામેટાં • એક કપ સ્લાઇસ કરેલા કાંદા • અડધો કપ કાજુ • ચાર આખાં સૂકાં લાલ કાશ્મીરી મરચાં
અન્ય વસ્તુઓઃ ત્રણ ટેબલસ્પૂન માખણ • બે ટીસ્પૂન લસણની પેસ્ટ • એક નાનો તજનો ટુકડો • ત્રણ નંગ લવિંગ • એલચી • બે તમાલપત્ર • એક ટેબલસ્પૂન કસૂરી મેથી • બે ટીસ્પૂન ગરમ મસાલો • અડધો કપ ટામેટાં પ્યુરી • મીઠું સ્વાદાનુસાર • અડધો કપ વલોવેલું દહીં • એક ટીસ્પૂન સાકર • ચાર ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ • બે કપ પનીરના ચોરસ ટુકડા • ગાર્નિશિંગ માટેઃ બે ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ
રીતઃ ગ્રેવી માટેની તમામ સામગ્રીને એક પેનમાં લો અને અઢી કપ પાણી સાથે બધી વસ્તુઓ મેળવીને દસથી પંદર મિનિટ સુધી અથવા ટામેટાં બરાબર બફાઇને નરમ થાય ત્યાં સુધી બાફી લો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. તેને ઠંડું પાડ્યા પછી મિક્સરમાં ફેરવીને સુંવાળું મિશ્રણ બનાવી બાજુ પર રાખો. એક ઊંડી કઢાઇમાં માખણ ગરમ કરીને, તેમાં લસણની પેસ્ટ ઉમેરીને મધ્યમ તાપ પર થોડી સેકન્ડ સાંતળી લો. તે પછી તેમાં તજ, લવિંગ, એલચી અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકન્ડ સાંતળી લો. એ પછી તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો, ટામેટાં પ્યૂરી, તૈયાર કરેલી ગ્રેવી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર વધુ બેથી ત્રણ મિનિટ સુધી સતત હલાવતાં રહી રાંધી લો. એમાં દહીં મેળવી બરાબર મિક્સ કરીને એક મિનિટ સુધી રાંધી લો. અંતે તેમાં સાકર, પોણો કપ પાણી, પનીર અને ફ્રેશ ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ બે મિનિટ સુધી રાંધી લો. ફ્રેશ ક્રીમ વડે સજાવીને ગરમગરમ પીરસો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter