અણગમો છોડીને HIV એઈડ્સ વિશે વાત કરીએ..

- રેશમા ત્રિલોચન Wednesday 06th December 2017 06:28 EST
 

વિશ્વમાં દર ૧લી ડિસેમ્બરે વર્લ્ડ એઈડ્સ ડે મનાવવામાં આવે છે. ૧૯૮૮માં આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. આ દિવસ દુનિયાના લોકોને HIV સામે લડત માટે સંગઠિત થવા તેમજ HIV ના દર્દીઓની સાથે હોવાની લાગણી વ્યક્ત કરવાની અને આ રોગથી મૃત્યુ પામેલા લોકોને યાદ કરવાની તક આપે છે. ૧૯૮૮ નો વર્લ્ડ એઈડ્સ ડે વિશ્વનો સૌ પ્રથમ હેલ્થ ડે હતો. તે છતાં હજુ ૨૦૧૭માં પણ આ બીમારી પ્રત્યે સમાજમાં સૂગ છે. ઘણાં લોકો તો જ્યાં HIVગ્રસ્ત વ્યક્તિ હોય ત્યાં જવાનો ઈનકાર કરે છે. તેમને અડકવાથી ચેપ લાગી જશે તેવી માન્યતાથી અડકવાનો પણ ઈનકાર કરે છે. આ વાત તમને અને મને અજૂગતી લાગશે પણ કમનસીબે કલ્પનામાં માનતા અને HIV સાથે જીવી શકાય તેવી હકીકતોની અવગણના કરતા લોકો પણ છે. આ બીમારી વિશે કેવી રીતે લોકોને કેળવી શકાય ?

હાલ યુકેમાં HIV સાથે જીવતા લોકોની સંખ્યા ૧૦૦,૦૦૦ અને દુનિયામાં અંદાજે ૩૬.૭ મિલિયન છે. HIVની સારવારમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ ઘણી પ્રગતિ થઈ છે અને આ લોકોના રક્ષણ માટે કાયદા પણ અમલમાં છે. જોકે, HIV પોઝિટિવ લોકો સાથે હજુ પણ ભેદભાવ થઈ રહ્યો છે. પોતાનું તથા તેમનું અન્યોથી કેવી રીતે રક્ષણ કરવું તેની હજુ ઘણા લોકોને ખબર નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા મુજબ દુનિયામાં માત્ર યુરોપમાં જ નવા HIV ઈન્ફેક્શનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. યુરોપિયન યુનિયન અને યુરોપિયન ઈકોનોમિક એરિયામાં ૨૯,૦૦૦ નવા કેસો સાથે ૧૬૦,૦૦૦ કરતા વધુ લોકોને HIV હોવાનું નિદાન થયું હતું. ભયસૂચક બાબત તો એ છે કે આમાંથી ૫૧ ટકા કેસોમાં ઈન્ફેક્શનનું ખૂબ પાછળના તબક્કામાં તેનું નિદાન થયું હતું. મોડેથી નિદાન થવાને લીધે એઈડ્સ થવાની શક્યતા વધે છે તેને લીધે દર્દીની પીડા અને મૃત્યુઆંક વધે છે.

WHOના રિજનલ ડિરેક્ટર ઓફ યુરોપ ડો. સુઝસાન્ના જેકબે જણાવ્યું હતું કે એક વર્ષમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. આવું ચાલશે તો HIVને ૨૦૩૦ સુધીમાં નાબૂદ કરવાના લક્ષ્યને પૂરું કરી શકાશે નહીં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter