કેન્સર એટલે હવે ‘કેન્સલ’ નથીઃ શેલ્બી હોસ્પિટલમાં વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી

- અચ્યુત સંઘવી Wednesday 20th February 2019 04:09 EST
 
અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં ચોથી ફેબ્રુઆરીએ  આયોજિત ‘વર્લ્ડ કેન્સર ડે’ ની ઉજવણી દરમિયાન ડો. ભાવેશભાઈ પારેખ સાથે અચ્યુત સંઘવી તથા અન્ય કેન્સર પેશન્ટ.
 

અમદાવાદઃ વિશ્વભરમાં ચોથી ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે ઉજવાય છે, તેના ભાગરૂપે શહેરની ખ્યાતનામ શેલ્બી હોસ્પિટલમાં પણ આ દિવસે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી તેમજ નામાંકિત ડોક્ટરો દ્વારા કેન્સર વિશે લોકોના ભયને દૂર કરવા જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. એક સાજા થયેલા દર્દી તરીકે હું પણ આ કાર્યક્રમમાં હાજર હતો. આ નિમિત્તે અલગ અલગ પ્રકારના કેન્સરની સારવાર લેનારા દર્દીઓ અને તેમના પરિવારજનોને પોતાના અનુભવો વર્ણવવાની ખાસ તક અપાઇ હતી. ગુજરાતના મોરબી અને પોરબંદરથી દર્દી અહીં આવ્યા હતા તો બે દર્દી કેન્યાના મોમ્બાસાથી ખાસ આવ્યા હતા.

શેલ્બી હોસ્પિટલના સિનિયર ઓન્કોલોજીસ્ટ ડો. ભાવેશભાઈ પારેખ, કેન્સર સર્જન ડો. કિન્નરભાઈ શાહ, કેન્સર સર્જન ડો. ધર્મેશ પંચાલ, શેલ્બી હોસ્પિટલના સહસ્થાપક ડેન્ટલ સર્જન ડો. દર્શિનીબહેન શાહ સહિત ડોક્ટર્સે કેન્સર અને તેના દર્દીઓ વિશે સુંદર માહિતી અને અનુભવોનું વર્ણન કર્યું હતું. ડો. ભાવેશભાઈ પારેખે જણાવ્યું હતું કે અગાઉના સમયમાં કેન્સર એટલે કેન્સલ એવો જ ખ્યાલ પ્રચલિત હતો. વર્તમાન યુગમાં આમ નથી. આજે કેન્સર મટી શકે છે અને સર્જરી વિના પણ મટે છે. માત્ર દર્દીએ ઈશ્વરમાં શ્રદ્ધા, સારવાર પ્રત્યે પોઝિટીવ અભિગમ રાખીને બરાબર સારવારને વળગી રહેવાનું હોય છે તેમજ રોગ ફરી ઉથલો ન મારે તેની પણ કાળજી રાખવાની રહે છે. તેમણે કેન્સરમાંથી ઉગરેલા દર્દીઓને ફાઈટર અને વિનર તરીકે ગણાવ્યા હતા. સારવારમાં કીમોથેરાપી પીડાકારક બની રહે છે, પરંતુ બધાનો અનુભવ એકસરખો હોતો નથી. દરેક દર્દીને વાળ ઉતરી જવા કે વજન ઘટવું સહિત એકસરખાં લક્ષણ કે અસર જોવા મળતા નથી. કેટલાક દર્દીઓ હિંમત હાર્યા વિના ૨૩-૨૪ કીમોથેરાપી લેતા હોય છે અને કેટલાકને આટલી લાંબી સારવારની જરૂર હોતી નથી.

કેન્સર સર્જન ડો. કિન્નરભાઈ શાહે જણાવ્યું હતું કે અમારી પાસે ફેફસાં, જડબાં અને મુખના કેન્સરના ઘણા દર્દીઓ આવે છે. આ કેન્સર થવાનું મુખ્ય કારણ ગુટખા, તમાકુ અને ધૂમ્રપાન સહિત ખાનપાનની ખરાબ આદતો હોય છે. ઘણા દર્દીઓ સાજા થઈ ગયા પછી ફરીથી આવી આદતો શરૂ કરી દે છે, જે યોગ્ય નથી. ઈશ્વરમાં શ્રદ્ધા જરૂરી છે, પરંતુ બધું તેમના આશરે છોડી ન દેવાય. આપણે પણ કાળજી રાખવી જોઈએ.

ડેન્ટલ સર્જન દર્શિનીબહેન શાહે યોગ્ય નિદાનની આવશ્યકતાની વાત કરી હતી. પોરબંદરના એક દર્દી કેન્સરની શંકાએ અનેક સ્થળોએ તપાસ અને પરીક્ષણો કરાવી આવવા છતાં યોગ્ય નિદાન થયું ન હતું. આવા સમયે દર્દીને બરાબર સાંભળી તેની શંકા દૂર કરવી અને તેની સાથે ઉભા રહેવાની ખાતરી મળે તે જરૂરી બને છે.

કેન્સરના દર્દી અને કહીએ તો કોઈ પણ રોગના દર્દીનો અનુભવ સારો ન જ હોય કારણ કે તેણે મુશ્કેલ સારવાર પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. આવા સમયે ડોક્ટર જ તેમના ઈશ્વર બની રહે છે અને પરિવારજનોની હુંફ તેમને રોગ સામે લડવાની તાકાત આપે છે. કેન્સરના એક દર્દી તરીકે મારી વાત કરું તો હું આશરે ૩૦ વર્ષથી જર્નાલિઝમ ક્ષેત્રમાં કાર્યરત છું અને હાલ ‘ગુજરાત સમાચાર’ની અમદાવાદ ઓફિસમાં કાર્યરત છું. ૨૦૧૮ના ફેબ્રુઆરીમાં મને આંતરડાનું કેન્સર હોવાની જાણ થઈ હતી. મારા પરિવારજનોના તો હોશ ઉડી ગયા હતા. જોકે ડોક્ટરોનું નિષ્ણાત જ્ઞાન અને હુંફ અમારી મદદે આવ્યા હતા.

ઓપરેશન પછી ‘ગુજરાત સમાચાર’ સાથે માનદ્ ડિરેક્ટર તરીકે સંકળાયેલા ડો. ભાવેશભાઈ પારેખે મારો હવાલો સંભાળી લીધો હતો. તેમણે મને અને મારા પરિવારને સમજાવ્યું કે ઓપરેશન પછી કેન્સરનો ઉથલો મારવાની શક્યતા ઓછી રહે છે. આમ છતાં, સાવચેતીના પગલાંરૂપે મારે કીમોથેરાપી લેવી જોઈએ તેવી તેમણે મને સલાહ આપી હતી. સારવાર દરમિયાન, અમારા મનમાં જ્યારે પણ કોઈ પ્રશ્ન કે શંકા ઉઠતા ત્યારે ભાવેશભાઈ એકદમ સરળતાથી સમજ આપીને તેનું નિવારણ કરતા હતા. આજે મને કેન્સર મટ્યા પછી પણ તેઓ મારી તબિયતની પૃચ્છા કરતા રહે છે. અમારા પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ અને સહકાર્યકરોએ પણ મારી એટલી જ સારસંભાળ રાખી છે, જેનાથી મને જીવનબળ મળ્યું છે.

એક પરિવારમાં નાની દીકરીને ગંભીર કેન્સર થયું અને સારવારમાં તેના સાજા થયા પછી તેની માતાને સ્તનનું કેન્સર થયું હતુ. ડોક્ટર્સ અને પરિવારના સહારે જ તેઓ અતિ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યાં હતાં. હાલ ઈજનેરીનો અભ્યાસ કરતા એક યુવકને તે ૧૦મા ધોરણમાં હતો ત્યારે બ્લડ કેન્સર હોવાની જાણ થઈ હતી. સારવાર લાંબી ચાલી, પરંતુ પરિવારના સભ્યોની હુંફ અને સમયસરની સારવારે તેમને ઉગારી લીધા હતા. તેઓ આજે પણ મહિને-બે મહિને ડોક્ટરને મળી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવે છે. એક ભાઈને જીભ પર કેન્સરની ગાંઠ થઈ હતી. તેમને અવાજ જતો રહેવાનો ભય હતો, પરંતુ તેમનું ઓપરેશન અને રીકન્સ્ટ્રક્શન એ રીતે કરાયું કે તેમણે પોતાનો અનુભવ વર્ણવ્યો ત્યાં સુધી કોઈને ખબર ના પડી કે એક સમયે તેઓ કેન્સરના દર્દી હતા અને જીભમાં જ કેન્સરની ગાંઠ હતી. આવા ઘણા દર્દીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter