કોરોનાવાઈરસ રસી શોધ્યાનો બ્રિટિશ વિજ્ઞાનીઓનો દાવો

Wednesday 12th February 2020 03:02 EST
 
 

લંડનઃ ચીનમાં જીવલેણ વુહાન કોરોનાવાઈરસથી મૃતકોની સંખ્યા ૫૦૦થી વધુ છે અને વિશ્વના આશરે ૩૦ દેશમાં ચેપગ્રસ્તોની સંખ્યા ૨૫,૦૦૦થી વધુ છે ત્યારે બ્રિટિશ વિજ્ઞાનીઓએ વિશ્વના કરોડો લોકોને આ વાઈરસ સામે બચાવવાની રસી શોધવાની સ્પર્ધામાં સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. આગામી સપ્તાહે પ્રાણીઓ પર રસીની ટ્રાયલ શરૂ કરાવાની છે. જોકે, ભંડોળ મળે તો માનવીઓ પરની ટ્રાયલ સમરમાં શરૂ કરવાનો ઈરાદો ઈમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધકોની ટીમે જાહેર કર્યો છે. ડોક્ટર્સને ભય છે કે જો રસીનું સમયસર નહિ થાય તો અનામી કોરોનાવાઈરસ સમગ્ર વિશ્વને લપેટમાં લઈ લેશે.

ચીનના વુહાનથી ઉદ્ભવેલા સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સીન્ડ્રોમ (SARS) જેવા ચેપ અને ન્યૂમોનિયા લાવતા નવા પ્રકારના જીવલેણ કોરોનાવાઈરસ સામે રસી શોધવા વિશ્વભરના વિજ્ઞાનીઓ કામે લાગ્યા છે. ગત સપ્તાહે હોંગ કોંગના વિજ્ઞાનીઓનો રસી શોધ્યાના દાવા પછી હવે બ્રિટિશ સંશોધકોએ રસી શોધવામાં સફળતાનો દાવો કર્યો છે. ઈમ્પિરિયલ કોલેજ લંડનના ઈન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ પ્રોફેસર રોબિન શેટ્ટોકે આગામી સપ્તાહથી પ્રાણીઓ પર કોરોનાવાયરસ રસીના અખતરાની તેમની ટીમની યોજના જાહેર કરી હતી. જો આ ટ્રાયલ સફળ નીવડે અને પૂરતું ભંડોળ મળે તો સમરમાં મુષ્યો પર અખતરા શરૂ કરાશે. વર્તમાનમાં ઝીકા વાયરસ માટે રસી ઉત્પાદનમાં વિશ્વનો વિક્રમી સમયગાળો છે જ્યારે પ્રયોગશાળામાંથી માનવી પરના અખતરામાં સાત મહિના લાગ્યા હતા.

પ્રોફેસર શેટ્ટોકે જણાવ્યું હતું કે સામાન્યપણે રસી ક્લિનિક સુધી પહોંચે તે પહેલા તેના ઉત્પાદન માટે બેથી ત્રણ વર્ષનો ગાળો રહે છે. જોકે, તેમણે લેબોરેટરીમાં માત્ર ૧૪ દિવસમાં પ્રયોગ પૂર્ણ કર્યા છે અને હવે આગામી સપ્તાહથી પ્રાણીઓ પર અખતરા ચાલુ કરાશે, જેની સફળતા સાથે જ મનુષ્યો પર રસીની ટ્રાયલ થશે. જોકે, મનુષ્યોને રસી આપી શકાય તેમાં એક વર્ષ લાગી શકે તેવી ચેતવણી પણ બ્રિટિશ સંશોધકોએ આપી છે.

બ્રિટને કોરોનાવાઈરસ જેવા રોગચાળાની આરોગ્ય ઈમરજન્સીઓ સામે લડવા આંતરરાષ્ટ્રીય એજન્સી CEPIને ૨૦ મિલિયન પાઉન્ડ ફાળવ્યા છે. યુએસ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ દ્વારા એપ્રિલ મહિનામાં પ્રાયોગિક રસીનું પરીક્ષણ શરૂ કરવા જાહેરાત કરી છે. પેન્સિલ્વાનિયાની ઈનોવીઓ ફાર્માસ્યુટિકલ્સના વિજ્ઞાની ડો. કેટ બ્રોડેરિકે જાહેર કર્યું છે કે તેમની ટીમ દ્વારા વિકસાવાયેલી રસી INO-4800નું પરીક્ષણ પ્રાણીઓ પર ચાલી રહ્યું છે અને આઠ સપ્તાહમાં મનુષ્યો પર પરીક્ષણ કરી શકાશે.

યુકેમાં માત્ર બે કેસ કોરોનાવાઈરસના પોઝિટીવ હોવાનું નિદાન કરાયું છે પરંતુ, દેશ હાઈ એલર્ટ પર છે. ચીનસ્થિત તમામ ૩૦,૦૦૦ બ્રિટિશ નાગરિકોને દેશ છોડી દેવાની ચેતવણી અપાઈ છે. ફોરેન ઓફિસને ભય છે કે બ્રિટિશરો સમયસર ચીનથી બહાર નહિ નીકળે તો ફ્લાઈટ્સ અને અન્ય ટ્રાન્સપોર્ટ લિન્ક્સ રદ થવાથી તેઓ રઝળી પડશે. ચીનથી આવતી તમામ સીધી ફ્લાઈટ્સ પર પ્રતિબંધની વિચારણા પણ થઈ રહી છે. જોકે, યુકેએ અન્ય ઈયુ દેશો સાથે સંકલન સાધવું પડશે તેમ કહેવાય છે. યુએસ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડે ચીનથી ડાયરેક્ટ ફ્લાઈટમાં આવતા કોઈ પણ વિદેશી નાગરિકોને અટકાવી દીધા છે. ચીનથી આવતી ફ્લાઈટ્સ માટે યુકેના મુખ્ય એરપોર્ટ્સ પર તબીબોની ટીમો કાર્યરત છે. જોકે, તેમની બરાબર ચકાસણી પણ ન કરાતી હોવાનો પ્રવાસીઓનો આક્ષેપ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter