આહાર બદલો અને બીમારીઓથી દૂર રહો

Wednesday 01st March 2023 06:51 EST
 
 

વ્યક્તિની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ શરીર અને જીવનમાં ઘણા પરિવર્તન આવતા હોય છે. આ ઉપરાંત સ્વસ્થ રહેવા માટે શરીરની જરૂરતો પણ બદલાતી રહે છે. શરીરની આ બદલાતી જરૂરતો માટે કેટલીક ટિપ્સ ફોલો કરવી જરૂરી છે, જે તમને હંમેશા સ્વસ્થ રાખે છે. વધતી ઉંમર સાથે સ્વસ્થ રહેવા માટે સમતોલ આહાર આરોગવો જરૂરી છે. તે તમને હેલ્ધી અને કાર્યક્ષમ રાખે છે તેમજ શરીરને જરૂરી પોષકતત્ત્વો મેળવવા માટે પણ ખૂબ મદદરૂપ રહે છે. આ ઉપરાંત હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ રહે છે. વડીલોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓ જલ્દી બીમાર પડે છે. આ માટે તેમને વિટામિન અને મિનરલ્સયુક્ત આહાર આરોગવો જરૂરી છે. બીટા-કેરોટીન, વિટામિન - સી, વિટામિન-ઈ અને ઝીંકયુક્ત ખોરાક વડીલોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ માટે ફૂલાવર, સિમલા મરચા, બીટનો કંદ, પાલક અને રીંગણ જેવા શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ રહે છે.
• ઈમ્યૂનિટી બૂસ્ટર સુપરફૂડ
તમારા ભોજનમાં નિયમિતપણે કેળા, મશરૂમ અને બ્રોકલી જેવા સુપરફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ. આ બધો ખોરાક રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ ઉપરાંત અળસી અને સૂકામેવાનો પણ આહારમાં સમાવેશ કરવો જોઈએ.
• ડાયટમાં સામેલ કરો ઓમેગા-3
ઓમેગા-3 ફેટી એસિડયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી અલ્ઝાઈમર રોગનું જોખમ ઓછું રહે છે. ઓમેગા-3મેળવવા માટે તમે મગફળી, સૂકામેવા, બ્રોકલી જેવા ખાદ્ય પદાર્થનો ભોજનમાં ઉપયોગ કરી શકો છો.
• શરીરને રાખો હાઈડ્રેટ
વડીલોએ રોજના આઠથી નવ ગ્લાસ પાણી પીવું જ જોઈએ. તેનાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે, અને તેમને શરદી તેમજ ફ્લૂ થવાનો ભય ઓછો રહેશે. વડીલો પાણી ઉપરાંત સૂપ, નારિયેળ પાણી, દૂધ, ગ્રીન ટી ઉપરાંત ઘરે બનાવેલા ફળોનો જ્યૂસ પણ પી શકે છે.
• મીઠાનું સેવન ઘટાડો
વધારે સોડિયમવાળા ખાદ્ય પદાર્થો જેમ કે, સોસ, બટાકાની ચિપ્સ અને સ્નેક્સ ફૂડ વડીલોના સ્વાસ્થ્ય માટે લાભકારક નથી એ હંમેશા યાદ રાખો. આવા બધા ખાદ્ય પદાર્થો જીભના ચટાકા સંતોષશે, પરંતુ તેમાં રહેલું વધારે પડતું મીઠું શરીરને નુકસાન કરશે એ ન ભૂલો. હંમેશા ભોજનમાં ઓછા મીઠાવાળા ખાદ્ય પદાર્થોને સ્થાન આપો.
• ઘરગથ્થુ ઔષધી છે લાભકારક
લસણ, કાળું જીરુ અને મૂલેઠી એવી ઔષધીઓ છે, જે રોગપ્રતિકારક ક્ષમતામાં સારો વધારો કરે છે, એટલું જ નહીં તે નાની મોટી બીમારીઓથી પણ બચાવે છે. લસણ અને કાળું જીરુંનો વડીલો ભોજનમાં સમાવેશ કરી શકે છે તો મૂલેઠીને ચામાં ઉમેરીને પણ પી શકાય છે. આ ઘરગથ્થુ ઔષધીઓ એવી છે જેનાથી તમારા આંતરડા મજબૂત બને છે અને તમારી રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વધારો કરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter