આયર્નની ઊણપ હોય તો ચેતવા જેવું છે

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 09th September 2017 08:42 EDT
 
 

આયર્નની ઊણપ હોય તો હીમોગ્લોબિન ઓછું હોય એવું તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે આર્યનનું કામ માત્ર હીમોગ્લોબિન પૂરતું જ સીમિત નથી. આયર્ન એ મગજ અને શરીરના વિકાસ માટે પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બાળક માના પેટમાં હોય ત્યારથી લઈને પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં મગજનો મહત્તમ વિકાસ થાય છે અને એટલે જ સ્ત્રીઓ અને બાળકોએ આયર્નની જરૂરિયાત પૂરી થાય એ જોવું જરૂરી છે. આયર્નની કમીને કારણે શરીરમાં શું થાય એ સમજવા માટે પહેલાં તો એની જરૂરિયાત સમજવી જરૂરી છે.

આયર્નનું શરીરમાં કામ

લોહીમાં રહેલું હીમોગ્લોબિન બનાવવામાં આયર્નનો મોટો ફાળો છે. આપણા શરીરમાં ઓક્સિજનનું વહન થાય છે એ લોહીમાં રહેલા હીમોગ્લોબિનને અભારી છે. હીમોગ્લોબિન ઓછું હોય તો શરીરની વિવિધ ક્રિયાઓ ચલાવવા માટે ઓક્સિજન પૂરો નથી પડતો અને તેના કારણે એનર્જીનું વહન નથી થતું. મગજમાં ડોપામાઇન કેમિકલ અને અન્ય ન્યુરોટ્રાન્સમીટર્સ વચ્ચેની કામગીરીમાં પણ આયર્ન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

રોજિંદી જરૂરિયાત

દરેક વ્યક્તિની વય અનુસાર હિમોગ્લોબિનની રોજિંદી જરૂરત અલગ અલગ હોય છે. એકથી ત્રણ વર્ષનો બાળકને ૭ મિલિગ્રામ, ૪થી ૮ વર્ષના બાળકને ૧૦ મીલિગ્રામ અને ૯થી ૧૩ વર્ષની કિશોરવયમાં ૮ મિલિગ્રામ આયર્નની જરૂર પડે. પ્યુબર્ટી અને રીપ્રોડક્ટિવ એજ દરમિયાન સ્ત્રીઓની આયર્નની જરૂરિયાત વધુ હોય છે. આથી જ ૧૪ વર્ષથી મોટી અને ૫૦ વર્ષથી નાની સ્ત્રીઓને ૧૮ મિલિગ્રામ અને પુરુષોને ૧૧ મિલિગ્રામ જેટલા આયર્નની રોજ જરૂર પડે છે.

સ્ત્રીઓમાં આયર્નની કમી વધુ

આયર્નની કમી એનિમિયા તરીકે ઓળખાય છે. એના ત્રણ કારણો હોઈ શકે. એક તો શરીરને-ખોરાક દ્વારા આયર્ન પૂરતા પ્રમાણમાં ન મળતું હોય અથવા તો આયર્નની જરૂરિયાત વધુ હોય. બીજું, શરીરમાં ખોરાકમાંથી મળતા આયર્નને એબ્સોર્બ કરવાની ક્ષમતા નબળી પડી ગઈ હોય. ત્રીજું, આકસ્મિક કારણોસર લોહી વહી જવાને કારણે શરીરમાં હીમોગ્લોબિન ઘટી ગયું હોય. ખાસ કરીને સ્ત્રીઓમાં માસિક દરમિયાન લોહી વહી જવાને કારણે આયર્નની કમી પેદા થાય છે. આથી જ પુરુષો કરતાં સ્ત્રીઓમાં આયર્નની કમી થવાનું પ્રમાણ વધારે હોય છે. પડવા-વાગવાને કારણે કારણે ખૂબ બધુ લોહી વહી જાય ત્યારે પણ કમી થાય છે. પેટના રોગોને કારણે કે પછી દવાઓની આડઅસરને કારણે નાક-મોં કે મળમાર્ગે ખૂબ બધુ લોહી વહી જવાને કારણે પણ આયર્નની કમી ઊભી થાય છે.

લગભગ ૧૧ ટકા સ્ત્રીઓને તેમના પ્રજનનકાળ દરમિયાન એટલે કે પ્યુબર્ટીથી લઈને મેનોપોઝ સુધી આયર્નની કમીનું રિસ્ક રહે છે. આથી જ પ્રેગનન્સી અને માસિકચક્ર દરમિયાન સ્ત્રીઓએ ખાસ કાળજી રાખવી બની જાય છે.

ઊણપનાં લક્ષણો શું?

નાનાં બાળકોમાં સુસ્તી, ચીડિયાપણું વારંવાર તાવ-શરદી-ખાંસી અને ઇન્ફેકશન લાગી જાય એવી બીમારીઓ જોવા મળે છે. બાળપણમાં જો આયર્નની ઊણપ હોય તો મગજનો યોગ્ય વિકાસ ન થવાથી માનસિક અસ્વસ્થતાઓ જોવા મળે છે. બુદ્ધિ અને યાદશક્તિ નબળાં પડે છે.

પુખ્ત વયની વ્યક્તિમાં જો આયર્નની ઊણપ બહુ નજીવી હોય તો મોટા ભાગે લક્ષણો બહુ દેખાતાં ન હોવાં છતાં વ્યક્તિને ખૂબ થાક લાગ્યા કરે, બ્રેથલેસનેસ રહે છે અને ત્વચા ફિક્કી અને બેજાન લાગે છે. જો આયર્નની ક્મી લાંબો સમય ચાલે અને વધુ ઊણપ થાય તો નબળાઈ, શ્વાસ ચડવો, ઊંઘરેટાપણું રહેવું, જીભ આવી જાય, નખ બટકણા થઈ જાય, ભૂખ ઘટી જાય, માથાનો દુખાવો રહે તેમજ રોગપ્રતિકારક શક્તિ ઘટવાના કારણે ઇન્ફેકશન લાગવાની શક્યતાઓ વધી જાય છે.

સપ્લિમેન્ટ નહીં, ડાયટ જરૂરી

જો આયર્નની ઊણપ નજીવી હોય તો ડાયટની કાળજીથી જ ભરપાઈ કરી લેવી જોઈએ. આયર્નનાં સપ્લિમેન્ટ્સ લેવાથી થોડાક સમય માટે પેટમાં ગરબડ, કબજિયાત, ઊબકા-ઊલટી જેવું થઈ શકે છે. જો યોગ્ય માર્ગદર્શન વિના સપ્લિમેન્ટ્સ વધુ માત્રામાં લેવામાં આવે તો આયર્ન ટોક્સિસિટી થતાં અંદરના અવયવોને નુકસાન પણ થઈ શકે છે.

આયર્ન શામાંથી મળે?

• બે ઘઉંની રોટલીમાંથી ૩ મિલિગ્રામ • બાજરીના એક રોટલામાંથી પાંચ મિલિગ્રામ • એક વાટકી તુવેર/મગ/ચણાની દાળમાંથી ૧.૩૦ મિલિગ્રામ • એક વાટકી સોયાબીનમાંથી ૩.૧૦ મિલિગ્રામ • મુઠ્ઠીભર (૩૦ ગ્રામ) શેકેલા ચણામાંથી ૨.૮૫ મિલિગ્રામ • એક વાટકી પાલકના શાકમાંથી ૧૮ મિલિગ્રામ • એક વાટકી મૂળા અને બીટના પાનમાંથી ૨૦ મિલિગ્રામ


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter