મિક્સ વેજીટેબલ પિકલ

Friday 06th April 2018 08:31 EDT
 
 

સામગ્રીઃ બેથી ત્રણ ગાજર પાતળાં અને લાંબાં સમારેલાં • એક નાનું ફ્લાવર (ફૂલ છૂટાં પાડવાં) • એક નાનો મૂળો લાંબો અને પાતળો સમારેલો • એક કાચી કેરી લાંબી અને પાતળી સમારેલી • પાંચથી છ લીંબુ (ચાર ભાગ કરવા) • સો ગ્રામ લીલાં મરચાં સમારેલાં • એક આખો લસણનો દડો (છાલ કાઢીને કળી છૂટી કરેલી) • સો ગ્રામ આદું ઝીણું સમારેલું

(મસાલા પાઉડર બનાવવા) • એક કપ લાલ મરચાંનો પાઉડર • એક કપ રાઈના કુરિયા • પોણો કપ મીઠું • એક ટેબલ-સ્પૂન મેથીનો પાઉડર • પા કપ આમચૂર પાઉડર • ત્રણ ટેબલ-સ્પૂન વરિયાળી પાઉડર • બે ટેબલ-સ્પૂન હળદરનો ભૂકો • બે ટેબલ-સ્પૂન કલોંજી (કાંદાનાં બી) • ત્રણ ટેબલ-સ્પૂન વિનેગર વાઇટ • અડધો લિટર રાઈનું તેલ

રીતઃ પીકલ બનાવતાં પહેલાં કાચની એક બરણીને ધોઈ બરાબર લૂછીને સૂકવીને તૈયાર રાખવી. આ પછી બધા જ શાકભાજીને ધોઈને કપડાં પર કોરાં કરવાં. બધી જ શાકભાજીના ટુકડા એક જ સાઇઝમાં કાપેલા હોય એ ખાસ ધ્યાન રાખવું. આ ટુકડાને અડધો દિવસ તડકામાં સૂકવવા અથવા છાંયડામાં એક દિવસ સૂકવવા. (જરા પણ ભીનાશ ન રહે એનું ધ્યાન રાખવું. ઘરે તડકો ન આવતો હોય તો માઇક્રોવેવના ટેમ્પરેચરને એક મિનિટનું કરીને સૂકવી શકો.)

આટલી પૂર્વતૈયારી બાદ, એક મોટા બાઉલમાં બધા મસાલા લઇને મિક્સ કરો. મસાલા પાઉડરમાંથી અડધો મસાલો બીજા બાઉલમાં લઈને એમાં સમારેલા શાકભાજીનો અડધો ભાગ મિક્સ કરો અને હાથેથી સરખું મિક્સ કરી બરણીમાં ભરવું. આ જ રીતે બાકી વધેલા મસાલા અને શાકભાજીને મિક્સ કરો. બધી શાકભાજી બરણીમાં ભરી લીધા પછી એમાં ઉપરથી વધેલા મસાલામાં વિનેગર ભેળવીને મિક્સ કરીને નાખો. હવે રાઈના તેલને ગરમ કર્યા બાદ ઠંડું કરો અને બરણીમાં ભરેલા શાકભાજી ઉપર રેડી દો. આ બરણીને બંધ કરી ત્રણ દિવસ સાઇડમાં રાખી દો. ત્રણ દિવસ પછી તેલ ઉપર તરવા લાગે ત્યારે બરણી ખોલીને મસાલાનો ટેસ્ટ કરવો. જો પિકલમાં મીઠું ઓછું જણાય તો ઉમેરી શકો છો. તેલ ઉપર તરવા માંડે ત્યારે સમજવું કે તમારું અથાણું તૈયાર થઈ ગયું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter