કેન્સર એટલે ‘ કેન્સલ’ નહિ પરંતુ, લોકજાગૃતિ અતિ આવશ્યક

લોકો લ્યુકેમિઆ કેન્સરના સામાન્ય લક્ષણો વિશે પણ જાણતા નથી

Tuesday 06th September 2022 12:33 EDT
 
 

કેન્સર એવી સ્થિતિ છે જે મગજથી માંડી જઠર અને આંતરડાથી માંડી ત્વચા સુધી શરીરના કોઈ પણ અંગને અસર કરી શકે છે. જ્યારે કેન્સર ત્રાટકે ત્યારે જીવન બચાવવા શક્ય તમામ પગલાં લેવા જરૂરી બની જાય છે. જોકે, કોઈ પણ રોગ અને ખાસ કરીને કેન્સરને ઓળખવા માટે તેના લક્ષણોને જાણવા જરૂરી છે. લ્યુકેમિઆ યુકે અને લ્યુકેમિઆ કેર સહિત ચેરિટીઝ આ બાબતે ચિંતિત છે કારણકે લોકોમાં લક્ષણોની જાણકારીનો અભાવ છે.
બ્રેઈન અને બોવેલના કેન્સરની માફક જ ‘B’ અક્ષરથી શરૂ થતા બ્લડ એટલે કે લોહીનું કેન્સર (લ્યુકેમિઆ-Leukaemia) પણ થાય છે જે મુખ્યત્વે લોહીના શ્વેતકણ-વ્હાઈટ બ્લડ સેલ્સ સાથે સંકળાયેલું છે. લોહીના લાલ કણ ઓક્સિજનને શરીરના મહત્ત્વના અંગો સુધી પહોંચાડવાની કામગીરી બજાવે છે જ્યારે શ્વેતકણ શરીર પર આક્રમણ કરતા કોઈ પણ જીવાણું કે વિષાણુના ચેપ સામે રક્ષાકવચ-પ્રતિકાર સિસ્ટમનું પ્રથમ પગથિયું છે. જો શ્વેતકણમાં વિકૃતિ આવે અને તે કેનસરજન્ય બની જાય તો ચેપ સામે લડવાની શરીરને ક્ષમતાને ગંભીર અસર થાય છે અને તમામ પ્રકારના કેન્સરની માફક તે જીવલેણ પણ બને છે. યુકેમાં બ્લડ કેન્સર સર્વસામાન્ય કેન્સર જેવું ન હોવાં છતાં, તાજેતરના સર્વેના તારણોને ધ્યાનમાં લઈ ચેરિટીઝે આ કેન્સર સંદર્ભે વધુ જાગૃતિ કેળવવા પર ભાર મૂક્યો છે.
લ્યુકેમિઆ યુકે અને લ્યુકેમિઆ કેર ચેરિટીઝ દ્વારા 2000 લોકોના કરાયેલા પોલમાં જણાયું છે કે માત્ર 1 ટકા બ્રિટિશરો એટલે કે 100માંથી માત્ર એક વ્યક્તિ લ્યુકેમિઆના ચાર મુખ્ય લક્ષણો વિશે જાણે છે જે ચોંકાવનારી બાબત છે. આ ઉપરાંત, 42 ટકાને તો એક લક્ષણની પણ જાણકારી ન હતી અને માત્ર 11 ટકાને વારંવાર ચેપ લાગવો તે આ રોગનું લક્ષણ હોવાની જાણકારી હતી. બ્લડ કેન્સરના લક્ષણોમાં વારંવાર ચેપ લાગવો, શરીર પર ઉઝરડાં જણાવા, વધુપ઼ડતું બ્લીડિંગ અને થાક-નબળાઈનો સમાવેશ થાય છે. ચેરિટીઝના જણાવ્યા અનુસાર પ્રતિ દિવસ 28 લોકોને બ્લડ કેન્સર- લ્યુકેમિઆનું નિદાન કરાય છે.
કેન્સરની ઓળખના સામાન્ય લક્ષણો
કેન્સરના 200થી વધુ પ્રકાર છે ત્યારે અલગ અલગ લક્ષણોની જાણકારી હોવી અશક્ય છે. જોકે, કેટલાક લક્ષણો એવા છે કે કોઈપણ કેન્સર માટે સામાન્ય ગણાય છે. તમે કેન્સરના લક્ષણને જેટલું વહેલાં ઓળખી શકો તે પ્રમાણમાં સારવારની વધુ તક રહે છે. ઘણી વખત ચોક્કસ પ્રકારના લક્ષણો ચોક્કસ કેન્સરની સાથે સંકળાયેલા હોય છે પરંતુ, વજનમા ઘટાડો, થાક કે નબળાઈ અથવા ન સમજાય તેવો દુઃખાવો જેવા સામાન્ય લક્ષણોથી પણ કેન્સરની ઓળખ થઈ શકે છે. આ લક્ષણો ઘણી વખત ગંભીર હોતા નથી પરંતુ, જો કેન્સર હોય તો વહેલી ઓળખ જીવનમરણનો સવાલ બની રહે છે.
રાત્રે ભારે પ્રમાણમાં પરસેવોઃ આ ઉપરાંત, રાત્રે ભારે પ્રમાણમાં પરસેવો થવાનું પણ લક્ષણ સંકળાયેલું છે. કેન્સર રિસર્ચ યુકે ચેરિટીના કહેવા મુજબ ચેપના કારણે અથવા ચોક્કસ દવાઓની આડઅસર તરીકે રાત્રે ભારે પ્રમાણમાં પરસેવો થતો હોય છે. સ્ત્રીઓને પણ મેનોપોઝના કાળમાં આવો પરસેવો થાય છે પરંતુ, શરીર-કપડા પલળી જાય તે પ્રમાણનો પરસેવો કેન્સરની નિશાની હોઈ શકે છે. આ સ્થિતિમાં ડોક્ટરની વેળાસર સલાહ લેવી હિતાવહ છે.
ન સમજાય તેવો દુઃખાવોઃ કોઈ પણ પ્રકારનો દુઃખાવો થાય તેના મારફત શરીર કશું ખોટું હોવાનો સંદેશો આપે છે. વય વધવા સાથે શારીરિક કળતર અને દુઃખાવાઓ સામાન્ય બની રહે છે પરંતુ, સમજી ન શકાય તેવો દુઃખાવો કશું વધુ ગંભીર હોવાની નિશાની કહી શકાય.
કોઈ પણ જગ્યાએ અસામાન્ય ગાંઠ કે સોજાઃ શરીરના કોઈ પણ ભાગમાં સતત ગાંઠ- ગઠ્ઠા અથવા સોજા જોવાં મળે તો ગંભીરતા સમજવી જોઈએ. આવા ગઠ્ઠા કે સોજા સામાન્યપણે ગરદન, બગલ, પેટ, જાંઘ-સાથળ, છાતી, સ્તન અને અંડકોષ પર જોવા મળે છે.
થાક કે નબળાઈઃ તમને સામાન્ય કરતા વધુ પ્રમાણમાં થાક કે નબળાઈ જણાય તેના ઘણા કારણ હોય છે. તમે તણાવની પરિસ્થિતિમાંથી પસાર થતા હો અથવા રાત્રે ઉંઘવાની તકલીફ રહેતી હોય તો થાક લાગતો હોય છે. પરંતુ, આવા કોઈ સ્પષ્ટ કારણ વિના તમને નબળાઈ લાગતી હોય તો કશી ગંભીર તકલીફ હોવાની નિશાની કહેવાય. આવા સમયે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter