કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરે બાંગ્લાદેશની સાયેમાનું હૃદય ફરીથી ધબકતું કર્યું

Wednesday 20th October 2021 10:24 EDT
 
 

કરમસદઃ કોવિડ-૧૯ મહામારીની બીજી લહેર બાદ હવે મેડિકલ ટુરિઝમ એટલે કે તબીબી સારવાર માટે વિદેશથી આવતા દર્દીઓને ભારતમાં સારવાર લેવા માટે પરવાનગી અપાય છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને આફ્રિકાના દેશોમાંથી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ વધુ સારવાર માટે ભારત આવે છે કારણ કે આ દેશોમાં આધુનિક સારવાર ઉપલબ્ધ નથી અને સારવારનો ખર્ચ ખૂબ વધુ છે.

કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલના ભાનુભાઈ અને મધુબહેન કાર્ડિયાક સેન્ટરમાં હાલમાં જ બાંગ્લાદેશના બોર્ડર વિસ્તારમાંથી બે વર્ષની સાયેમાને હૃદયરોગની સારવારઅર્થે લાવવામાં આવી હતી. સફળ સારવાર બાદ હવે તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. જન્મજાત હૃદયરોગથી પીડાતી સાયેમાને વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ અને આર્ટિયલ સેપ્ટલ ડિફેક્ટ એટલે કે હૃદયમાં છેદ અને હૃદયના વાલ્વમાં ખામી હતી. જેના કારણે શુદ્ધ અને અશુદ્ધ લોહી ભેગું થઈ જતું હતું અને હૃદય સુધી શુદ્ધ લોહી પહોંચી શકતું ન હતું. આથી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને હૃદયના ધબકારા અનિયમિત રહેતા હતા. આ સંજોગોમાં બાળકીની તાત્કાલિક સારવાર ખૂબ જ જરૂરી હતી.

બાંગ્લાદેશના બોર્ડર વિસ્તારમાં કાર્યરત મિલિટ્રી હોસ્પિટલના પીડિયાટ્રિક તથા સ્ટ્રક્ચરલ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. બ્રિગેડિયર જનરલ નુરુન્નહાર ફાતેમા અને ચીફ કાર્ડિયાક સર્જન મુસા ખાને બાળકીને વધુ સારવાર માટે ગુજરાતના કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. બાળકીની મેડિકલ ઈમર્જન્સીને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશની એમ્બેસી દ્વારા પરવાનગી માટે જરૂરી સહાય પૂરી પડાઇ હતી અને વિસાપ્રક્રિયા સરળ બનાવી હતી.

સાયેમા ભારત પહોંચતા જ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરાઇ હતી. હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરના પીડિયાટ્રિક સર્જન ડો. વિશાલ ભેડેએ વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટના ક્લોઝરની પ્રક્રિયા એટલે કે હૃદયના છેદને દૂર કરવાની સર્જરી સફળતાપૂર્વક કરી હતી. આથી શુદ્ધ લોહી હૃદય સુધી પહોંચવા લાગ્યું હતું. સાયેમાને ચાર દિવસ સુધી નિષ્ણાત ડોક્ટરના નિરીક્ષણ હેઠળ આઈસીયુમાં રખાઇ હતી અને તે સ્વસ્થ થતાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે સાયેમાની ફોલો-અપ સારવાર બાંગ્લાદેશમાં ડો. ફાતિમા કરશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter