ઉનાળામાં બ્લડપ્રેશરને નાથવા ઉપયોગી છે આ ૫ આહાર

Friday 19th April 2019 08:13 EDT
 
 

બ્લડપ્રેશરની બીમારી સાયલન્ટ કિલર તરીકે ઓળખાય છે કેમ કે છાના પગલે શરીરમાં ઘુસી જતી આ બીમારી કિડની, હૃદય સહિતના અંગોને નુકસાન પહોંચાડે છે અને તેની કામગીરી ખોરવી નાંખે છે. બ્લડપ્રેશર એ ધમની - શિરા કે સામાન્ય ભાષામાં કહીએ તો નસની દીવાલ પર થતું લોહીનું દબાણ છે. તે નસની દીવાલને નુકસાન કરે છે અને તેને પગલે કિડનીના રોગો અને હૃદયની કેટલીક પરેશાનીને નોતરે છે. બ્લડપ્રેશરમાં પણ ઋતુ પ્રમાણે થોડીક વધઘટ થતી રહે છે, ખાસ કરીને ઉનાળામાં. નિષ્ણાતો કહે છે કે તમે ગરમીના દિવસોમાં ભોજનમાં હાઇપર ટેન્શન ફૂડ સામેલ કરીને બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત મેળવી શકો છો. હાઇપર ટેન્શન ફૂડ એટલે એવો આહાર જેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઇબર વધુ હોય, જોકે આ આહારમાં સોડિયમ (મીઠું) ઓછું જ હોવું જોઈએ.

કરમદાંઃ કરમદાં તો ઉનાળામાં ખાવાં જ જોઈએ કેમ કે તેમાં હૃદય માટે ઉપયોગી ફ્લેવોનોઇડ્સ વધુ હોય છે. એન્ટિ-ઓક્સિડન્ટથી સમૃદ્ધ આ ફળ તમને બ્લડપ્રેશર નીચું લાવવામાં મદદરૂપ થઈ શકે છે એવો જર્નલ ઓફ એકેડેમી ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયાબેટિક્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં દાવો કરાયો છે. એ ઉપરાંત સ્ટ્રોબેરી તેમજ જાંબુનું પ્રમાણ પણ તમારા આહારમાં વધારો.

સ્કીમ્ડ મિલ્કઃ સ્કીમ્ડ મિલ્ક કેલ્શિયમ અને વિટામિન-ડી સમૃદ્ધ હોય છે. આ બંને બ્લડપ્રેશરને કુદરતી રીતે નીચું રાખવામાં મદદ કરે છે. એનએચએસના જણાવ્યા પ્રમાણે એક ગ્લાસ સ્કીમ્ડ મિલ્ક દરરોજ પીવાથી બ્લડપ્રેશર એક તૃતિયાંશ જેટલું ઘટે છે. આથી એક ગ્લાસ સ્કીમ્ડ મિલ્ક ગટગટાવી જાવ અને બહુ બધા લાભ લો.

યોગર્ટઃ અમેરિકન હાર્ટ એસોસિયેશન દ્વારા થયેલા અભ્યાસ મુજબ જે મહિલાઓ અઠવાડિયે પાંચ કે તેથી વધુ વખત યોગર્ટ આરોગે છે તેમને યોગર્ટ ન ખાતી મહિલાઓની સરખામણીએ હાઇ બ્લડપ્રેશરનું જોખમ ઓછું રહે છે. મતલબ કે ઠંડુંગાર યોગર્ટ દરરોજ આરોગો અને આરોગ્યપ્રદ જીવન જીવો.

કેળાઃ આ મજેદાર ફળમાં ભરપૂર પોટેશિયમ હોય છે. ઉપરાંત તે સરળતાથી રોજિંદા આહારમાં ઉમેરી શકાય છે. એક કેળામાં ૧ ટકો કેલ્શિયમ, ૮ ટકા મગ્નેશિયમ અને ૧૨ ટકા પોટેશિયમ હોય છે.

કિવીઃ અમેરિકન હાર્ટ એસોસિયેશનમાં પ્રકાશિત અહેવાલ મુજબ કિવી કુદરતી રીતે જ બ્લડપ્રેશર નીચું કરે છે. દરરોજ ત્રણ કિવી ખાવાથી તમારું બ્લડપ્રેશર નોર્મલ રહે છે, આથી જ તમારા સલાડમાં કિવીનો ઉમેરો કરો અને હાઇ બ્લડપ્રેશરનાં જોખમથી જાતને બચાવો.

આ ઉપરાંત, ઓમેગા-૩ ફેટી એસિડ જેમાં વધુ હોય એ આહાર પણ બ્લડપ્રેશરમાં ઉપયોગી છે. ખાસ કરીને સાલમન, હેરિંગ મકેરેલ, ટૂના જેવી માછલીઓ વધુ ઉપયોગી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter