આંતરરાષ્ટ્રીય યોગ દિન વિશેષઃ યોગનો ઉદ્દેશ અને યોગાસનોના લાભ

Wednesday 19th June 2019 05:22 EDT
 
 

યોગવિદ્યા એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તરફથી મનુષ્ય જાતિને મળેલી અણમોલ ભેટ છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આર્ષદૃષ્ટિથી પ્રાપ્ત કરેલી આ વિદ્યાને ઇ.સ. પૂર્વે ૨૦૦૦માં મહર્ષિ પતંજલિએ શાસ્ત્રીય રૂપ આપ્યું અને તેને આઠ પગથિયાંઓમાં વિભાજીત કરી. તેમણે પોતાના ગ્રંથ ‘યોગસૂત્ર’માં આ પગથિયાનું વર્ણન કર્યું છે. તેથી આ યોગમાર્ગને અષ્ટાંગ યોગ કહે છે. આસનો એ અષ્ટાંગ યોગનું ત્રીજું પગથિયું છે. આમ યોગાસનો એ સંપૂર્ણ યોગ નથી. યોગ તો એક સુવ્યવસ્થિત જીવન જીવવાની જીવનશૈલી છે. એ મનુષ્યની અમર્યાદિત શક્તિ અને ચેતનાનો વિકાસ સાધવાનું વિજ્ઞાન છે. યોગાભ્યાસથી વ્યક્તિની ચેતનાનો વિકાસ થાય છે, જે અંતે આત્મસાક્ષાત્કાર તરફ દોરી જાય છે.

યોગનો ઉદ્દેશ

યોગ દ્વારા મન સ્થિર થાય છે, તે ઇન્દ્રિયો પર સંયમ આપે છે. આપણી દરેક સમસ્યાના મૂળમાં છે વિચાર. આ વિચારોમાંથી લાગણીઓ ઉદભવે છે, જેમાંથી મોટા ભાગની નકારાત્મક હોય છે. જેમ કે ડર, ચિંતા, હતાશા, નફરત, ઇર્ષ્યા વગેરે. આ લાગણી વ્યક્તિને દુઃખ આપે છે. યોગનો ઉદ્દેશ ચિત્તને આ નકારાત્મક લાગણીઓ તરફથી દૂર કરીને પોઝિટિવ દિશામાં લઈ જવાનો છે, યોગના સાચા અભ્યાસથી વ્યક્તિ શારીરિક-માનસિક તંદુરસ્તી મેળવે છે અને આત્મિક અનુભવ દ્વારા પરમ શાંતિનો અનુભવ કરે છે. યોગની અલગ અલગ ક્રિયાઓમાં એવી તાકાત છે જેથી અમુક બીમારીઓ થતી નથી અથવા થઈ હોય તો તે દૂર થાય છે. આમ યોગ એ બીમારીઓ સમયે એક કવચનું કામ કરે છે.

યોગાસન

‘આસન’ મૂળ શબ્દ સંસ્કૃત ધાતુ ‘આસ’ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે ‘બેસવું’. ‘આસન’ શબ્દને બે રીતે સમજી શકાય. એક છે ‘જેના થકી વ્યક્તિ બેસે છે’ અને બીજો અર્થ છે ‘જેના ઉપર વ્યક્તિ બેસે છે.’ પહેલો અર્થ શરીરની અથવા મનની સ્થિતિનો નિર્દેશ કરે છે. જેમ કે સુખાસન – આ આસનમાં બેસવાથી મન સુખનો અનુભવ કરે છે તેથી તેનું નામ ‘સુખાસન’ રાખવામાં આવ્યું. કેટલાંક આસનોના નામ તેમાં શરીરની જે સ્થિતિ કે પોશ્ચર રચાય છે તેને અનુલક્ષીને પાડવામાં આવ્યા છે. જેમ કે પદ્માસન. આ આસનમાં શરીરની રચના કે આકાર કમળ (પદ્મ) જેવો થતો હોવાથી તેનું નામ પદ્માસન પડ્યું. વળી, આ આસનમાં મનોસ્થિતિ પણ સહસ્ત્રદળ કમળ જેવી થાય છે. મહર્ષિ પતંજલિએ કહ્યું છે, ‘સ્થિર સુખમ્ આસનમ્’ એટલે કે આસન એ એક એવી સ્થિતિ છે, જેમાં મનને સતત સુખ કે કમ્ફર્ટની લાગણી અનુભવાય છે અને એ સ્થિતિમાં શરીરને સ્થિર રાખવાનું હોય છે.

યોગાસનો શીખતાં પૂર્વે આટલું અવશ્ય જાણો

યોગ અને યોગાસનોથી શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સુધરે છે તેમાં મીનમેખ નથી, પણ જો યોગાસન ખોટી રીતે થાય તો શરીરને નુકસાન થવાની પણ શક્યતા છે. આથી જ આસનો શીખતાં પહેલાં થોડીક અગત્યની જાણકારી મેળવવી જરૂરી છે.
સૌપ્રથમ તો એ યાદ રાખો કે આસનો વેળા સુખ એટલે કે કમ્ફર્ટનો અનુભવ બહુ જરૂરી છે. આસનો શરીર પર બળપ્રયોગ કરીને નહીં, પણ ઓછામાં ઓછા શ્રમ સાથે કરવાના હોય છે. પ્રારંભે શરીર સ્ટીફ હોય છે, પણ આસનોની પ્રેક્ટિસ કરતાં કરતાં તેમાં ફ્લેક્સિબિલિટી આવશે. આથી પ્રારંભે શરીર જેટલું વળે તેટલું જ વાળો. સ્નાયુને બહુ દબાણ ન આપો. ધડ, માથું અને ગરદન ત્રણે એક સીધી રેખામાં રહે તેનું ધ્યાન રાખવું, શરૂઆતમાં દીવાલ કે ખુરશીનો ટેકો લઈ શકાય.

• આસનો કરતી વેળા કોસ્મિક એનર્જી સાથે કે પોતાના આત્મા સાથે કનેક્ટ થવા પ્રયત્ન કરો. આસનો કરતી વખતે બીજા સાથે સરખામણી ન કરો. દરેકની ક્ષમતા અલગ હોય છે. આંખો બંધ રાખીને ફક્ત તમારા શરીર અને શ્વાસ ઉપર જ મન કેન્દ્રિત કરો. • યોગાસનો કરતી વખતે શ્વાસ બહુ ઝડપી ન થઈ જવા જોઈએ. દરેક આસન પછી થોડોક આરામ જરૂરી છે. આસન કર્યા પછી શવાસન જરૂરી છે. • યોગાસનો બાદ થાક ન વર્તાવો જોઈએ. ઉલટાનો તાજગી-સ્ફૂર્તિનો અહેસાસ થવો જોઈએ. આસનો સતત ન કરતાં ધીરે ધીરે ધીરજપૂર્વક કરો. • આસનો કરતી વખતે ખૂબ ટાઇટ વસ્ત્રો ન પહેરો. લુઝ ફિટિંગના ટી-શર્ટ, ટેન્ક ટોપ્સ, લુઝ પેન્ટ્સ કે શોર્ટ્સ પહેરી આસનો કરવાથી બ્રિધિંગ સરળતાથી થશે. • કરોડરજ્જૂની તકલીફ હોય, હાઇ બીપી, શ્વાસ કે હૃદયની તકલીફ હોય તો યોગ નિષ્ણાંતની દેખરેખમાં જ યોગાસન કરો. • યોગાસનો વેળા એસી કે પંખાનો ઉપયોગ ટાળો. તેનાથી શરીરની સિસ્ટમ પર વિપરિત અસર થાય છે. એસીમાં બેસીને આસનો કરવાથી હાર્ટ રેટ વધે છે, બીપી વધે છે, બ્લડ સર્ક્યુલેશનમાં તણાવ ઊભો થાય છે. ધમનીઓ અને શિરાઓ પૂરતી ફ્લેક્સિબલ નથી થઈ શકતી અને તમને થાક લાગે છે. આમ, આસનો કુદરતી વાતાવરણમાં કરવા હિતાવહ છે. યોગમાં નિરંતર પ્રેક્ટિસ મહત્ત્વની છે. આથી તન અને મન બન્ને તેના માટે રિસેપ્ટિવ બનશે અને યોગનો મહત્તમ લાભ મળશે.

આસનો કયા સમયે કરવા?

આસનો વહેલી સવારે કે સાંજે કરી શકાય. સવારે કરવાથી વધુ લાભ થાય છે, કારણ કે સવારે મનમાં વિચારોના ઘોડા ઓછા દોડતા હોય છે, મન પ્રફુલ્લિત હોય છે અને આસનો કર્યા પછી આખો દિવસ તાજગીનો અહેસાસ રહે છે. સ્નાન કર્યા પછી આસનો કરવા એ વધુ સારું છે. આસનો હંમેશા ખાલી પેટ કરવા. ખાધા પછી દોઢેક કલાકના સમય બાદ જ આસનો કરવા. આમાં એકમાત્ર અપવાદ વજ્રાસન છે. આસનો કર્યા પછી કલાક સુધી ભોજન ન કરવું.

કેટલાક સરળ આસનો અને તેના લાભ

આ લેખની સાથે જ કેટલાક સરળ આસનો અને તેનાથી થતાં લાભ વિશે તો જણાવ્યું જ છે, પરંતુ આપણે શરૂઆત સુખાસન નામે જાણીતા એક સરસ, સરળ આસનથી કરીએ. આ આસન ધ્યાન માટે છે.

સુખાસન

કઇ રીતે આ આસન કરશો? ફ્લોર ઉપર શેતરંજી પાથરો. પગ શરીરની સામે રહે તે રીતે રાખી બેસો. ડાબા પગને જમણા પગ વડે પકડી જમણા સાથળ નીચે દબાવો. તે જ રીતે જમણા પગને ડાબા સાથળ નીચે દબાવો. ગરદન, મસ્તક અને કરોડરજ્જુને આરામદાયક સ્થિતિમાં ટટ્ટાર રાખો. હાથને ઘૂંટણો પર કે ખોળામાં રાખી આંખો બંધ કરી દો. હાથ-પીઠ ટટ્ટાર રાખો. સુખાસનમાં બેસી શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો, શ્વાસ લેતાં એવો અનુભવ કરો કે પ્રત્યેક શ્વાસ સાથે પોઝિટિવ એનર્જી, આરોગ્ય, સુખ-શાંતિ શરીરમાં પ્રવેશી રહ્યા છે અને પ્રત્યેક ઉચ્છવાસ સાથે ગુસ્સો, તણાવ, હતાશા, ટેન્શન બહાર નીકળી રહ્યા છે.
કલ્પના કરો કે તમે સાત સફેદ અશ્વોના રથ પર બેઠા છો અને રથ તમારા શ્વાસ દ્વારા હૃદયમાં, સમગ્ર શરીરમાં ઉતરી રહ્યા છે. તમારા શ્વાસની તમારા શરીરની અંદર ચાલતી આ યાત્રાને મહેસૂસ કરો અને શરીર, મન તેમ જ શ્વાસના જોડાણને અનુભવો. ધીમે ધીમે તમારા શ્વાસ ઊંડા અને નિયમિત થશે અને તે સાથે તમારા વિચારો પણ ઓછા થશે. તમને અપૂર્વ શાંતિનો સુખનો અનુભવ થશે. તમારું સમગ્ર શરીર અપૂર્વ આનંદથી નાચતું હોય, ઝૂમતું હોય તેવું લાગશે. પ્રારંભે આ સુખનો અનુભવ ન થાય તો ચિંતા ન કરો. સુખાસનની ધીરજપૂર્વક નિયમિત પ્રેક્ટિસ કરો. અંતે તમને સુખદ અનુભવ થશે. હેપી યોગ ડે!

•••

ઉત્તાન પાદાસન

• આ આસન જેમને ડાયાબિટીસ, કબજિયાત, અપચો અને નર્વ્ઝની નબળાઈની તકલીફ થતી હોય છે તેમને માટે અત્યંત ફાયદાકારક છે.
જેમને સ્પોન્ડિલાઇટિસ અને મસલ પુલની તકલીફ છે તેમણે આ આસનની પ્રેક્ટિસ કરવી જોઈએ.

•••

કટિઉત્થાનાસન

• સાથળ, ઢીંચણ, પગના સ્નાયુઓ અને સ્પાઇનને મજબૂત બનાવવામાં મદદ કરે છે. માથા તરફ લોહી જતું હોવાથી
સ્પાઇન, ખભા અને ગરદનનું તમામ ટેન્શન દૂર થાય છે.

•••

ગૌમુખાસન

• રિલેક્સ થવા માટે આ અત્યંત એક્સલન્ટ આસન છે. અનાહત ચક્રમાં સ્ટોર થયેલ ટેન્શન દૂર કરવામાં મદદ કરે છે. સ્પાઇન, ગરદન અને
ખભાની સ્ટિફનેસ દૂર કરે છે. ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર અને સેક્સ્યુઅલ માલફંકશનમાં સાજા થવામાં મદદ કરે છે.

•••

પવન મુક્તાસન

• ડાયાબિટીસ, ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચન દૂર કરવામાં ઉપયોગી આસન છે. પીઠના સ્નાયુઓ સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે
અને પેટની વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે.

•••

વજ્રાસન

• પાચનમાં મદદ કરે છે અને સાથળના સ્નાયુઓને મજબૂત કરે છે. કમર (લોઅર બેક)ને મજબૂત કરે છે.

•••

વૃક્ષાસન

• શારીરિક અને માનસિક કો-ઓર્ડીનેશનને સુધારે છે. સાથળ અને કાફ સ્નાયુઓને મજબૂત કરે છે.

•••

નૌકાસન

• આ આસન એ ડિસ્પેસ્પિયામાં વધારે ઉપયોગી છે. જેમને ઘણો તણાવ અને વ્યગ્રતા રહેલા હોય તેમને માટે આ ઇન્સ્ટટ રિલિવર છે.
૩ મિનિટ માટે ધારણ કરી રાખવું.

•••

શલભાસન

• પીઠના ઊંડાણમાં સ્નાયુઓને વારાફરતી સંકોચન-પ્રસરણ કરાવે છે. આખી સ્પાઇનને આગળથી સ્ટેડી પુલ મળે છે. દરેક મણકો અને
એના લિગામેન્ટને ફાયદો થાય છે.

•••


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter