આર્ટીફિશ્યલ શુગરની ૧૦ આડઅસરો

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 04th November 2017 07:57 EDT
 
 

વીતેલા સપ્તાહે આપણે જાણ્યું કે આર્ટિફિશ્યલ શુગરમાં વપરાતું એસ્પાર્ટમ નામનું કેમિકલ શાનું બનેલું હોય છે. આજે આપણે તેની ૧૦ સૌથી મોટી આડઅસર વિશે જાણશું. ઝીરો કેલરી શુગર તો જોઈએ એટલી ખવાય એવી માન્યતાના કારણે માત્ર ડાયાબિટિસવાળા લોકો જ નહીં, પાતળા રહેવા માટે પણ લોકો આર્ટિફિશ્યલ શુગરનો અત્યંત છૂટથી ઉપયોગ કરવા લાગ્યા છે.

યુનિવર્સિટી ઓફ મિસિસિપીના ન્યુરોસાયન્ટિસ્ટ ડો. રસેલ બ્લેયલોકે એસ્પાર્ટિક એસિડ ધરાવતી આર્ટિફિશ્યલ શુગરને કારણે શરીરને લગભગ ૯૨ જેટલી આડઅસરો થાય છે એવું તેમના પુસ્તકમાં લખ્યું છે. એસ્પાર્ટમને કારણે બોડીમાં ટોક્સિસિટી (ઝેરી દ્રવ્યો) થાય તો એનાથી કેવી તકલીફો થઈ શકે છે એની યાદી જોઈએ.

ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સઃ વધુ પડતી માત્રામાં ગ્લુટામેટ અને એસ્પાર્ટેટ લેવામાં આવે તો ચેતાતંતુઓનો નાશ કરે છે. કોઈ પણ ન્યુરોલોજિકલ ડિસઓર્ડરના લક્ષણો દેખાવાનું શરૂ થાય અને એનું નિદાન થાય એ પહેલાં બ્રેઇનના એ ભાગના લગભગ ૭૫ ટકાથી વધુ ચેતાતંતુઓનો ખાતમો બોલી ગયો હોય છે. માથાનો દુઃખાવો, માઇગ્રેન, સુસ્તી, કન્ફ્યુઝન જેવી હળવી અસરો દેખાય છે. હાથ-પગમાં ખાલી ચડવી, યાદશક્તિનો ક્ષય, ઊંઘરેટાપણું, બોલવામાં તોતડાવું, બેકાબૂ માઇગ્રેન, એપ્લિલેપ્ટિક હુમલા, ચહેરાની એક તરફ પીડા, બ્રેઇન ટ્યુમર જેવી ગંભીર આડઅસરો જોવા મળે છે.

આંખની તકલીફોઃ મગજના દૃષ્ટિ સાથે સંકળાયેલા ચેતાતંતુઓમાં જો ડેમેજ થાય તો એને કારણે દૃષ્ટિ ધૂંધળી થાય, વચ્ચે લાઈન દેખાય, ટનલ વિઝન જેવી તકલીફ થઈ શકે છે. આંખમાં મોઇસ્ચર ઘટવાને કારણે સુકાય અને બળતરા થાય. આંખો મોટી થઈ જાય. અત્યંત ગંભીર અસરોમાં અચાનક જ એક અથવા બંને આંખોમાંથી દૃષ્ટિ ગાયબ થઈ શકે છે.

કાનની તકલીફોઃ ટિનિટસની તકલીફ એટલે કે કાનમાં ઝીણી રિંગ કે ઘૂઘવાટ થતો હોય એવો અવાજ આવ્યા કરે. લાઉડ નોઇઝ જરાય સાંખી ન શકાય. લાંબા ગાળા સુધી ઉપરનાં લક્ષણો રહે અને એની યોગ્ય દરકાર રાખવામાં ન આવે તો બહેરાશ પણ આવી શકે.

પેટની તકલીફઃ ઊબકા, ઊલટી, ડાયેરિયા અને કબજિયાત આ ખૂબ જ કોમન આડઅસરો છે. ક્યારેક પેટમાં ઝીણું ઝીણું દુખ્યા કરે અથવા તો ખોરાક ગળતી વખતે દુઃખાવો થાય છે. અત્યંત એસિડિટીને કારણે ખાવાનું મોમાં પાછું આવે છે.

છાતીમાં ગભરામણઃ આર્ટિફિશ્યલ શુગરના પાચનથી નાના આંતરડામાં ફોર્માલ્ડિહાઇડ પેદા થાય છે, જે રક્તવાહિનીઓને સાંકડી અને કડક કરે છે. પરિણામે હૃદયના ધબકારામાં અનિયમિતતા સર્જાય. શ્વાસ લેવામાં અવરોધ આવે છે. અચાનક જ કેમિકલનું પ્રમાણ બ્લડમાં વધી જાય તો હાઈ બ્લડપ્રેશરની તકલીફ વધી જાય છે.

સ્કિન અને એલર્જીઃ ત્વચા પર રેશ, ખંજવાળ, બળતરા થઈ શકે છે. અસ્થમાના દરદીઓને દમના હુમલાનું પ્રમાણ વધી શકે છે. વાળ પાતળા થાય છે. મોમાં ચાંદા ચડે છે. વારંવાર શરદી-ખાંસી અને એલર્જિક રિએકશન આવે છે.

અંતઃસ્ત્રાવોમાં ગરબડઃ ડાયાબિટિસના ઘણા દર્દીઓ આર્ટિફિશ્યલ શુગર વાપરે છે, પરંતુ એનાથી બ્લડશુગર પર નેચરલી કન્ટ્રોલ રાખવાની હોર્મોન્સની ક્ષમતા ખોરવાય છે. સ્ત્રીઓને માસિકચક્રમાં પરિવર્તનો આવે છે.

બ્રેઇન ડેમેજઃ સામાન્ય રીતે ગ્લુટામેટ અને એસ્પાર્ટમથી બ્રેઇનને પ્રોટેક્ટ કરવા માટે બ્લડ બ્રેઇન બેરિયર કેમિકલનો સ્ત્રાવ થાય છે. જોકે આ કેમિકલ બ્રેઇનના તમામ એરિયાને પ્રોટેક્શન આપી શકતું નથી. આમ લાંબો સમય આ કેમિકલ વાપરવાથી બ્રેઇનમાં ટ્યુમરની શક્યતાઓ વધે છે. સંપૂર્ણપણે આર્ટિફિશ્યલ શુગર વાપરનારાઓના બ્રેઇનને પૂરતો ગ્લુકોઝ નથી મળતો અને તેના કારણે અચાનક જ હાઇપોગ્લાયસેમિયા (લોહીમાં શુગરનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય) થઈ શકે છે.

કિડની ડેમેજઃ એસ્પાર્ટમને કારણે પેદા થતાં ઝેરી દ્રવ્યોનો નિકાલ કરવા માટે કિડનીને વધુ કામ કરવું પડે છે અને એને કારણે ગરણીનું કામ કરતા નેફ્રોન્સ નકામા થઈ જાય તો કિડની પણ ડેમેજ થાય છે.

સાઇકોલોજિકલ ડિસઓર્ડર્સઃ આર્ટિફિશ્યલ શુગરને કારણે ગુસ્સો, અકળામણ, અનિદ્રા, ડિપ્રેશન, સુસાઇડના વિચારો, હાઇપરએક્ટિવિટી જેવા માનસિક રોગોનું પ્રમાણ વધે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter