અવૈજ્ઞાનિક લગ્ન પરંપરાનો ભોગ બનતા બાળકો

Wednesday 09th June 2021 07:26 EDT
 
 

લંડનઃ પિતરાઈઓ વચ્ચે લગ્નની અવૈજ્ઞાનિક પરંપરાનો ભોગ બાળકો બની રહ્યાં છે. પિતરાઈઓ વચ્ચેના લગ્નોથી જન્મતાં બાળકોમાંમ જિનેટિક વિકૃતિઓ કે ખામીઓ વધુ હોવાનું જોખમ રહે છે. એક અંદાજ અનુસાર બ્રિટનમાં પાકિસ્તાની મૂળના અડધાથી વધુ દંપતીઓ અરસપરસ પિતરાઈ હોય છે. આ પ્રથાના લીધે પાકિસ્તાની અને સાઉથ એશિયન વારસાને ખરાબ અસર થઈ રહી છે અને કોમ્યુનિટીઓના અગ્રણીઓ ગંભીર તબીબી જોખમોનો સામનો કરી રહ્યા છે.  

બ્રેડફોર્ડમાં રહેતી ૪૦ વર્ષીય તાહિરા નક્વીએ કઝીન – મામાના છોકરા સાથે લગ્ન કર્યા પછી પોતાનું પ્રથમ બાળક ગુમાવ્યું હતું. હવે તેણે આવા મૃત્યુ અને બીમારીઓને અટકાવવામાં મદદ કરવા ‘બોર્ન ઈન બ્રેડફોડ’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ‘The Born In Bradford Study’માં જણાયું છે કે દર વર્ષે શહેરમાં જન્મતા બાળકોમાંથી અડધોઅડધ પાકિસ્તાની મૂળની માતાના હોય છે. આમાંથી બે તૃતીઆંશ મહિલાઓના લગ્ન તેમના પ્રથમ અથવા દ્વિતીય કઝીન્સ સાથે કરાયેલાં હોય છે જેમના બાળકના મૃત્યુ થાય છે અથવા અક્ષમતા- ખોડખાંપણ સાથે જન્મ થાય છે.

યોર્કશાયરના આ બહુસાંસ્કૃતિક વિસ્તારની જ આ સમસ્યા રહી નથી. બ્રિટનનું બીજા ક્રમનું શહેર બર્મિંગહામમાં પણ નવજાત બાળકોના મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતા બમણો હોવાનું બહાર આવ્યું છે. ગરીબી અને વંચિતતા મહત્ત્વની ભૂમિકા ધરાવે જ છે પરંતુ, તમામ નવજાત બાળકોના મોતમાં ૨૦ ટકા મોતનું કારણ જ્યારે પિતરાઈઓ વચ્ચે લગ્ન થાય અને બાળકો જન્મે તેમાં જિનેટિક સમસ્યાઓના લીધે હોય છે. બર્મિંગહામ સિટી કાઉન્સિલના રિપોર્ટ અનુસાર પાકિસ્તાની અને સાઉથ એશિયન મૂળના બાળકોમાં ૧૮૮માંથી એક બાળક મૃત અવસ્થામાં જન્મે છે જ્યારે શ્વેત બાળકોમાં આ દર ૨૯૫માંથી એક બાળકનો છે.

પિતરાઈઓ વચ્ચેના લગ્નથી જન્મેલા બાળકો તીવ્ર વિકલાંગતા અને વહેલા મૃત્યુ સાથે સંકળાયેલા ‘રીસેસિવ’ જિનેટિક ડિસઓર્ડર્સનો શિકાર બની શકે છે વેરિએન્ટ જિન મળ્યો હોય તો તેને બીમારી કે મોતની શક્યતા હોતી નથી પરંતુ, માતા અને પિતા બંને  પ્રકારના જિન ધરાવતા હોય તો બાળકને બંને તરફથી વારસામાં ખામીપૂર્ણ જિન મળે છે અને તેના આરોગ્યનું જોખમ વધી જાય છે. સામાન્ય વસ્તીમાં પેરન્ટના એકસરખા વેરિએન્ટ જિન હોવાની સંભાવના ૧૦૦માંથી ૧ની છે જ્યારે પિતરાઈ લગ્નના પેરન્ટમાં તેનું જોખમ ૮માંથી ૧નું થઈ જાય છે. પેઢી દર પેઢી પિતરાઈ લગ્નો વધતા જવા સાથે જોખમ પણ વધતું રહે છે.

આરોગ્યની ગંભીર સમસ્યા છતાં, પાકિસ્તાની મૂળના ૫૫ ટકા દંપતીના કઝીન મેરેજીસ છે કારણકે નજીકના સગાંમાં લગ્ન કરવાથી પરિવારિક નિકટતા રહેવા સાથે સંપત્તિ અકબંધ રહેવાની માન્યતા છે. યુકેમાં સમગ્રતયા ૩ ટકા બાળકોનો જન્મ બ્રિટિશ પાકિસ્તાની દંપતીઓને ત્યાં થાય છે અને તેઓ જન્મની જિનેટિક ખામી સાથેના ૩૩ ટકા બાળકોના જન્મ માટે કારણભૂત બને છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter