વ્યક્તિની ખાણીપીણીમાં માઈક્રોપ્લાસ્ટિક્સનાં વાર્ષિક સરેરાશ ૧૨૦,૦૦૦ પાર્ટિકલ્સ

Wednesday 12th June 2019 02:06 EDT
 
 

લંડનઃ વર્તમાન વિશ્વમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો વધી ગયો છે. એક અભ્યાસ અનુસાર સામાન્ય વ્યક્તિના ખોરાક-પાણી અને શ્વાસમાં વાર્ષિક સરેરાશ ૧૨૦,૦૦૦ પાર્ટિકલ્સનો વપરાશ થાય છે. અભ્યાસમાં માછલી, શેલફીશ, ખોરાકમાં ઉમેરાતી ખાંડ, સોલ્ટ્સ-ખનિજો, આલ્કોહોલ, નળ અને બોટલના પાણી અને હવામાં જોવા મળેલી પ્લાસ્ટિક રજકણો પર ખાસ ધ્યાન અપાયું હતું. જોકે, આ અભ્યાસની ઘણી ટીકા પણ થઈ છે.

પ્લાસ્ટિક રજકણો શરીરમાં જવાથી આરોગ્ય પર શું અસરો થાય છે તેના વિશે ખાસ જાણકારી નથી પરંતુ, કેટલીક નાની રજકણ માનવ ટિસ્યુઝમાં પ્રવેશી જાય છે જેના કારણે રોગપ્રતિકાર રીએક્શન્સ સર્જાય અથવા ઝેરી પદાર્થો ફેલાવી શકે છે.

‘એન્વિરોનમેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી’ જર્નલમાં પર્સિદ્ધ પેપરમાં સંશોધકોના અંદાજ અનુસાર સરેરાશ વ્યક્તિ તેની વય અને જાતિને ધ્યાનમાં લેતાં દર વર્ષે ઓછામાં ઓછાં ૭૪,૦૦૦થી ૧૨૧,૦૦૦ માઈક્રોપ્લાસ્ટિક (સુક્ષ્મ) પાર્ટિકલ્સ શરીરમાં પધરાવે છે. જે લોકો માત્ર બોટલ્ડ પાણી પીતાં હોય તેઓ દર વર્ષે વધુ ૯૦,૦૦૦ પાર્ટિકલ્સ શરીરમાં નાખે છે. યુનિવર્સિટી ઓફ વિક્ટોરિયાના પ્રોફેસર ડો. કેઈરન કોક્સના વડપણ હેઠળ માનવી દ્વારા શરીરમાં નખાતા પ્લાસ્ટિકના પ્રમાણ સંબંધિત આ પ્રથમ અભ્યાસ છે.

પ્લાસ્ટિકનું વિશાળ પાયા પરનું ઉત્પાદન ૧૯૪૦ના દાયકામાં શરુ કરાયા પછી આ વિવિધ પ્રકારના પોલીમર્સ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયા છે અને તેમનો નાશ કે નિકાલ કરવાનું મોટી સમસ્યા બનેલ છે. જ્યારે મોટાં પ્લાસ્ટિક ઉત્પાદનો ડીગ્રેડ થઈ પર્યાવરણમાં ભળે અથવા પેકેજિંગ દરમિયાન તેની રજ ફેલાય ત્યારે માઈક્રોપ્લાસ્ટિક્સ સર્જાય છે. આ માઈક્રોપ્લાસ્ટિક્સ હવા અને ખોરાક-પાણી દ્વારા માનવશરીરમાં પ્રવેશે છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter